મેઘ મહેર: દાહોદ જિલ્લામાં છેલ્લા 24 કલાકમા 108 મીમી વરસાદ પડતાં ખેડૂતોમાં આનંદ છવાયો

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
લાંબા સમયથી જોવાથી મેઘરાજાની રાહની આતુરતાનો અંત આવ્યો - Divya Bhaskar

લાંબા સમયથી જોવાથી મેઘરાજાની રાહની આતુરતાનો અંત આવ્યો

  • સૌથી વધુ દાહોદમાં મહત્તમ 58 મીમી વરસાદ ખાબક્યો

દાહોદ શહેર સહિત જિલ્લામાં ગતરોજ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીના પગલે જિલ્લામાં સર્વત્ર વરસાદી પાણી છવાઈ ગયા હતા. લાંબા સમયથી જોવાથી મેઘરાજાની રાહની આતુરતાનો અંત આવ્યો હતો. છેલ્લા ઘણા દિવસોથી જિલ્લાવાસીઓ અસહ્ય બફારા તેમજ ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. ત્યારે ગતરોજના વરસાદને પગલે જિલ્લાના વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. બીજી તરફ જિલ્લાના ધરતીપુત્રો મેઘરાજાની રાહ જોઈ બેઠા હતા અને ગઇકાલના વરસાદને પગલે ધરતીપુત્રોમાં પણ આનંદની લાગણી છવાઈ ગઈ હતી અને ધરતીપુત્રો પણ સારા વરસાદને પગલે ખેતીકામમાં જોતરાઈ ગયા છે. વિતેલા 24 કલાકની અંદર સૌથી વધુ વરસાદ દાહોદ તાલુકામાં પડ્યો છે. દાહોદ તાલુકામાં 58 મીમી વરસાદ ખાબક્યો છે. જ્યારે જિલ્લામાં કુલ 108 મીમી વરસાદ પડયો હોવાની સત્તાવાર માહિતી મળી રહી છે.

ગતરોજ દાહોદ જિલ્લામાં અચાનક બપોર બાદ વાતાવરણમાં પલ્ટો આવતાં અને બપોર બાદથી જ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીના પગલે દાહોદ શહેરમાં ઠેરઠેર વરસાદી પાણી છવાઈ ગયા હતા. પ્રથમ વરસાદમાં જ દાહોદ શહેરમાં તંત્રની પ્રિમોન્સુનની કામગીરીની પોલ ખુલી જવા પામી હતી. કરોડોના ખર્ચે બનાવવામાં આવેલા જાહેર માર્ગો પર પાણી ફરી વળ્યા હતા.

દાહોદ શહેરના સ્ટેશન રોડ વિસ્તારમાં આવેલ જાહેર માર્ગ પર વરસાદી પાણીનો ભારે ભરાવો થઈ જતાં રાહદારીઓ તેમજ વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો તેવી જ રીતે ચાકલીયા રોડ પર આવેલ અંડરબ્રિજના રસ્તા પર પણ વરસાદી પાણી છલોછલ ભરાઇ જતા અહીં પણ અવરજવર કરતાં રાહદારીઓ તેમજ વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. આ સમસ્યા માત્ર એક ચોમાસાની નથી પરંતુ દર વર્ષે દર ચોમાસાની ઋતુમાં આવા અનેક સ્થળોએ વરસાદી પાણી ભરાઇ જતા લોકો ભારે હેરાન પરેશાન થઈ રહ્યા છે.

રસ્તા પર વરસાદી પાણી ભરાઇ જતા વાહન ચાલકોને હાલાકી

રસ્તા પર વરસાદી પાણી ભરાઇ જતા વાહન ચાલકોને હાલાકી

આ મામલે સ્થાનિક વહીવટી તંત્રને અનેક સંગઠનો તેમજ નગરવાસીઓએ અનેકવાર રજૂઆત કરવા છતાંય આ સમસ્યાનો હાલ સુધી કોઈ ચોક્કસ નિરાકરણ આવ્યું નથી. ગતરોજ મેઘરાજા મન મૂકીને વરસતા દાહોદ શહેરમાં ઠેરઠેર પાણી જોવા મળ્યા હતા અને તેમાંય ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં લોકોના ઘરોમાં પાણી ભરાઇ ગયા હતા. પ્રથમ વરસાદી માહોલમાં દાહોદ એમજીવીસીએલની પણ પ્રિમોન્સુન કામગીરીની પોલ ખૂલી ગઈ હતી.

માત્ર પ્રથમ વરસાદના માહોલમાંજ દાહોદ શહેરમાં અનેક સ્થળોએ કલાકો સુધી વીજ પુરવઠો ખોરવાતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ઘણા સ્થળોએ વરસાદી માહોલ વચ્ચે વૃક્ષો પણ ધરાશાયી થઈ જવાના બનાવો બન્યા હતા ત્યારે ઘણી જગ્યાએ વીજળી પણ પડી હોવાનું કહેવાઈ રહ્યું છે.

છેલ્લા ઘણા દિવસોથી મેઘરાજાની રાહ જોઇને બેઠેલા દાહોદ જિલ્લાના ધરતીપુત્રોમાં પણ ગઇકાલના વરસાદને પગલે આનંદ છવાઈ ગયો હતો અને ધરતી પુત્રો પણ ખેતી કામમાં જોતરાઈ ગયા છે. દાહોદ જિલ્લામાં વરસાદની વાત કરીએ તો 24 કલાકની અંદર જિલ્લામાં કુલ 108મીમી વરસાદ પડયો છે જેમાં ગરબાડા તાલુકામાં વિતેલા 24 કલાકની અંદર 09 મીમી, ઝાલોદમાં 04 મીમી, દેવગઢ બારિયામાં 12 મીમી, દાહોદમાં સૌથી વધુ 58 મીમી, ધાનપુરમાં 16 મીમી, ફતેપુરામાં 02 મીમી, લીમખેડામાં 05 મીમી, સંજેલીમાં 08 મીમી અને સીંગવડમાં 06 મીમી વરસાદ નોંધાયો છે.

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: