સ્મશાનમાં સત્ય: દાહોદના સ્મશાનમાં અડધા દિવસમાં જ કોરોનાના 7 મૃતકોના અગ્નિ સંસ્કાર કરાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ3 કલાક પહેલા

  • શુક્રવારે દાહોદના સ્મશાનમાં કોરોનાનું બિહામણું દ્રશ્ય જોવા મળ્યુ

દાહોદ જિલ્લામાં કોરોના હવે વકર્યો છે. ત્યારે સરકારી આંકડાઓ સામે પ્રશ્નાર્થો સર્જાયા છે. કારણ કે રોજે રોજ મોટી સંખ્યામાં લોકો કોરોનાથી સંક્રમિત થઇ રહ્યા છે અને મૃત્યુ પણ થઇ રહ્યા છે. સાચો મૃત્યુ આંક સામે ન આવતો હોવાનું ચર્ચાઇ રહ્યુ છે. ત્યારે શુક્રવારે દાહોદના સ્મશાનમાં કોરોનાનું બિહામણું દ્રશ્ય જોવા મળ્યુ હતુ. કારણ કે સ્મશાનમાં બપોરે 2 વાગ્યા સુધીમાં કોરોનાને કારણે મૃત્યુ પામેલા 7 વ્યક્તિઓના અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા હતા. તેમાથી 4 ચિતા તો સળગતી જ જોવા મળી હતી.

દાહોદ જિલ્લામાં કોરોનાએ હવે સાચા અર્થમાં મહામારીનુ વિકરાળ સ્વરુપ ધારણ કરી લીધુ છે. સરકારી અને તમામ ખાનગી દવાખાનાઓ હાઉસફુલ છે તેમજ જરુરી દવાઓ પણ પુરતાં પ્રમાણમાં ઉપલબ્ધ નથી. ત્યારે તંત્ર સાચી પરિસ્થિતિ પર લીપાપોતી કરવાની સાથે જરુરી વ્યવસ્થાઓ ઉભી કરી રહ્યુ છે.કોરોના બેડની સંખ્યા વધારવામાં આવી રહ્યી છે તેમજ સમગ્ર તંત્રને હાઇ અલર્ટ પર મુકી દેવાયુ છે.

બીજી તરફ કોરોના આંક વિશે સવાલો માત્ર દાહોદ જિલ્લામાં જ નહી પરંતુ સમગ્ર ગુજરાતમાં ઉઠાવવામાં આવી રહ્યા છે. દાહોદ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી ટેસ્ટ વધારી દેવાયા છે અને તેમાં ઘણાં લોકો પોઝિટિવ આવી રહ્યા છે. શહેરમાં પોઝીટીવ આંકની જે ચર્ચા થાય છે તેનો મેળ જાહેર કરાતા આંકડા સાથે ખાતો ન હોવાની ચર્ચાએ વેગ પકડ્યો છે. મૃત્યુઆંક વિશે પણ આશંકાઓ સેવાઇ રહી છે ત્યારે જ આજે જાણે સ્મશાનમાં સત્ય સામે આવી ગયુ હોય તેમ લાગી રહ્યુ છે.

શુક્રવાર તારીખ 9 એપ્રિલના રોજ દાહોદના દુધીમતી નદીના કિનારે આવેલા હિન્દુ સાર્વજનિક સ્મશાનમાં દ્રશ્યો જોયા બાદ કોઇએ માસ્ક પહેરવાની જાહેરાતો જોવાની જરુર પડે તેમ લાગતું નથી. કારણ કે જે સ્મશાનમાં જમણી બાજુ આવેલી કેંચીઓ લગભગ ક્યારેય ઉપયોગમાં નથી લેવાતી તેમાં પણ અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા હતા. કારણ કે મહત્તમ વપરાશમાં લેવાતી નીચે તરફની તમામ કેંચીઓમાં ચિતાઓ સળગતી હતી. જે તમામ કોરોનાના દર્દીઓના જ મૃતદેહ હતા.

બપોરે 2 વાગ્યા સુધીમાં 7 મૃતદેહો શબવાહિનીમાં જ લવાયા હતા અને પીપીઇ કીટ સાથે જ અગ્નિ સંસ્કાર કરાયા હોવાનુ પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યુ હતુ. તેની સત્યતા ચકાસવા શબવાહિનીના કર્મચારીને પુછતાં જાણવા મળ્યુ કે, પહેલી ટ્રીપમાં 3 અને બીજી ટ્રીપમાં 4 મૃતદેહ લવાયા હતા. મૃત્યુ આંક છેલ્લા કેટલાક દિવસોથી વધી ગયો હોવાની માહિતી મળી છે ત્યારે કોરોનામાં મોતનું ઓડિટ કરનારા કદાચ છુપાવી શકશે પરંતુ જેનું સ્વજન ગયુ છે તેનુ દુખ કશુએ નહી છુપાવી શકે.

આ સત્ય એક જ સ્મશાન ગૃહનુ અને અડધા દિવસનુ જ છે ત્યારે હજી કબ્રસ્તાન સુધી તો સત્યનો કેમેરો ગયો નથી. ત્યારે આવનાર સમય ગંભીર હોઇ શકે છે અને સ્થિતિ વિકરાળ પણ હોઇ શકે છે.ત્યારે સાવચેતી જ શ્રેષ્ઠ ઉપાય હોય તેમ લાગી રહ્યુ છે.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: