રક્ષાબંધનના પવિત્ર પર્વની ઉજવણીમાં કોરોનાની અસર

  • દાહોદમાં ભાઈ- બહેનોએ એકમેક સાથે વીડિયો ચેટ કરી શુભેચ્છા પાઠવી
  • બજારમાં ઉમટેલી ગિર્દીએ સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમનો છેદ ઉડાવ્યો

દિવ્ય ભાસ્કર

Aug 04, 2020, 04:00 AM IST

દાહોદ. દાહોદમાં રક્ષાબંધનનાં પાવન પર્વને કોરોનાની અસર નોંધાઈ હતી.શહેર સહિત જિલ્લામાં કોરોનાના ભયને લીધે અને દાહોદ કલેકટર દ્વારા રવિવારે બજારો બંધ રાખવાના હુકમથી મીઠાઈ વેચતા દુકાનદારોને દુકાનો બંધ રાખવાની ફરજ પડી હતી. જેને લઈને લોકોએ રક્ષાબંધનની સવારથી જ મીઠાઈ લેવા જે તે મીઠાઈ વિક્રેતાઓને ત્યાં લાંબી લાઈનો લગાવી હતી. તેના લીધે વિવિધ દુકાનો ઉપર સોશિયલ ડિસ્ટન્સિંગનો રીતસર છેદ ઉડવા પામ્યો હતો. તો સાથે આડેધડ પાર્કિંગ થતા ટ્રાફિકજામનાં દ્રશ્યો પણ લાંબા સમય બાદ જોવા મળ્યા હતા.

જો કે આ વર્ષે દાહોદથી બહારગામ પરિણીત કે બહારગામથી આવીને દાહોદ ખાતે વસતી બહેનોએ ભાઈને રાખડી બાંધવા રૂબરૂ જવાનું કે કુરિયર કે પોસ્ટ દ્વારા રાખડી મોકલવાનું મુનાસિબ નહીં માનતા વીડિયો કોલથી એકમેકને શુભેચ્છાઓ પાઠવી હતી. આ વર્ષે કોરોનાની અસર હેઠળ બ્રાહ્મણો દ્વારા સહુ યજમાનોને પોતાની જાતે જ પોતાના ઘરે રહીને રક્ષા ધારણ કરવા જણાવાયું હતું.જે અનુસાર બહુધા યજમાનોએ પોતાની જાતે જ રક્ષા ધારણ કરી લીધી હતી. તો દાહોદ બ્રહ્મ સમાજ દ્વારા શ્રાવણી પૂનમે એટલે કે બળેવ પર્વે શ્રદ્ધા સાથે હિન્દુ સાર્વજનિક સ્મશાન ખાતે દર વર્ષે જનોઈ બદલવાની વિધિ પૂર્ણ કરાતી હોય છે તેના બદલે આ વર્ષે ઔદુમ્બર બ્રાહ્મણ સમાજ દ્વારા પોતપોતાના ઘરે જ જનોઇ બદલવાની વિધિ સંપન્ન કરાઇ હતી.આ વિધિમાં બ્રાહ્મણોએ દેવઋષિ, દેવપૂજા, મનુષ્ય તર્પણ, ઋષિ પૂજા વગેરે કર્યા બાદ નૂતન યજ્ઞોપવિત ધારણ કરી હતી.






Related News

Comments are Closed

%d bloggers like this: