વૃદ્ધા નહીં યોદ્ધા: દાહોદની ઝાયડ્સ હોસ્પિટલમાં 71 વર્ષના નર્સ કરે છે કોરોનાના દર્દીઓની સેવા, 2009માં નિવૃત થયા બાદ પણ સેવા ચાલુ રાખી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ5 મિનિટ પહેલા

  • કૉપી લિંક
નર્સ જૈમિનીબેન દ્વારા થતી દર્દીની સેવા. - Divya Bhaskar

નર્સ જૈમિનીબેન દ્વારા થતી દર્દીની સેવા.

દાહોદની ઝાયડ્સ મેડિકલ કોલેજ અને સિવિલમાં વયોવૃદ્ધ નર્સ જૈમિનીબેન કોરોનાથી ડર્યા વિના દર્દીઓની સેવા કરે છે 1970માં જામનગરની ઇરવિન કોલેજમાં પરિચારિકાનો અભ્યાસ કર્યા બાદ વૃદ્ધાવસ્થાના એક પડાવ સુધી પહોંચી ગયા છતાં સેવાકાર્ય જારી

પહેલા પેઇન્ટિંગનું કામ કરતા હતા
નામ એમનું છે જૈમિનીબેન જોશી. ઉંમર છે 71 વર્ષ. દાહોદની ઝાયડ્સ હોસ્પિટલના આ સૌથી મોટી ઉંમરના મેટ્રન છે. વૃદ્ધાવસ્થાના એક પડાવ સુધી પહોંચી ગયા બાદ પણ તેમણે દર્દી નારાયણની સેવાનું કાર્ય શરૂ રાખ્યું છે. કોરોનામાં પણ તેમણે આ સેવાકાર્ય છોડ્યું નથી. ઉલ્ટાનું યુવાનોને પણ શરમાવે એવા ઉત્સાહથી તેઓ ફરજ બજાવી રહ્યા છે. જૈમિનીબેનના પિતા મોહનલાલ જીવરામ જોશી દાહોદમાં પેઇન્ટિંગનું કામ કરતા હતા. ધો.8માં અભ્યાસ કરતા હતા ત્યારે જ પિતાનું કેન્સરથી અવસાન થયા બાદ ટૂંકા સમયમાં માતા લલીતાબેનનું પણ હાર્ટએટેકથી મૃત્યુ થયું હતું.

1970માં નર્સ બન્યા હતા
9 ભાઇભાંડુમાં જૈમિનીબેન ત્રીજા નંબરના. ઘરમાં આવી બીમારી જોઇને દર્દીઓની સેવા કરવાની તેમને પ્રબળ ઇચ્છા થઇ. એને કારણે ઓલ્ડ એસસીસી પાસ કરીને જામનગર સ્થિત ઇરવિન કોલેજમાં વર્ષ 1970માં તેમણે પરિચારિકાનો અભ્યાસ કર્યો. ત્યાં જ ખાનગી દવાખાનામાં 3 વર્ષ સુધી નોકરી કર્યા બાદ રાજ્ય સરકારની સેવામાં 1979માં જોડાયા. બાદ દાહોદમાં વિવિધ સરકારી દવાખાનામાં ફરજ બજાવી. સરકારની આ સેવા દરમિયાન તેઓ હજારો દર્દીના સાજા થવાનું કારણ બન્યા. રડતા રડતા દવાખાનામાં આવેલા દર્દીઓને તેમણે ચહેરા ઉપર સ્મિત સાથે ઘરે મોકલ્યા છે.

2009માં નિવૃતિ બાદ પણ સેવા ચાલુ રાખી
ખાસ દાહોદ જેવા આદિવાસી બાહુલ્ય વિસ્તારમાં જે તે સમયે આરોગ્ય વિષયક સેવાઓ અલ્પ હતી, તે સમયે જૈમિનીબેનની લીમખેડા તાલુકામાં સેવા અનન્ય રહી. હજુ પણ અનેક લોકો સાથે તેમનો નાતો જળવાઇ રહ્યો છે. 2009માં સ્વાઇન ફ્લૂનો કહેર જોઇ નિવૃત્ત થયા બાદ પણ તેમણે સેવા ચાલુ રાખી. દાહોદમાં ઝાયડ્સ શરૂ થયા બાદ ત્રણેક વર્ષથી તેઓ ત્યાં મેટ્રન તરીકે કામ કરી રહ્યા છે. ઝાયડ્સમાં કાર્યરત 275 જેટલી પરિચારિકાઓની એટેંડન્સ લેવાનું કાર્ય તેમનું છે. પણ, હાલમાં કોરોના વોર્ડમાં માનવ સંશાધન વધુ કામ કરતું હોવાથી તે નર્સિંગને લગતા બીજા કામો પણ સહજતાથી કરી લે છે.

ઘણી વખત દર્દીઓના પરિજનોના ઉશ્કેરાટના સમયે જૈમિનીબેનનો અનુભવ કામ કરે છે. સમજાવટથી દર્દીઓના પરિજનોને તેઓ શાંત પાડે છે. તેમની પાસે આવા અનેક સારાનરસા અનુભવનું ભાથું છે. તેમની તંદુરસ્તી પણ ગજબની છે. આજે પણ તેઓ ભાગ્યે જ લિફ્ટનો ઉપયોગ કરે છે. ફરજ દરમિયાન સ્ફૂર્તિથી ચાલે છે. એક જ ટાઇમ જમે છે અને નખમાં’ય રોગ નથી. કોરોનામાં આવા અનેક આરોગ્ય સેનાનીઓ છે જે માનવ જિંદગી બચાવવા માટે દિનરાત મહેનત કરી રહ્યા છે. તેમની આવી સેવાને બિરદાવી જ ઘટે !

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: