રૂા. 7 નો પે વે કોઇન 4 માસમાં રૂા.100નો કરવાનું કહી, 1.30 કરોડની ઠગાઇ

ક્રિપ્ટો કરન્સી કૌભાંડ

 • Dahod - રૂા. 7 નો પે વે કોઇન 4 માસમાં રૂા.100નો કરવાનું કહી, 1.30 કરોડની ઠગાઇ

  ક્રિપ્ટો કરન્સી પે વે કોઇન ખેતીવાડી બજારમાં લે-વેચમાં કાયદેસર માર્કેટમાં આવશે, હાલ એક પે વે કોઇનની કિંમત 7 રૂપિયા છે, 4 મહિનામાં 100 રૂપિયા સુધી લઇ જઇશું તેવો વિશ્વાસ આપી 6 શખ્સોએ રાજ્યભરના 86 રોકાણકારોના રૂા. 1.30 કરોડની ઠગાઇ કરી હોવાની ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઇ છે. પોલીસે રોકણકારોની અરજી લઇ તપાસના ચક્રોગતિમાન કર્યા છે. કંપનીના સૂત્રધાર પ્રવીણ પટેલનું મંતવ્ય જાણવા સંપર્ક કરતાં થઇ શકયો ન હતો.

  વડોદરા ઉપરાંત અમદાવાદ, રાજપીપળા, દાહોદ, સુરત સહિતના શહેર જિલ્લામાંથી ક્રિપ્ટો કરન્સી પે વે કોઇનમાં રોકાણ કરનાર 86 લોકોએ ગોત્રી પોલીસમાં ફરિયાદ આપી છે. રોકાણકારો પૈકી મનીષ પટેલે જણાવ્યું કે, અમદાવાદ સોલા રોડ પર આવેલી પે વે કોઇન કંપનીના માસ્ટર માઇન્ડ પ્રવીણ પટેલ છે.વડોદરાના હરિન ઠક્કર પણ કંપનીમાં કન્સલટન્ટ હોવાથી અમને રોકાણ કરવાની સલાહ આપી હતી.કોઇન કરન્સી ઇન્ટરનેશનલ માર્કેટમાં લિસ્ટેડ થશે. પે વે કોઇનને અેગ્રોકોઇન તરીકે બહાર પાડીશું. ખેતીવાડી બજારમાં કાયદેસર રીતે માર્કેટમાં આવશે, હાલ કંપની પ્રિલોન્ચિંગ કરી રહી છે. ત્રણ ચાર મહિના સુધી રોકડ લીધા બાદ બેંક એકાઉન્ટમાં રૂપિયા લઇશું તેમ કહી રોકાણકારો પાસેથી રોકડા રૂપિયા લીધા હતાં અને તેમના વોલેટમાં ડીજીટ મોકલી આપ્યા હતાં. અમદાવાદ, સુરત ,ગોવા, દિલ્હી અને જયપુરમાં પણ સેમિનાર કર્યા હતાં. એપ્રિલ 2018 માં પે વે કંપનીની વેબસાઇટ અચાનક બંધ કરી દીધી હતી. વડોદરા આસપાસના 86 રોકણકારોના 1.30 કરોડ ની ઠગાઇ કરી છે. 2 મહિના પહેલા ઇન્વેસ્ટર મીટ કરી હતી ત્યારે ખોટા વાયદા આપ્યા હતાં. અમે વકીલ મંથન પંડ્યા મારફતે ગોત્રી પોલીસ સ્ટેશનમાં અમદાવાદના પ્રવીણ પટેલ, કમલ જોષી, વડોદરાના હરીન ઠક્કર, મીહીર પાઠક, સુરતના જ્યંતિ પટેલ અને બાયડના હરેશ લિંભાણી વિરૂદ્ધ ફરિયાદ આપી છે. ગોત્રી પીઆઇ જી.એે. સરવૈયાએ કહ્યું કે,અરજીની તપાસ કરાશે.

  રૂપિયા માગવા ગયા તો ફરિયાદ નોંધાવી દીધી

  રોકાણકાર મનીષ પટેલે એમ પણ કહ્યું કે, અમે રોકાણના રૂપિયા માગવા ગયા ત્યારે ઓફિસમાં તોડફોડ કરવા આવ્યા છીએ તેવી સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ કરી હતી. જોકે, ત્યાં સીસીટીવી હોવાથી અમારી હિલચાલ જોઇ કંપનીના લીગલ એડવાઇઝરે અરજી પરત લઇ લીધી હતી. અમને ધામધમકી પણ આપવામાં આવી હતી. આ લોકોએ બીજી કંપની પણ ચાલુ કરી છે, આ કંપનીમાં પણ કૌભાંડ થાય તેવી ભીતિ પણ વ્યક્ત કરી છે.

  ક્રિપ્ટોકરન્સી શું છે, કેવી રીતે કામ કરે છેે

  ક્રિપ્ટોકરન્સીનો સાદો અર્થ થાય છે, આભાસી અને ઓનલાઇન નાણાં. આ નાણાં ક્રિપ્ટોગ્રાફી પ્રોગ્રામ પર આધારિત છે. આ એવી કરન્સી છે જેનું રૂપિયા કે અમેરિકી ડોલરની જેમ ભૌતિક અસ્તિત્વ નથી. તેનાં ખરીદવેચાણ વેબસાઇટથી થાય છે. પણ બે વ્યક્તિઓ જ તેની લેવડદેવડ કરી શકે છે. તેના પર બેંક કે અન્ય કોઇ સરકારનું નિયંત્રણ નથી. ભારતમાં બિટકોઇન ક્રિપ્ટો કરન્સી પ્રખ્યાત છે. પણ રેડકોઇન, લાઇટકોઇન, સ્વિસકોઇન, યોકોઇન, યુરોકોઇન જેવી એક હજાર ક્રિપ્ટો કરન્સી દુનિયાભરમાં છે. ગાયકો અને સંગીતકારો પોતાના સારા ભાવ મેળવી શકે તે માટે વોઇસકોઇન ક્રિપ્ટોકરન્સીનું પણ માર્કેટ છે. ક્રિપ્ટોકરન્સીના ભાવ ઝડપથી વધે છે અને ઘટે પણ છે. બિટકોઇન 2009માં શરૂ થયો ત્યારે તેનો ભાવ એક ડોલર હતો, જે 2013માં વધીને 1000 ડોલર પર પહોંચ્યો હતો. ક્રિપ્ટોકરન્સીને હેક કરવી મુશ્કેલ છે, કારણ કે તેની બ્લોકચેન સહેલાઇથી તોડી શકાતી નથી. આ ઉપરાંત કોઇ વ્યક્તિને મોકલેલી ક્રિપ્ટોકરન્સી પરત મગાવી શકાતી નથી. ભારતમાં zebpay.com, unocoin.com, ecurrencyindia.com,btcxindia.com જેવી વેબસાઇટો તેની લેવડદેવડ માટે કાર્યરત છે.

More From Madhya Gujarat


Related News

Comments are Closed

%d bloggers like this: