રાજકારણ: દાહોદ નગર પાલિકાના 100 વર્ષના શાસનમાં 38 લોકો પ્રમુખપદે આરૂઢ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ3 કલાક પહેલાલેખક: સચિન દેસાઈ

  • કૉપી લિંક
દાહોદ પાલિકાના નવનિર્વાચિત પ્રમુખ- ઉપપ્રમુખ - Divya Bhaskar

દાહોદ પાલિકાના નવનિર્વાચિત પ્રમુખ- ઉપપ્રમુખ

  • આજ સુધીમાં 6 મહિલા પ્રમુખ બની છે, માણેકજી કોન્ટ્રાક્ટર 11 વર્ષ પ્રમુખ રહ્યા હતા

1876માં સ્થાપિત દાહોદ પાલિકામાં આજથી બરાબર 100 વર્ષ પૂર્વે 1922માં પ્રથમ ચૂંટણી યોજાયા બાદ પ્રમુખપદ કાર્યાન્વિત થયું હતું.દાહોદ પાલિકામાં પ્રથમ નગરપ્રમુખ તરીકે ગોદીરોડના પારસીબાબા માણેકજી ફરદુનજી કોન્ટ્રાક્ટર 1922માં આરૂઢ થયા હતા. જેઓએ 1933 સુધી અર્થાત સતત 11 વર્ષ સુધી પાલિકાનું સુકાન સંભાળ્યુ હતું.જે જોગાનુજોગ આજ સુધીના ઇતિહાસમાં સૌથી લાંબા સમય સુધી પ્રમુખપદુ ભોગવવાનો આજપર્યંતનો એક કીર્તિમાન બની રહ્યો છે. 1922થી 2021 સુધીના 100 વર્ષમાં દાહોદ પાલિકામાં કુલ મળીને 37 લોકો પ્રમુખ બની ચુક્યા છે. હવે 38મા પ્રમુખ તરીકે રીનાબેન પંચાલ આરૂઢ થયા છે.

ઉલ્લેખનીય છે કે દાહોદ પાલિકાના 100 વર્ષના ઇતિહાસમાં સૌથી ઓછા સમય માટે પ્રમુખ બનનાર તરીકે બાલુભાઈ એમ.ગાંધી તા.2-7-1950થી 1-9-’50ના માંડ 2 માસના સમય માટે પ્રમુખ બન્યા હતા. તો તા.27-8-2000થી 3-9-2000ના માત્ર 37 દિવસ માટે આસનદાસ સહેતાઈને કાર્યકારી પ્રમુખ બનાવાયા હતા. અત્યાર સુધીમાં દાહોદ પાલિકામાં 6 વહીવટદારો અને 1 કાર્યકારી પ્રમુખ સિવાય કાયદેસર 38 મા ક્રમના નગરપ્રમુખ તરીકે એક ગૃહિણીની વરણી થઇ છે. ઉલ્લેખનીય છે કે રીનાબેન પંચાલ દાહોદ પાલિકાના છઠ્ઠા મહિલા પ્રમુખ બન્યા છે.

14 ભાજપી પ્રમુખો પૈકી 6 પ્રમુખ તો પડાવ વિસ્તારમાંથી બન્યા
અગાઉના 14 ભાજપી પ્રમુખો પૈકી 6 પ્રમુખ તો સીમાંકન અગાઉના વોર્ડ નં.12 અને નવા સીમાંકન મુજબના વોર્ડ નં.9 એટલે કે મુખ્યત્વે પડાવ વિસ્તારમાંથી જ ચૂંટણી લડી વિજેતા બન્યા છે. આ પૈકી આ વિસ્તારના કાઉન્સિલર નલીનકાંત મોઢિયા બે વખત પ્રમુખ બન્યા હતા તો વિજેતા બન્યા બાદ વિદ્યાબેન મોઢિયા,‌ સુધીરભાઈ લાલપુરવાલા, સંતોષબેન પટેલ અને સંયુક્તાબેન મોદી તો પહેલી જ ટર્મમાં પાલિકા પ્રમુખ બન્યા હતાં.

1995માં પ્રથમ ભાજપા પ્રમુખ વિરલભાઈ દેસાઈ હતા
દાહોદ પાલિકા સૌ પ્રથમ વખત 1995માં બહુમતિ સાથે ભાજપ શાસિત બની. ત્યારે દેસાઈવાડમાંથી વિજેતા બનેલા વિરલભાઈ દેસાઈ પ્રથમ નગરપ્રમુખ હતા. પ્રમુખ તરીકે 1-1 વર્ષનો સમયગાળો રહેતો હતો. જે બાદમાં 2002 થી અઢી- અઢી વર્ષ માટે નિર્ધારિત થયો. 1995થી 2020 સુધીના 25 વર્ષમાં કુલ મળીને 14 નગરપ્રમુખ બન્યા હતાં.

બિનહરીફ રીનાબેન પ્રમુખ અને પ્રથમ વાર અબ્દેઅલી ઉપપ્રમુખ પદે
દાહોદ નગર પાલિકાના નવા પ્રમુખ તરીકે વોર્ડ 4માંથી વિજેતા બનેલા મહિલા કાઉન્સિલર રીનાબેન પંચાલની બિનહરીફ વરણી થવા પામી છે. તો સાથે વોર્ડ 5માંથી વિજયી બનેલા અબ્દેઅલી ચલ્લાવાલાની ઉપપ્રમુખપદે નિયુક્તિ કરવામાં આવી છે. તા.28ના રોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત સંપન્ન થયેલી દાહોદ પાલિકાની ચૂંટણી બાદ તા.2ના રોજ જાહેર થયેલા પરિણામોમાં ભાજપને 31 બેઠકો સાથે સંપૂર્ણ બહુમતી પ્રાપ્ત થવા પામી હતી. બાદમાં પ્રમુખ- ઉપપ્રમુખ તરીકે કોના નામની જાહેરાત કરાશે તે બાબત છેલ્લા પખવાડીયાથી ચર્ચાનો વિષય બનવા પામ્યો હતો.

આ વખતે સામાન્ય મહિલા પ્રમુખ બનનાર હોઈ રીનાબેન પંચાલ સિવાય અન્ય મહિલાઓના નામ પણ વહેતા થવા પામ્યા હતા. જો કે અનેક તર્કવિતર્કો બાદ તા.17ને બુધવારે પાલિકા સભાખંડમાં જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઇ અમલિયાર દ્વારા આવેલ મેન્ડેટમાં રીનાબેનનું નામ પ્રમુખ તરીકે અને અબ્દેઅલી ચલ્લાવાલાનું નામ ઉપપ્રમુખ તરીકે ખુલતા સહુએ નવનિયુક્ત પ્રમુખ -ઉપપ્રમુખની જોડીને તાળીઓના ગડગડાટ અને ‘ભારતમાતા કી જય’ના જયકારા સાથે વધાવી હતી.

પાલિકાના પ્રમુખ- ઉપપ્રમુખપદે નિયુક્ત થયેલા બંનેને કેન્દ્રસ્થાને રાખીને દાહોદના રાજમાર્ગો ઉપર સમર્થકો દ્વારા વિજય રેલી સ્વરૂપે નીકળતા ઠેકઠેકાણે લોકોએ નવનિયુક્તોને હારતોરા પહેરાવી અભિનંદન પાઠવી તેમના શાસનમાં દાહોદમાં લોકવિકાસના ઉમદા કાર્યો સંપન્ન થાય તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.

મેન્ડેટમાં અન્ય 3 પદ માટે 3 નામનો ઉલ્લેખ
ભાજપ દ્વારા આપેેલા મેન્ડેટમાં પ્રમુખ -ઉપપ્રમુખ સાથે પાલિકામાં કારોબારી ચેરમેન તરીકે લખન રાજગોર, પક્ષના નેતા રાજેશ સહેતાઈ અને દંડક શ્રદ્ધા ભડંગનો ઉલ્લેખ હતો. જોકે,ચુંટણી અધિકારીએ માત્ર પ્રમુખ -ઉપપ્રમુખના નામની જાહેરાત કરી હતી જ્યારે અન્ય ત્રણ નામની જાહેરાત ચૂંટણી ઇન્ચાર્જ ગુલશન બચાની દ્વારા કરાઇ હતી.

ગોવિંદનગર વિસ્તારમાંથી પ્રથમ પ્રમુખ બન્યા
1995થી ભાજપ શાસિત દાહોદ પાલિકામાં ગોવિંદનગર વિસ્તાર એટલે કે વોર્ડ 4ના કાઉન્સિલર રીનાબેન પંચાલ, શહેરના મસમોટા ગણાતા ગોવિંદનગર વિસ્તારમાંથી જીતીને માર્ચ- 2021થી સપ્ટેમ્બર-2023 ના અઢી વર્ષ માટે પ્રમુખપદ સુધી પહોંચનાર પ્રથમ વ્યક્તિ બન્યા છે.

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: