પ્રેમિકા પક્ષ સાથે સમાધાન નહીં થતાં યુવાને મોતને ગળે લગાવ્યું

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક

યુવાનના આપઘાતના સમાચાર જાણ્યા બાદ ભેગા થયેલા પરિવારના લોકો

  • છોકરી 17ની થાય પછી જામીન મળશે તેવું હાઇકોર્ટે કહેતાં સપ્તાહ પહેલાં જામીન અરજી વિડ્રો કરાઇ હતી
  • જેલમુક્તિની આશા ધુંધળી બનતાં અવિચારી પગલું
  • સપ્ટેમ્બર માં છોકરી 17ની થાય છે
  • 80 દિવસથી જેલમાં બંધ હતો
  • 28 જુલાઇના રોજ સેસન્સ કોર્ટે જામીન અરજી નામંજૂર કરી હતી

દાહોદ શહેરની સબજેલમાં 80 દિવસથી બંધ યુવાને પ્રેમિકા પક્ષ સાથે સમાધાન નહીં થયાનું જાણ્યા બાદ જેલમુક્તિની આશા ધુંધળી બનતાં જેલના શૌચાલયમાં ગળાફાંસો ખાઇને જીવનલીલા સંકેલી લીધી હતી. જામીન અરજી કરતાં છોકરી 17ની થાય ત્યાર બાદ આવવા જણાવતાં હાઇકોર્ટમાંથી સપ્તાહ પહેલાં જ જામીન અરજી વિડ્રો કરવામાં આવી હતી. કિશોરી સપ્ટેમ્બર માસમાં 17 વર્ષની થવાની હોવાનું જાણવા મળ્યુ છે.

છેલ્લા 80 દિવસથી દાહોદ શહેરમાં આવેલી સબજેલમાં બંધ હતો
દાહોદ તાલુકાના ખરોડ ગામના કાંકરીડુંગરી ફળિયાનો રહેવાસી 22 વર્ષિય રમકુભાઇ સામાભાઇ અમલિયાર કિશોરીના અપહરણ અને દુષ્કર્મના કેસમાં છેલ્લા 80 દિવસથી દાહોદ શહેરમાં આવેલી સબજેલમાં બંધ હતો. બુધવારના રોજ ભાઇ રાજુ જેલમાં બંધ રમકુને મળવા માટે સબજેલમાં ગયો હતો. ત્યાં રમકુભાઇએ સામાવાળાઓ સાથે સમાધાન થયું છે કે નહીં તે અંગેની પુછપરછ કરી હતી. ત્યારે ભાઇ રાજુએ સમાધાનના પ્રયાસો ચાલી રહ્યા છે તેમ જણાવ્યુ હતું. સમાધાન થાય તો તે જેલ મુક્ત થાય તેવી આશામાં બેઠેલા રમકુભાઇ નાસીપાસ થઇ ગયો હતો. જેલ મુક્તિની આશા ધુંધળી બનતાં તેણે પરોઢના પાંચ વાગ્યા પહેલાં બંધ હતો તે બેરેક નંબર પાંચના શૌચાલયમાં જઇને શાલ વડે ફાંસો ખાઇને આયખાનો અંત આણી લીધો હતો. રમકુ પોલીસના હાથે પકડાયા બાદ 28 જુલાઇના રોજ સેસન્સ કોર્ટમાં 407/20 નંબરથી મુકેલી જામીન અરજી ના મંજૂર થયા બાદ થોડા સમય પહેલાં હાઇકોર્ટમાં અરજી કરાઇ હતી. ગત સપ્તાહે હીયરિંગ થતાં કોર્ટે છોકરી 17 વર્ષની થાય ત્યાર બાદ આવવાનું જણાવતાં જામીન અરજી વિડ્રો કરી લેવાઇ હતી. દુષ્કર્મનો ભોગ બનેલી કિશોરી સપ્ટેમ્બર માસમાં 17 વર્ષની થવાની છે ત્યારે જો રમકુ એક માસ હજી રાહ જોઇ લેતો તો ચોક્કસપણે જામીન મુક્ત થઇ જતો અને તેનો જીવ બચી જતો.

આપઘાત બાદ યુવાનનો મૃતદેહ બહાર લવાતાં કલ્પાંત કરતી પરિવારની મહિલાઓ

આપઘાત બાદ યુવાનનો મૃતદેહ બહાર લવાતાં કલ્પાંત કરતી પરિવારની મહિલાઓ

બેરેક નંબર 5માં સવા વર્ષમાં બીજા કેદીનો ગળાફાંસો
દાહોદમાં માતા-પુત્રીની હત્યાના ગુનામાં દાહોદની સબજેલમાં સજા ભોગવી રહેલા દીલીપ ભાભોર નામક યુવકે બેરેક નંબર પાંચના શૌચાલયમાં ચાદર બાંધીને જ 11 જુન 2019ની પરોઢે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. માતા-પુત્રીની હત્યા તેણે પોતે જ કરી છે. જેમાં તેની પત્ની અને મિત્ર રોહિતનો કોઈ વાંક નથી, હું મારી મરજીથી આત્મહત્યા કરું છુ. તેવી સ્યૂસાઈડ નોટ પણ દીલીપ પાસેથી મળી હતી. સવા વર્ષમાં એ જે બેરેક અને એ જ શૌચાલયમાં આ ગળાફાંસાનો આ બીજો બનાવ બન્યો હતો.

164 મુજબના નિવેદનમાં કિશોરીએ માતા-પિતા સાથે જવાની ઇચ્છા વ્યક્ત કરી હતી
અપહરણનો ગુનો દાખલ થયા બાદ બંને મળી આવતાં પોલીસે કિશોરીના મેડિકલ ચેકઅપ કરાવવા સાથે પોક્સો કોર્ટના સ્પેશ્યલ સેસન્સ જજ સમક્ષ રિપોર્ટ કર્યો હતો.ત્યાર બાદ કિશોરીનું કોર્ટમાં સીઆરપીસી 164 મુજબ નિવેદન લેવડાવવામાં આવ્યુ હતું. કિશોરીએ માતા-પિતા સાથે જવાની સમંતિ દર્શાવતા તેનો કબજો સોંપી દેવાયો હતો.

5 નંબરની બેરેકમાં 13 કેદી હતાં
રમકુભાઇએ ગળાફાંસો ખાધો તે બેરેક નંબર પાંચમાં કુલ 13 કાચાકામના કેદીઓ હતાં. આ કેદીઓમાં રમકુભાઇ સહિત દુષ્કર્મના વિવિધ ગુનાના 5, હત્યામાં શામેલ 6 અને પ્રોહિબિશનના બે કેદી રખાયેલા હતાં. આ 13 કેદીઓ પૈકીના રમકુભાઇએ આપઘાત કરી લીધો હતો.

કાચા કામના 70 કેદી બંધ છે
દાહોદ શહેરની સબજેલમાં પાંચ બેરેક આવેલી છે. આ પાંચ બેરેકમાં દાહોદ ડિવિઝનમાં આવેલા પોલીસ મથકોની હદમાં વિવિધ ગુનામાં સંડોવાયેલા 70 કેદીઓ હાલમાં બંધ છે. તેમાં પ્રોહિબિશનથી માંડીને હત્યા અને લુટઘાડના આરોપીઓનો સમાવેશ થાય છે.

0






Related News

Comments are Closed

%d bloggers like this: