ફરિયાદ: ફતેપુરામાં તળાવની પાળ તોડનારા 2 જમીન માલિકો સામે ગુનો દાખલ

દાહોદએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • આક્ષેપ કરાયો હતો તે સરપંચ સાથે જઇને તલાટીની ફરિયાદ

ફતેપુરા નગરમાં પંચાયતની પડતર સર્વે નંબર 355 વાળી જગ્યામાં તળાવની પાછળના ભાગે પાળ તોડી નાખીને જમીન અંકે કરવાની ભૂમાફિયાઓ મધ્ય રાત્રે દ્વારા કરાતા પ્રયાસને ગ્રામજનોએ નિષ્ફળ બનાવ્યો હતો. આટલેથી જ નહીં અટકતાં ગ્રામજનોએ મામલતદારથી માંડીને કલેક્ટર કચેરી સુધી ધા કરી હતી. પરિણામ સ્વરૂપે ફતેપુરાના તલાટીએ તળાવની પાળ પાસે જમીન ધરાવતાં બે વ્યક્તિઓ સામે જાહેર મિલ્કતને નુકસાન, ગેરકાયદે પ્રવેશ અને સાર્વજનિક મિલ્કતોને નુકસાન અટકાવવાના અધિનિયમ મુજબ ફરિયાદ નોંધાવી છે.

ફતેપુરાના તલાટી વિક્રમસિંહ અમરસિંહ ડામોરે પોલીસને આપેલી ફરિયાદમાં જણાવ્યુ હતું કે, ‘7 જુલાઇના રોજ હું વાસિયાકૂઇ હતો. તે દરમિયાન ફતેપુરા સરપંચ કચરૂભાઇએ મને વાત કરી હતી કે, ગ્રામ પંચાયત સર્વે નંબર 355 વાળી જમીનમાં તળાવની પાળના ભાગે કાન્તીલાલ અંબાલાલ પંચાલની સર્વે નંબર 361 વાળી અને તેની બાજુમાં મહંમદ ઇસાક અબ્દુલગની ઘાંચીની સર્વે નંબર 357 વાળી માલિકીની જમીન આવેલી છે. બંને જણાએ ભેગા મળીને ગઇ કાલ રાતના 1.30 વાગ્યે કોઇ સાધન વડે પંચાયત સરકારી મિલ્કત સર્વે નંબર 355 વાળી જમીનમાં તળાવની પાળમાં ખોદકામ કરીને નુકસાન કર્યુ છે. સરપંચ સાથે જઇને જોતા સરકારી જમીનમાં પ્રવેશ કરીને ખોદકામ કરી સરકારી મિલ્કતને નુકસાન પહોંચાડેલુ હોવાથી તાલુકા વિકાસ અધિકારીને જાણ કરીને સરપંચ કચરૂભાઇ સાથે ફરિયાદ કરવા આવ્યો છું.’’

આ ઘટના અંગે ફતેપુરા પોલીસે કાન્તીલાલ પંચાલ અને મહંમદઇસાક ઘાંચી સામે ઇપીકો 447,427,114 અને સાર્વજનિક મિલ્કતોને નુકસાન અટકાવવાના અધિનિયમ 3,7 મુજબ ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનિય છે કે, ફતેપુરાના સરપંચની રાહબરીમાં જ સરકારી જમીન ઉપર કબજાના બનાવ અંગેનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો ત્યારે તલાટી સરપંચને લઇને જ પોલીસ મથકે ફતેપુરા પહોંચતાં ચર્ચાનો વિષય બન્યો હતો.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: