સિંચાઇની સુવિધા: રાણાપુર ખુર્દને સિંચાઇ યોજનાનો લાભ મળ્યો

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક

દાહોદ શહેરને શાકભાજી પૂરું પાડતા ગામ રાણાપુર ખુર્દના ખેડૂતોને પિયતનું પાણી આપવાની સિંચાઇ યોજનાનું લોકાર્પણ કરવામાં આવ્યું.

  • ગામના 150 ખેડૂતોને 70 હેક્ટર જેટલી જમીનમાં વાડી સુધી સિંચાઇનું પાણી પહોંચતું થશે
  • રૂ. 97 લાખની ઉદ્દવહન સિંચાઇ યોજનાનું સાંસદ ભાભોર અને ધારાસભ્ય વજેસિંહના હસ્તે લોકાર્પણ

દાહોદ શહેરને શાકભાજી પૂરૂ પાડતા ગામ રાણાપુર ખુર્દના ખેડૂતોને તેમની વાડી સુધી પિયતનું પાણી આપવાની રૂ. 97 લાખની ઉદ્દવહન સિંચાઇ યોજનાનું સાંસદ જસવંતસિંહ ભાભોર અને ધારાસભ્ય વજેસિંહ પણદાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ યોજનાથી 150 ખેડૂતોને તેમની 70 હેક્ટર એકર જેટલી જમીનમાં સિંચાઇની સુવિધા મળશે.

સામાન્ય સંજોગોમાં બારેય માસ પાણી ધરાવતી ખાન નદીના કિનારે આવેલા રાણાપુર ખુર્દ ગામના ખેડૂતો ધાન્ય પાકો ઉપરાંત શાકભાજી પાકોનું વાવેતર બહુધા કરે છે. તેમાંય વિશેષ કરીને દાહોદમાં આવતો મોટાભાગનો ગુવાર આ ગામનો હોય છે. ખાન નદીના કિનારો હોવાથી અત્યાર સુધી ખેડૂતો પોતાની રીતે સિંચાઇનું પાણી મેળવતા હતા. નદીથી નજીક હોય તેવા ખેડૂતોને વિશેષ ફાયદો થતો હતો. વિશેષ વાત એ છે કે, નદીમાં ખેડૂતો દ્વારા 500થી 700 ડિઝલ એન્જીન બેસાડી પોતાની રીતે પાણી લેવામાં આવતું હતું.

વળી, આ એન્જીન ભાડે લેવામાં આવતા હતા. તે હિસાબે ગણતરી કરવામાં આવે તો એન્જીનનું એક કલાકનું ભાડું રૂ. 100 અને ડિઝલનો કલાકમાં વપરાશને ધ્યાને લઇ ખેડૂતોને એક કલાક પિયત કરવાનું રૂ. 250માં પડતું હતું. હવે, આ યોજનાથી પાઇપ મારફત વાડી સુધી પાણી આવતા માત્ર રૂ. 80થી 100માં પિયત કરી શકાશે.

લોકાર્પણ વેળાએ ધારાસભ્ય વજેસિંહ પણદા, એપીએમસીના ચેરમેન કનૈયાભાઈ કિશોરી સરપંચ બચુભાઇ પારગી, અગ્રણી શંભુભાઇ, સુધીરભાઇ લાલપુરવાળા, દીપેશભાઇ લાલપુરવાળા, જીથરાભાઇ ડામોર, નાયબ કાર્યપાલક ઇજનેર દેવનાની સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

વિતરણ લાઇન ઉપર 37 કૂંડી મુકાઇ
ખાન નદીમાંથી પાણીનું વહન કરવામાં આવશે. તેમાં 875 મીટર લાંબી મુખ્ય પાઇપ લાઇન અને 5174 મીટર વિતરણ લાઇન બિછાવવામાં આવી છે. વિતરણ લાઇન ઉપર 37 કૂંડી મુકવામાં આવી છે. પાણીનું વહન કરવા માટે 20 હોર્સ પાવરનો એક એવા ત્રણ પમ્પ મૂકવામાં આવ્યા છે.ખાસ કેન્દ્રીય સહાય હેઠળ જળસંપત્તિ નિગમ દ્વારા આ યોજના સાકાર થઇ છે.


Related News

Comments are Closed

%d bloggers like this: