મુશ્કેલી: દાહોદમાં રોકડીયા પાક સોયાબીનનો ભાવ ગત વર્ષ કરતા બમણો થતાં ખેડૂતો સાથે વેપારીઓ પણ વિમાસણમાં મુકાયા

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • ખેડૂતો મોંઘાદાટ સોયાબીનને ‌બદલે મકાઈ, મગફળી, ડાંગર જેવા પાક તરફ વળ્યાં : ગયા વર્ષે સરેરાશ ભાવ 3806 હતો, જે આ વર્ષે 9000 જેટલો નોંધાયો
  • પ્રોટીન અને તેલનો સ્ત્રોત ગણાતા સૂપરફૂડ સોયાબીનનો ઉપયોગ અનેક ખાદ્ય ઉત્પાદનોમાં થાય છે

ચોમાસા પૂર્વે બિયારણ કાજે સોયાબીનનો ભાવ આસમાને જતા દાહોદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે બિયારણ લેવા આવતો ખેડૂત વર્ગ મૂંઝવણમાં મુકાયો છે. દાહોદ જિલ્લાના કુલ 3,82,04, 204 હેકટર ક્ષેત્રફળ પૈકી 2,24, 000 હેક્ટર જમીન ખેતીલાયક છે. જિલ્લામાં સિંચાઈની સુવિધા નહિંવત્ હોઈ શિયાળામાં થતા રવિ અને ચોમાસું વરસાદથી થતા ખરીફ એમ બે પાક મુખ્યત્વે લેવામાં આવે છે. દાહોદ પંથકમાં ચોમાસામાં મકાઈની સાથે સાથે દાહોદના ખેડૂતો રોકડિયો પાક ગણાતાં સોયાબીનની પણ મોટાપાયે ખેતી કરે છે.

ત્યારે આ વર્ષે મોટા વરસાદથી હજુ વંચિત રહેલા દાહોદમાં સોયાબીનના ભાવમાં ભડકો થતા ખેડૂતો વિમાસણમાં મુકાયા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ વધવા સાથે ગયા વર્ષે વધારે વરસાદના લીધે સોયાબીનનો ડાઘી માલ ઉત્પન્ન થતા તેની શોર્ટેજ ઉભી થતા સોયાબીનના બદલે દાહોદના ખેડૂતો અન્ય પાકના વાવેતર તરફ વળી રહ્યાં છે. ગત વર્ષે 2020ની તા.1 એપ્રિલથી તા.24 જૂન દરમ્યાન દાહોદ અનાજ માર્કેટ ખાતે 16,184 કવિન્ટલ સોયાબીનની આવક સાથે તેનો સરેરાશ ભાવ રૂ.3806 નોંધાયો હતો.

જે આ વર્ષે તા.1 એપ્રિલથી 24 જૂન દરમ્યાન સોયાબીનનો સરેરાશ ભાવ રૂ.7085 નોંધાયો હતો. આ વર્ષે 1 એપ્રિલથી 24 જૂન દરમ્યાન કુલ 9686 કવિન્ટલ સોયાબીનની આવક નોંધાઈ છે. તો તા.1 જૂન-2021ના રોજ પ્રતિ ક્વિન્ટલના રૂ.7500ના ભાવની સામે ત્રણ જ સપ્તાહમાં તા.23 જૂન 2021ના રોજ રૂપિયા 9316નો ભાવ થવા પામ્યો હતો.

દાહોદના અનાજ માર્કેટમાં વેપારીઓ અને ખેડૂતો બંને સોયાબીનના ભાવમાં ભડકો થતા અસમંજસની પરિસ્થિતિમાં મુકાયા છે. જોકે અનેક ખેડૂતો મોંઘુંદાટ સોયાબીન લેવાને બદલે મકાઈ, મગફળી, ડાંગર જેવા પાકની ખેતી તરફ વળી જશે તેવો વર્તારો જોવાય છે. ખેડૂત વર્ગમાં હાલમાં બિયારણ પુરતી સરકારી સબસીડી જાહેર થાય તેવી પણ માંગ ઉઠી છે.

ગયા વર્ષ કરતા લગભગ બમણો ભાવ છે
સોયાબીન ટૂંકા ગાળાનો અને ઓછા વરસાદે પાકતો પાક છે એ સાચું પણ, ગયા વર્ષ કરતા આ વખતે ભાવ લગભગ બમણો થયો છે. ગયા વર્ષે પાકેલું સોયાબીન અમે વેચવા આવ્યા તો રૂ.3500 થી 4000નો ભાવ હતો, ને આ વર્ષે ઓરવા માટે હવે લેવા આવ્યા તો રૂ.7000 થી 9000નો ભાવ છે. વળી, આ વખતે સરકારી સબસીડી પણ જાહેર નથી થઈ એટલે ખૂબ ચિંતા થાય છે કે શું કરવું? -દલસીંગભાઈ પરમાર, ખેડૂત

વધુ ભાવના લીધે ધાર્યા કરતા ઓછો વેપાર છે
ગુજરાતમાં અગ્રીમ સ્થાને આવતા દાહોદના માર્કેટમાં આ વર્ષે સોયાબીનના ભાવમાં ભડકો એ ખેડૂતો સાથે વેપારીઓ માટે પણ સરદર્દ છે. ભાવમાં મોટું અસંતુલન એ, અનાજ જ કેમ કોઈપણ વેપાર માટે ઘાતક છે‌. આ વખતે ધાર્યા કરતા જાવક ખૂબ ઓછી જ છે. -રમેશચંદ્ર ખંડેલવાલ, વેપારી

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: