વનવિભાગનો સફાઈ યજ્ઞ: અભયારણ્યમાં દારૂની હજાર બોટલો સાથે 400 કિલો કચરો મળ્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
રતનમહાલ અભયારણ્યમાં‌ પ્રકૃતિ મિત્ર મંડળનો સફાઈ યજ્ઞ યોજાયો. - Divya Bhaskar

રતનમહાલ અભયારણ્યમાં‌ પ્રકૃતિ મિત્ર મંડળનો સફાઈ યજ્ઞ યોજાયો.

  • દાહોદ જિલ્લાના રતનમહાલ રીંછ અભયારણ્યને અભડાવતા પ્રવાસી, વનવિભાગની સાથે 108 પ્રકૃતિપ્રેમીઓએ પણ કચરો એકઠો કર્યો

જિલ્લાના એકમાત્ર રીંછ અભ્યારણ્ય રતનમહાલ ખાતે દાહોદની પ્રકૃતિ મિત્ર મંડળ સંસ્થા દ્વારા રવિવારે છેડાયેલા સફાઈ અભિયાન અંતર્ગત આશરે 400 કિગ્રા. કચરો મળ્યો હતો.દાહોદ જિલ્લાનું એકમાત્ર રીંછ અભ્યારણ્ય, છેલ્લા કેટલાક સમયથી ગંદકીથી ખદબદી રહ્યું હોવાની બૂમો ઉઠી હતી. જિલ્લાવાસીઓ સહિત મહા નગરોના લોકો પણ મોટી સંખ્યામાં વિક-એન્ડની મજા માણવા રતનમહાલ આવતા થયા છે. ત્યારે સમગ્ર જંગલ વિસ્તારમાં રેડીમેડ ખાણીપીણીના ખાલી પાઉચ, પાણીની બોટલો, ચંપલ, ચોકલેટના રેપર, બિયરના ટીન અને દારૂની બોટલોનો મોટી સંખ્યામાં જમાવડો થયો હતો.

પ્રકૃતિ મિત્ર મંડળ ટીમ દ્વારા 7 માર્ચના રોજ વન વિસ્તારમાં સવારથી સાંજ ચાલેલા સફાઈ અભિયાન અંતર્ગત અંદાજે 400 કિલો ઘન કચરો એકત્રિત કરાયો હતો. અભયારણ્યમાં પ્રવાસીઓથી સતત ધમધમતા વિવિધ વિસ્તારોમાં સફાઈ કાજે પ્રકૃતિ મિત્ર મંડળના 70 સદસ્યો, ગાંધીનગર અને વડોદરાના ‘જંગલી’ ટીમના 18 સભ્યો અને બારીયા વન વિભાગના 20 કર્મીઓ મળી કુલ 108 સદસ્યોની સેવા મળી હતી. અભિયાનમાં વડોદરા, બારીયા તથા દાહોદના વનવિભાગનો પણ સહયોગ પ્રાપ્ત થયો હતો.

એકઠો થયેલો કચરો ગાંધીનગરની કચરો ઉઘરાવતી રિસાયકલ વાનને આપી દેવાયો હતો. અંતમાં વડોદરા વાઈલ્ડ લાઈફ સર્કલના ડીસીએફ‌ વાઘેલા, એસીએફ, ફોરેસ્ટર મુકેશ બારીયા, ફોરેસ્ટર રાઠોડ અને સ્ટાફના હસ્તે સહુને‌ સર્ટિફિકેટ આપી પ્રોત્સાહિત કરાયા હતાં. પ્રકૃતિ પ્રેમીઓના કહેવા મુજબ જંગલોને આવા ઘન કચરાના દૂષણથી બચાવાય તો તે માનવજાતની મોટામાં મોટી સેવા લેખાશે.

10-10 કિલોના એક એવા 40 થેલા કચરો ભરાયો
પ્રકૃતિ મિત્ર મંડળ દ્વારા રતનમહાલ સફાઈ અભિયાન અંતર્ગત અંદાજે 10 કિલો વજન આવે તેવા આશરે 40 થેલામાં લગભગ 400 કિલો જેટલો કચરો એકઠો કરવામાં આવ્યો છે. આ કચરામાં મુખ્યત્વે રેડીમેડ ખાણીપીણીના પ્લાસ્ટિકના પાઉચ, ડિસ્પોસેબલ પતરાળા- પડીયા, પાણીની બોટલો અને આશરે 1000 જેટલી બીયર અને દારૂની બોટલોનો સમાવેશ થાય છે. – નીલમ અમીન, પ્રકૃતિ મિત્ર મંડળ

વિવિધ સ્થળે સફાઇ માટે ટીમ લીડર નક્કી કરાયા હતા
ઉદલમહુડા માટે નીલમ અમીન, જલધારા માટે મુસ્તફા કડીવાલા અને ગુંજન દેસાઈ, નળદા માટે સાકીર કડીવાલા તથા અજય દેસાઈ, પીપલગોટા માટે જુઝર બોરીવાલા તથા અશોક પરમાર વગેરેના વડપણ હેઠળ 5 ટુકડી બનાવી વિવિધ વિસ્તારો વહેંચી લીધા હતા. સવારથી સાંજ ‌સુધીમાં આ ટૂકડીઓની સંનિષ્ઠ જહેમતથી અભ્યારણ્ય ઘન કચરા વિહોણા બનતાં હવે રતનમહાલ પુન: કુદરતી વન જેવું બન્યું છે.

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: