રંધીકપૂરમાં મનરેગાના શ્રમિકોના નાણાં પોસ્ટમાંથી બારોબાર ઉપડતાં ફરિયાદ

  • સિંગવડ તાલુકામાં કાગળ પર કેટલ શેડ બનાવી લાખોના કૌભાંડની શંકા

દિવ્ય ભાસ્કર

Jul 30, 2020, 04:00 AM IST

લીમખેડા. રંધીકપુર ગામના પચાસ કરતાં પણ વધુ શ્રમિકોના નરેગા યોજના અંતર્ગત જમા થયેલા નાણાં સરપંચના અંગત મનાતા વિનોદ બારીયા નામના યુવકે પોસ્ટ ખાતામાં બોગસ ખાતું ખોલાવી બારોબાર ઉપાડી લીધા હોવાનો આક્ષેપ સાથેની લેખિત ફરિયાદ ગ્રામજનોએ ઉચ્ચકક્ષાએ કરતા ચકચાર મચી છે.

સીંગવડ તાલુકાના રંધીકપુર ગ્રામ પંચાયતમાં સરપંચ તથા તેમના મળતિયાઓ દ્વારા નરેગા યોજનામાં મોટાપાયે કૌભાંડ આચરી શ્રમિકોના પોસ્ટ ખાતામાંથી બારોબાર નાણાં ઉપાડી કૌભાંડ આચર્યું હોવાની લેખિત ફરિયાદ ગ્રામજનો દ્વારા ઉચ્ચ કક્ષાએ કરવામાં આવી છે. જેમાં ગ્રામ પંચાયતના સત્તાધીશો દ્વારા ગામમાં અનેક લાભાર્થીઓને ત્યાં કેટલ શેડ બનાવી તથા જમીન સમતળ કરવાના બોગસ કામો દર્શાવી લાખો રૂપિયાની સરકારી નાણાની ઉચાપત કરી હોવાની લેખિત ફરિયાદ રંધીકપુર ગામના લક્ષ્મણભાઈ દલાભાઈ બારીયા સહિત 50 થી વધુ શ્રમિકોએ દાહોદ જિલ્લા તથા રાજ્યના ઉચ્ચ અધિકારીઓને કરી છે.

નાણાં પાછા આપવાની બાંહેધરી આપી હતી
મારી પત્ની કાંતાબેન પુત્ર વિઠ્ઠલ, કૈલાસબેન, નીતુબેન તેમજ અન્ય શ્રમિકો મળી 50 કરતાં પણ વધુ શ્રમિકોના પોસ્ટ ખાતામાં બોગસ ખાતા ખોલાવી વિનોદ બારીયાએ મહેનત નાણાં બારોબાર ઉપાડી લીધા છે. સરપંચની હાજરીમાં ગામમાં પંચાણ થયું હતું.જેમાં અમારા મહેનત નાણાં પાછા આપવાની બાંહેધરી આપી હતી.પરંતુ હવે સરપંચ તથા વિનોદ બારીયા તમારાથી થાય તે કરી લો કહી અમારા પૈસા આપતા નથી. ગ્રામ પંચાયતના કૌભાંડની યોગ્ય તપાસ હાથ ધરી કાર્યવાહી થાય તે જરૂરી છે. – લક્ષ્મણભાઇ બારિયા, શ્રમિક રંધીકપુર






Related News

Comments are Closed

%d bloggers like this: