યોજનાનું લોકાર્પણ: સિંગવડ તાલુકાના પાલ્લા-બારેલા ગામમાં 80 લાખની ઉદવહન સિંચાઇ યોજનાનું લોકાર્પણ

લીમખેડા35 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • ગામના 100 ટકા ખેડૂતોને સિંચાઈના પાણીની સુવિધાનો લાભ મળશે, 163 એકર જમીનમાં 4400 મીટર લંબાઈ ધરાવતી ઉદ્વહન સિંચાઇ યોજના કાર્યરત

સિંગવડ તાલુકાના પાલ્લા બારેલા ગામમાં 80 લાખના ખર્ચે નિર્માણાધીન ઉદવહન સિંચાઇ યોજનાનું દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોરના હસ્તે લોકાર્પણ કરાયું હતું. દાહોદ જિલ્લાના અંતરીયાળ વિસ્તાર એવા સીંગવડ તાલુકાના પાલ્લા બારેલા ગામના ખેડૂતોને સિંચાઈના પાણીની કાયમી સુવિધા મળી રહે તે માટે સાંસદ જશવંતસિંહ ભાભોરના અથાગ પ્રયત્નોથી ગુજરાત જળસંપત્તિ વિકાસ નિગમ લિમિટેડ દ્વારા 80 લાખ રૂપિયા ઉદવહન સિંચાઈ યોજના માટે મંજૂર કરવામાં આવ્યા હતા.ગામના 110 જેટલા ખેડૂત પરિવારને 163 એકર જમીનમાં સિંચાઇનો લાભ મળે તે માટે 4400 મીટર લંબાઈ ધરાવતી ઉદ્વહન સિંચાઇ યોજના બનાવવામાં આવી હતી.

આ ઉદ્વહન સિંચાઇ યોજનાનું લોકાર્પણ કરતાં સાંસદ જશવંતસિંહ ભાભોરે જણાવ્યું હતું કે ગામના તમામ સો ટકા ખેડૂતોને સિંચાઈના પાણીની સુવિધા મળશે.આ યોજના પાંચ વર્ષ સુધી સરકાર દ્વારા નિયુક્ત કોન્ટ્રાક્ટરના માધ્યમથી ચલાવવામાં આવશે ત્યારબાદ આ યોજના મંડળીને સુપ્રત કરવામાં આવશે. સિંચાઈ યોજનાથી પંથકના ખેડૂતોને સિંચાઇનો અવિરત લાભ મળશે.જેથી પરિવારનું જીવન ધોરણ સઘ્ધર બનશે.

સરકારના ખેડૂતોની આવક બમણી કરવાનો સંકલ્પ પણ સાકાર થશે. સાંસદે ખેડૂતોને સરકારની અનેકવિધ યોજનાઓનો લાભ મેળવી આર્થિક રીતે સદ્ધર બનવા માટે પણ અનુરોધ પાઠવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન લીમખેડાના ધારાસભ્ય શૈલેષભાઈ ભાભોર તાલુકા પંચાયત પ્રમુખ જિલ્લા પંચાયત સદસ્યો તાલુકાના અગ્રણી નાગરિકો જળસંપત્તિ વિકાસ નિગમ વિભાગના અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.


Related News

Comments are Closed

%d bloggers like this: