હાશકારો: દાહોદ નજીક નસીરપુરમાં રોજ રાત્રે ઘુસી આવતો દીપડો છેવટે પાંજરે પુરાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

આખરે આદમખોર દીપડો પાંજરે પુરાયો

  • પાંજરામાં પકડાયેલા દીપડાને હાલ રામપુરા લઇ જવાયો
  • દીપડાએ ગામમાં ઘુસી વાછરડા અને મરઘાંનો શિકાર કર્યો હતો

દાહોદ શહેરને અડીને આવેલા મુવાલિયા તળાવ પાસેના નસીરપુર ગામમાં છેલ્લા કેટલાક દિવસોથી દીપડો રોજ રાત્રે દીપડો રહેણાંક વિસ્તારમાં આવતો હતો. જેથી સ્થાનિકોએ વન વિભાગને જાણ કરી હતી. વન વિભાગ દ્વારા આ વિસ્તારમાં દીપડાને ઝડપી પાડવા પાંજરુ મુકવામાં આવ્યુ હતુ જેમાં ગત રાત્રે દીપડો પાંજરે પુરાઇ ગયો હતો. હાલ તેને રામપુરા લઇ જવાયો છે.

દાહોદ પાસે આવેલા મુવાલિયાને ગ્રામ્ય કરતાં વિકાસશીલ વિસ્તાર કહી શકાય છે. અહીં શહેર જેવી જ ગીચ વસ્તી છે અને કાચા પાકા મકાનો આવેલા છે. મોટું તળાવ પણ છે અને તેની પર ડેમ પણ બાંધવામાં આવેલો છે. જેના દ્રારા સિંચાઇનુ પાણી ખેડૂતોને આપવામાં આવે છે. મુવાલિયા ડેમ પિકનીક પોઇન્ટ પણ છે આમ મુવાલિયા શહેર અને ગ્રામ્ય વિસ્તારની સરહદ કહી શકાય છે.

દીપડાએ નસીરપુર ગામમાં આતંક ફેલાવ્યો હતો
આ નસીરપુર ગામમાં રહેતાં નાનુ માવીના ઘરના આંગણામાં તેમજ આસપાસના વિસ્તારમાં એક દીપડો રોજ રાત્રે લટાર મારતો હતો .નાનુભાઇના આંગણામાં થોડા દિવસ પખવાડિયા
પહેલાં વાછરડાનું મારણ કર્યુ હતુ. ત્યાર બાદ મરઘાનો શિકાર પણ કર્યો હતો. એક રાત્રે તો મરઘુ લઇને દીપડો ભાગી ગયો હતો. અહીં લગાવેલા સીસીટીવી કેમેરામાં આ બધી ઘટનાઓ કેદ
થયેલી છે. આમ દીપડાની આવન જાવનથી સ્વાભાવિક રીતે જ સ્થાનિકોમાં ભય ફેલાયેલો હતો.

લલચાઇને દીપડો પાંજરે પુરાયો
આ બાબતે વન વિભાગમાં રજૂઆત કરવામાં આવી હતી. જેથી મુવાલિયા તળાવ નજીકથી જે રસ્તે દીપડો રહેણાંક વિસ્તારમાં આવતો હતો તે રસ્તા પર જ વન વિભાગ દ્રારા પાંજરું
મુકવામાં આવ્યુ હતુ. ગત રાત્રે દીપડો તેની આદત પ્રમાણે ફરીથી આ વિસ્તારમાં આવ્યો હતો અને લલચાઇને પાંજરામા ઘુસી ગયો હતો અને છેવટે તે પાંજરામાં કેદ થઇ ગયો હતો. આમ
દીપડો પાંજરે પુરાઇ જતાં સ્થાનિકોને હાશકારો થયો છે.

દીપડાને રામપુરા વન વિભાગ રેન્જમાં લઇ જવાયો
હાલ દીપડાને રામપુરા વન વિભાગ રેન્જમાં લઇ જવાયો છે. ત્યારબાદ તેને જંગલમાં છોડવો કે પછી જાંબુઘોડા રેસ્ક્યુ સેન્ટરમાં મોકલવો તેનો નિર્ણય ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કર્યા
બાદ લેવાશે તેમ જાણવા મળ્યુ છે. કારણ કે આ વિસ્તારમાંથી ઝડપાયેલા દીપડાને લગભગ જાંબુઘોડા રેસ્ક્યુ સેન્ટરમાં જ રાખવામાં આવે છે અને તે નાદુરસ્ત હોય તો તોની સારવાર પણ
કરવામાં આવે છે.

મુવાલિયા વિસ્તારમાં ફરતો દીપડો અહીં સપરિવાર રહેતો હોવાનું કહેવાય છે.અહીં આવેલી એક મોટી વાડીમાં તેણે નિવાસ કરેલો હોવાની ચર્ચા છે.ત્યારે જો આ વાતમાં તથ્ય હોય તો હજી પણ નર કે માદા દીપડા આ વિસ્તારમાં રહેતા વસવાટ કરતા હોઇ શકે છે.

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: