વિશ્વ યોગ દિવસ: દાહોદના એકાઉન્ટન્ટે યોગ સપ્તાહમાં ભાગ લઇ 108 સૂર્યનમસ્કારની સિદ્ધિ હાંસલ કરી

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • કોરોનામાં લોકોને ઓનલાઇન યોગ શીખવ્યા, ઓફિસનો સ્ટાફ કોરોનાગ્રસ્ત થયો, પરંતુ કિશોરભાઇ યોગના પ્રતાપે જ કોરોના સંક્રમિત ન થયા

21 જૂનના રોજ સમગ્ર વિશ્વમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. દાહોદ જિલ્લામાં પણ સામાન્ય માણસમાં યોગ પ્રત્યે જાગૃકતા વધી છે અને લોકો યોગ કરતા થયા છે. લોકો સુધી યોગ પહોંચે એ માટે અનેક લોકો જિલ્લામાં કાર્યરત છે. એવા જ એક યોગ શિક્ષકે જિલ્લાના સેંકડો લોકો સુધી યોગનો પ્રકાશ પહોંચતો કર્યો છે અને કોરોના કાળમાં પણ તેમણે તેમની સેવા અવિરત ચાલુ રાખી લોકોને ઓનલાઇન યોગ શીખવ્યા હતા. તેમણે જિલ્લામાં નવા 25 જેટલા યોગ કોચ પણ તૈયાર કર્યા છે.

દાહોદના 46 વર્ષના કિશોરભાઇ ડામોર યોગના નિષ્ણાંત કોચ છે. તેમણે અત્યાર સુધીમાં અનેક યોગ શિબિરો કરીને 1500 થી વધુ લોકોને યોગની સીધી તાલીમ આપી છે. કોરોનાકાળમાં લોકડાઉન દરમિયાન આશ્રય મેળવનારા લોકોને પણ તેઓએ યોગની તાલીમ આપી શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય ટકાવી રાખવા માટેના યોગ સૂત્રો શીખવ્યા હતા. વ્યવસાયે અકાઉન્ટન્ટ તરીકે કામ કરતા કિશોરભાઇ યુવાન વયથી જ યોગ પ્રત્યે રૂચી ધરાવતા હતા અને વર્ષ 2016માં તેઓ પતંજલી યોગ સંસ્થાન સાથે જોડાઇને યોગની તાલીમ લીધી હતી.

વર્ષ 2019માં તેમણે ગુજરાત યોગ બોર્ડ દ્વારા આપવામાં આવતી ૨૫ દિવસની યોગ તાલીમ શિબિરમાં ભાગ લઇ યોગકોચ બન્યા હતા અને લોકોને યોગની તાલીમ આપવા લાગ્યા હતા. તેઓ પોતાની સોસાયટીના જ પ્રાંગણમાં જ રોજ સવારે યોગ કલાસ લેવા લાગ્યા. તેમણે છ એ મહિના દાહોદના સિનિયર સિટીજનના 150 જેટલા લોકોના ગ્રુપને યોગ કરાવ્યા હતા. આ ઉપરાંત વિવિધ યોગ શિવિરો પણ તેઓ સંચાલિત કરવા લાગ્યા. કોરોનાકાળમાં લોકડાઉનમાં પણ તેઓએ આશ્રયસ્થાનમાં રોકાયેલા લોકોને યોગ તાલીમ આપી હતી.

આ ઉપરાંત ઓનલાઇન યોગ કલાસ પણ તેમણે સતત પ્રથમ અને બીજી લહેર દરિમયાન ચાલુ રાખી લોકોને યોગ કરવા પ્રેરતા રહ્યા છે. તેમણે જિલ્લામાં નવા 25 જેટલા યોગ કોચ પણ તૈયાર કર્યા છે. હાલમાં જ ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા ‘હવે તો બસ એક જ વાત, યોગમય બને ગુજરાત’ થીમ ઉપર યોગ સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું, તેમાં કિશોરભાઇએ 108 સૂર્યનમસ્કાર કરવા માટેની ચેલેન્જ લીધી હતી અને તેમણે રોજેરોજ અભ્યાસ કરીને એક સાથે 108 સૂર્યનમસ્કાર કરવાની સિદ્ધી પણ હાંસલ કરી છે. કિશોર જણાવે છે કે, કોરોનાની બંન્ને લહેરમાં હું સક્રિય સેવાકીય પ્રવૃતિમાં લાગેલો રહ્યો, મારી ઓફિસના સ્ટાફમાં પણ કોરોના થયો હતો પરંતુ હું કોરોનાથી સંક્રમિત ન થયો એ ફક્ત યોગનો જ પ્રતાપ કહેવાય.

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: