ભેજાબાજ ઝડપાયો: દાહોદ જિલ્લામાં એટીએમના ડેટા ચોરીને નાણા ઉપાડી લેતી ટોળકીના મુખ્ય સૂત્રધારને LCB પોલીસે દબોચી લીધો

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક
  • એટીએમમાં જઈ મદદ કરવાના બહાને કાર્ડ સ્ક્રેચ કરી લઈને પીન નંબર જોઇ લેતો હતો એક કાર્ડના ડેટા બીજા કાર્ડમા કોપી કરી લઈને નાણા ઉપાડી જતો

હરિયાણાની એટીએમ ફ્રોડ કરતી ગેંગના મુખ્ય સુત્રધારને રાજસ્થાનના સજ્જનગઢથી દાહોદ એલ.સી.બી.પોલીસે ઝડપી પાડ્યો છે. તેની પાસેથી એટીએમ, લેપટોપ, સ્કેનર મશીન, રીડર મશીન તેમજ રોકડા રૂપીયા મળી કુલ રૂા. ત્રણ લાખ 18 હજાર 800નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. થોડા દિવસો પહેલા જ દાહોદના એક 18 વર્ષીય યુવકના એટીએમમાંથી આ ભેજાબાજે રૂા.85 હજાર કાઢી લીધાનો ગુનો પણ દાહોદ શહેર પોલીસ મથકે નોંધાવવામાં આવ્યો હતો.

ગત તા.27 મેથી તારીખ 31 મેના સમયગાળા દરમ્યાન દાહોદ શહેરના માણેક ચોક તથા રેલવે સ્ટેશનના એટીએમમાંથી દાહોદ શહેરમાં રહેતા એક 18 વર્ષીય યુવકના એટીએમ કાર્ડ મારફતે કોઈ અજાણ્યા ઈસમે રૂા.85 હજાર કાઢી લઈ ઠગાઈ કરી હતી. આ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ દાહોદ એલ.સી.બી.પોલીસ એક્શન મોડમાં આવી હતી અને ગુનેગારને શોધી કાઢવા એટીએમના સીસીટીવી ફુટેજની ઝીણવટ ભરી તપાસ હાથ ધરી હતી. તે ઉપરાંત દાહોદ કમાન્ડ કંન્ટ્રોલ નેત્રમના સીસીટીવી ફુટેજની પણ તપાસ હાથ ધરી હતી અને દાહોદમા પ્રવેશતાં માર્ગોના સીસીટીવી ફુટેજ બારીકાઈથી અભ્યાસ કરી હતી. તેમાં શંકાસ્પદ અપાચી મોટરસાઈકલ તેમજ સ્કોડા ગાડીના નંબરની માહિતી પ્રસ્થાપીત થઈ હતી અને ટેકનીકલ સોર્સના માધ્યમથી આરોપીનું પગેરૂ મેળવતાં રાજસ્થાનના બાંસવાડા જિલ્લાના સજ્જનગઢ ખાતે રહેતા ઈસમની સંડોવણી બહાર આવી હતી.

દાહોદ એલ.સી.બી.પોલીસની ટીમ ગતરોજ સજ્જનગઢ ખાતે આ આરોપીના આશ્રય સ્થાને વોચ ગોઠવી ઉભી હતી અને આવતો જોઈ તેને દબોચી લઈ દાહોદ મુકામે લઈ આવી હતી. આરોપીએ પોતાનું નામ અમીત રાજકુમાર મહાલા (સાંસી, મુળ રહે.હરીયાણા, હાલ રહે. સજ્જનગઢ, બસ સ્ટેશનની બાજુમાં) હોવાનું જણાવ્યું હતું. પોલીસ તપાસ દરમ્યાન 94 એટીએમ કાર્ડ, 01 લેપટોપ, 03 બેંકની પાસબુક, 01 કાર્ડ રીડર, 06 બેંકની ચેકબુક, 01 સ્કેનર મશીન, 02 સીડી કેસેટ, 01 આધાર કાર્ડ, 02 મોબાઈલ ફોન, 01 અપાચી મોટરસાઈકલ, રોકડા રૂપીયા 38 હજાર 300 અને 01 સ્કોડા ગાડી મળી પોલીસે કુલ રૂા.ત્રણ લાખ 18 હજાર 800નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

ઉપરોક્ત પકડાયેલો આરોપી રાજસ્થાનના બાંસવાડા જિલ્લાના ગાંગતળાઈ તાલુકાના લંકાઈ ગામે બેંક ઓફ બરોડામાં પટાવાળા તરીકે છેલ્લા ચાર વર્ષથી નોકરી કરતો હતો. પોતે અને પોતાની ગેંગના સાગરીતો ભેગા મળી દાહોદ તેમજ આજુબાજુના વિસ્તારોમાં બેંકના એટીએમમાં જઈ એટીએમમાં પૈસા ઉપાડવા આવતાં ઈસમોને મદદ કરવાના બહાને એટીએમ કાર્ડ પોતની પાસેના મશીનમાં એટીએમ કાર્ડના ડેટા લઈ લેતા હતા. પીન નંબર જોઈ તેઓ પોતાના ઘરે જઈ લેપટોપ દ્વારા તે એટીએમના કાર્ડના ડેટા તેઓ પાસેના બ્લેન્ક કાર્ડમાં ટ્રાન્સફર કરી એટીએમ તૈયાર કરતાં હતા અને અલગ અલગ જગ્યાએ જઈ એટીએમમાંથી પૈસા ઉપાડી લેતાં હતાં.

આરોપીની પોલીસે પુછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે, દાહોદ જિલ્લાના લીમડી, ઝાલોદ, દાહોદ શહેર તેમજ પંચમહાલ જિલ્લાના મોરવા હડફ, શહેરા તથા ગોધરા શહેર તેમજ અરવલલ્લી જિલ્લાના મોડાસા, માલપુર તેમજ મહીસાગર જિલ્લાના લુણાવાડા વિગેરે જગ્યાએએ આ એમ.ઓ. વાપરી પૈસા ઉપાડ્યાં હોવાનું કબુલાત કરી હતી. આમ, દાહોદ એલ.સી.બી. પોલીસે હરીયાણા રાજ્યની એટીએમ ફ્રોડ કરતી ગેંગના મુખ્ય સુત્રધારને ઝડપી પાડવામાં સફળતાં મેળવી છે, પરંતુ મુખ્ય ભેજાબાજ હજી પકડની બહાર છે.

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: