ભાસ્કર વિશેષ: દાહોદ જિલ્લામાં ‘આઝાદીનો અમૃત મહોત્સવ’નો પ્રારંભ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • સાંસદ જશવંતસિંહ ભાભોર અને રાજ્યમંત્રી બચુભાઈ ખાબડની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો

આઝાદીના પૂરા થનારા 75 વર્ષ નિમિત્તે શરૂ થનારી ઉજવણીનો ‘આઝાદીનો અમૃત મહોત્સવ’ નો દાહોદ અને ઝાલોદ ખાતે ઉત્સાહભેર પ્રારંભ થયો છે. દાહોદના સ્વામી વિવેકાનંદ સંકુલના પં. દીનદયાલ હોલમાં સાંસદ જશવંતસિંહ ભાભોર અને ઝાલોદના ટીટોડી આશ્રમ શાળા ખાતે રાજ્યમંત્રી બચુભાઈ ખાબડની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો.દાહોદના કાર્યક્રમમાં સાંસદ ભાભોરે આઝાદીની લડતના અનેક સોનેરી પ્રકરણો અને આઝાદી માટે લડનારા સ્વાતંત્રવીરોને યાદ કરી જણાવ્યું હતું કે, મહાત્મા ગાંધીજી દાહોદમાં બે વખત આવ્યા હતા. વર્ષ 1919માં તેઓએ બે દિવસ દાહોદમાં રોકાણ કર્યું હતું અને સભાઓને સંબોધન કર્યું હતું.

તેના 6 વર્ષ બાદ 1925માં પણ ગાંધીજી અહીં આવ્યા હતા. પૂ. ઠક્કરબાપા, સરદાર પટેલ, સુભાષચંદ્વ બોઝ, ગોવિંદગુરૂ તેમજ અનેક ક્રાંતિવીરોની દાહોદની ધરતી સાથે યાદો જોડાયેલી છે. તેમણે ઉમેર્યું કે વડાપ્રધાનની આગેવાનીમાં ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ને ચરિતાર્થ કરવા આપણે સૌએ સહિયારા પ્રયાસ કરવાના છે. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક સી.બી. બલાતે સ્વાગત પ્રવચન તેમજ દાહોદના તાલુકા વિકાસ અધિકારીએ આભાર વિધી કરી હતી.

સુધીરભાઇ લાલપુરવાલા સહિતના અગ્રણીઓ, ડીડીઓ રચિત રાજ, જિલ્લા આરોગ્ય અધિકારી ડો. રમેશ પહાડિયા, દાહોદ પ્રાંત અધિકારી એમ.એમ. ગણાસ્વા સહિતના અધિકારીઓ, પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.ઝાલોદના ટીટોડી આશ્રમ ખાતે રાજ્યમંત્રી બચુભાઈ ખાબડે જણાવ્યું હતું કે કોલોનિયલ શાસન દરમિયાન પંચમહાલના આ આદિવાસી વિસ્તારમાં અસહકારની ચળવળનું કેન્દ્ર બિંદુ બની રહેલા ટીટોડી આશ્રમ સમાજસેવક અને ગાંધીજન ઠક્કર બાપા અને સુખદેવભાઇ ત્રિવેદીની રાહબરી હેઠળ સ્થપાયો હતો અને અહીં અભ્યાસની સાથે આઝાદીની ચળવળની પ્રવૃત્તિ પણ થતી હતી.

દાહોદ- ઝાલોદના નાગરિકોએ પણ ગાંધીજીની અસહકારની ચળવળને સારી રીતે ઝીલી લીધી હતી. સ્વરાજ લીધા વિના જંપીશ નહીં એવા દૃઢ સંકલ્પ સાથે ગાંધીજીએ ૧૨ માર્ચ, ૧૯૩૦ના રોજ સાબરમતી આશ્રમથી દાંડીકૂચનો પ્રારંભ કર્યો હતો.આ યાત્રાએ ભારતમાં તે વખતે આઝાદીની ભાવનાને પ્રબળ બનાવી હતી. કાર્યક્રમના પ્રારંભે કલેક્ટર વિજય ખરાડીએ સૌનું શાબ્દિક સ્વાગત કરી પ્રસંગની રૂપરેખા આપી હતી. સ્વાતંત્ર્ય સેનાની નરસિંહભાઇ હઠીલાએ અસહકારની ચળવળ વેળાના પોતાના અનુભવો વર્ણવ્યા હતા. બાદમાં અમદાવાદ ખાતેથી વડાપ્રધાન અને મુખ્યમંત્રીના કાર્યક્રમના જીવંત પ્રસારણને ઉપસ્થિતોએ રસપૂર્વક નિહાળ્યું હતું.

આ કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય મહેશભાઇ ભૂરિયા, ભગવાનભાઇ, સુનિલભાઇ હઠીલા, પ્રાંત અધિકારી એસ. ડી. ચૌધરી, તાલુકા વિકાસ અધિકારી ડી. એન. પટેલ ઉપસ્થિત રહ્યા હતા. ‘આઝાદીનો અમૃત મહોત્સવ’ના શુભારંભે દાહોદ અને ઝાલોદ નગરમાં વહેલી સવારે વિદ્યાર્થીઓ દ્વારા સાયકલ રેલી અને યુવાઓ દ્વારા બાઇક રેલી ‘પાણી બચાવો, અનાજ બચાવો અને વધુ વૃક્ષો વાવો’નો સંદેશા સાથે કાઢવામાં આવી હતી. બાદમાં અમદાવાદ ખાતે યોજાયેલા મુખ્ય કાર્યક્રમનું જીવંત પ્રસારણ સૌએ નિહાળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: