સત્તા મળી: દેવગઢ બારીયા પાલિકામાં પ્રમુખ પદે ચાર્મી સોની બિનહરીફ વિજેતા થયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • ચાર્મી સોની બીજી વખત પ્રમુખ પદે ચૂંટાઇ આવ્યા પ્રમુખે સભ્યપદ ગુમાવી દેતાં ફરીથી ચૂંટણી આવી પડી હતી

દેવગઢ બારીયા નગર પાલિકાના પ્રમુખપદ માટે આજે ચૂંટણી યોજાઇ હતી. ત્યારે ગત વખતે રાજકીય રીતે નાટકીય બની ગયેલી આ ચૂંટણીમાં કોઇ પણ પ્રકારની ઉત્તેજના વિના સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થઇ હતી. જેમાં ભાજપાના ચાર્મી સોની બિનહરીફ ચુંટાઇ આવ્યા છે. સમર્થકો અને કાર્યકરોએ તેમને હાર તોરા કરી શુભેચ્છા પાઠવી હતી.

બંન્ને મહિલા ઉમેદવારોને 12-12 મત મળ્યા હતા

દેવગઢ બારીયા નગર પાલિકામાં થોડા સમય પહેલાં જ પ્રમુખ પદ માટે ચૂંટણી યોજાઇ હતી. જેમાં દક્ષા નાથાણીને ભાજપે પ્રમુખ પદના અને પૂર્વ પ્રમુખ ચાર્મી સોનીને ઉપપ્રમુખ પદના ઉમેદવાર બનાવ્યા હતા. પરંતુ ચાર્મી સોનીએ પ્રમુખપદ માટે ઉમેદવારી નોંધાવી હતી. પરિણામે મતદાન કરાયુ હતુ. જેમાં બંન્ને મહિલા ઉમેદવારોને 12-12 મત મળ્યા હતા. જેથી ચિઠ્ઠી ઉછાળતાં દક્ષા વિજયી જાહેર થયા હતા. પરંતુ તેઓ કોંગ્રેસમાંથી આવી ભાજપાના મેન્ડેટ પર પ્રમુખ પદે ચૂંટાતા તેમની સામે કરેલી અરજી બાદ તેમને સભ્ય પદ ગુમાવવાનો વારો આવ્યો હતો. જેથી દેવગઢ બારીયા પ્રમુખ પદ માટે ફરીથી ચૂંટણી કરવાનો વારો આવ્યો હતો.

પ્રમુખ પદ સામાન્ય મહિલા માટે અનામત હતુ

તારીખ 24 માર્ચના રોજ પ્રમુખ પદની ચૂંટણી યોજાઇ હતી. પ્રમુખ પદ સામાન્ય મહિલા માટે અનામત હતુ. જેથી ચાર્મી સોનીની ઉમેદવારી નિશ્ચિત માનવામાં આવતી હતી. તે પ્રમાણે જ સામાન્ય સભામાં માત્ર ચાર્મી સોનીએ જ ઉમેદવારી નોંધાવતા તેઓ બીન હરીફ પ્રમુખ પદે ચુંટાયેલા જાહેર થયા હતા. આમ ફરીથી દેવગઢ બારીયા પાલિકામાં ભગવો લહેરાયો છે. ચાર્મી સોની બીજી વખત પ્રમુખ પદે ચૂંટાઇ આવ્યા છે. તેમના સાસુ પણ દેવગઢ નગર પાલિકામાં નગર સેવિકા રહી ચુક્યા છે. કેટલાયે રાજકીય આટાપાટા પછી દેવગઢ બારીયામાં સત્તાની ગાડી પાટે ચઢી છે. ત્યારે હવે નગરના વિકાસની દિશાઓ ખુલે તેમ નગરજનો ઇચ્છી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: