નિમણુંક: દાહોદ જિલ્લાની 8 તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપ્રમુખ બિનહરીફ ચૂંટાશે
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ3 કલાક પહેલા
- કૉપી લિંક
- સંજેલીને બાદ કરતાં એક પણ તાલુકા પંચાયતમાં કોઇએ દાવેદારી નોંધાવી ન હતી
દાહોદ જિલ્લાની નવ તાલુકા પંચાયતની 238 બેઠકોમાંથી ભાજપે 198 બેઠકો મેળવીને ભવ્ય વિજય મેળવ્યો હતો. તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચુંટણી 17મી તારીખે યોજાવાની છે ત્યારે 16મી તારીખ મંગળવારે ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવામાં આવ્યા હતાં. સંજેલીને બાદ કરતાં એક પણ તાલુકા પંચાયતમાં ભાજપના પ્રમુખ-ઉપપ્રમુખના ઉમેદવારો સામે કોઇએ દાવેદારી નોંધાવી ન હતી. જેથી આઠ તાલુકા પંચાયતમાં ભાજપના પ્રમુખ અને ઉપપ્રમુખ બિનહરીફ ચુંટાશે, જ્યારે માત્ર સંજેલીમાં ચુંટણી થશે પરંતુ કોંગ્રેસ પાસે સંખ્યાબળ ન હોવાથી તે માત્ર ફોર્માલિટી જ સાબિત થશે તેમ જોવાઇ રહ્યું છે.
લીમખેડા તા. પં.માં શર્માબેન પ્રમુખ, બળવંતસિંહ ઉપપ્રમુખ બનશે
લીમખેડા તાલુકા પંચાયતમાં પ્રમુખ પદ માટે પોલિસીમળ બેઠકના શર્માબેન જયપાલભાઈ મુનિયા તથા ઉપપ્રમુખ પદ માટે મોટીવાવ બેઠકના બળવંતસિહ સબુરભાઈ પટેલની ભાજપ પક્ષમાંથી એકમાત્ર ઉમેદવારી નોંધાતા બંને સદસ્યો બિનહરીફ ચૂંટાઇ આવશે.તાલુકા પંચાયતની કુલ 24 બેઠકોમાંથી 23 બેઠકમાં ભાજપ વિજેતા બન્યું હતું. જ્યારે એક અપક્ષ ચૂંટાયેલાં સભ્યએ પણ ભાજપને સમર્થન જાહેર કર્યું છે.
તાલુકા પંચાયતની 13 બેઠકોમાં મહિલાઓ વિજેતા બની હોવાથી ભાજપ દ્વારા પ્રમુખપદ પણ મહિલાને સુપ્રત કરવામાં આવ્યું છે. આ ઉપરાંત તાલુકા પંચાયત લીમખેડામાં કારોબારી સમિતિના ચેરમેન પદે રૂપસિંહભાઇ પારૂભાઈ માવી પક્ષના નેતા પદે કવિતાબેન બાબુભાઇ રાવત તથા દંડક તરીકે દિનેશભાઈ વરસીંગભાઇ ડામોરની નિયુકિત જાહેર કરવામાં આવશે.
સીંગવડ તા.પં.માં પ્રમુખ અને ઉપપ્રમુખ પદે મહિલાઓ બિનહરીફ થશે
સીંગવડમાં તા.પં.ની ચૂંટણીમાં ભાજપે 18 બેઠકોમાંથી 16 બેઠકો કબજે કરી હતી, જ્યારે કોંગ્રેસે અગારા અને સિંગાપુર મળી માત્ર બે બેઠક ઉપર ખાતું ખોલ્યું હતું. સીંગવડ તા.પંચાયતના હોદ્દેદારોની વરણી માટે કવાયત હાથ ધરવામાં આવી હતી. મંગળવારે પ્રમુખ પદ માટે મલેકપુર ઉપર વિજેતા થયેલા કાંતાબેન ડામોર તથા ઉપપ્રમુખ પદ માટે મંડેર ઉપરથી ચૂંટાયેલા લીલાબેન ડાયરાએ ઉમેદવારી પત્ર ભર્યુ હતું.
પ્રમુખ-ઉપપ્રમુખ પદ માટે 1-1 જ ફોર્મ ભરાતા સીંગવડ તા.પ.ના પ્રમુખ પદે કાંતાબેન તથા ઉપપ્રમુખપદે લીલાબેન બિનહરીફ ચુંટાઇ આવશે. કારોબારી ચેરમેન પદે રવેસિંહ તાવિયાડ તેમજ પક્ષના નેતા તરીકે સિંગવડ તા.પં. બેઠકના ક્રિષ્નાબેન અને દંડક તરીકે જયાબેન ઠાકોરની વરણી કરાશે તેવું જાણવા મળ્યું છે.
ગત ટર્મમાં પતિ તા.પં. સભ્ય હતાં, આ વખતે પત્નીને પ્રમુખ પદ મળશે
ફતેપુરા તાલુકા પંચાયતની 28 સીટોમાથી 23 સીટો ભાજપના ફાળે આવતા સ્પષ્ટ બહુમતી મળતા મંગળવારે ભાજપ પક્ષ તરફથી ફતેપુરા તાલુકા પંચાયતના પ્રમખુ તરીકે વાંગડ તાલુકા પંચાયત સીટ પરથી જીતીને આવેલ ઉમેદવાર રમીલાબેન દિનેશભાઇ પારગીની પક્ષ તરફથી ફોર્મ રજુ કરવામા આવ્યુ હતું. પ્રમુખ તરીકે દાવેદારી કરેલ રમીલાબેન ઘરકામની સાથે ખેત મજુરી કરે છે.
ગત ટર્મમા તેઓના પતિ તાલુકા પંચાયત સભ્ય રહી ચુક્યા છે. ઉપપ્રમુખ માટે ભાજપ પક્ષ તરફથી ડુંગર સીટ પરથી જીતીને આવેલ ઉમેદવાર પર્વતભાઇ જગજીભાઇ તાવીયાડનુ ફોર્મ તાલુકા વિકાસ અધિકારીને રજુ કરવામા આવેલ છે. પર્વતભાઇ મહામંત્રી તરીકે અગાઉ ફતેપુરા તાલુકા રહી ચુક્યા છે. રમીલાબેન અને પર્વતભાઇ સામે કોઇએ ઉમેદવારી નહીં નોંધાવતા તેઓને બિનહરીફ વિજેતા જાહેર કરાશે.
ધાનપુરમાં પૂર્વ પ્રમુખ, બારિયામાં પૂર્વ સરપંચ તા.પં.ના પ્રમુખ બનશે
ધાનપુર અને દેવગઢ બારીયા તાલુકા પંચાયતમાં ભાજપાએ કોંગ્રેસના સુપડા સાફ કરીને ભગવો લહેરાયો હતો ત્યારે થોડાક દિવસોથી પ્રમુખ અને ઉપપ્રમુખ કોણ બનશે તે માટે ને ચર્ચાઓ ચાલી રહી હતી. દેવગઢ બારીયા તાલુકા પંચાયતના મોટીખજુરી તાલુકા પંચાયતના 3 ટર્મથી વિજેતા અને અગાઉની ટર્મમાં પ્રમુખ અને ઉપપ્રમુખ રહી ચુકેલા પાર્વતીબેન દિપસીગભાઈ રાઠવાએ મંગળવારે તાલુકા પંચાયતના પ્રમુખ પદ માટે ઉમેદવારી નોંધાવી હતી જયારે ઉપપ્રમુખ માટે લવારીયા તાલુકા પંચાયત બેઠકના પ્રથમ વખત ચુટાઈને આવતા પંકજકુમાર નરવતસિંહ બારીઆએ ઉમેદવારી નોંધાવી હતી.
જયારે ધાનપુર તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે પીપેરો તાલુકા પંચાયત સીટના પૂર્વ સરપંચ રહી ચુકેલા અને પ્રથમ વખત ચુંટાઈને આવતા કાન્તાબેન નરવતસિહ બામણીયાએ પ્રમુખ પદ માટે ઉમેદવારી નોંધાવી હતી. ઉપપ્રમુખ માટે ભોરવા તાલુકા પંચાયતના પ્રથમ વખત ચુંટાઈને આવતા કંપાબેન જુવાનસિહ પટેલે ઉમેદવારી નોંધાવી હતી. બંને સ્થળે કોઇ દાવેદાર ન હોવાથી ધાનપુર અને દે.બારિયામાં પ્રમુખ-ઉપપ્રમુખ બિનહરીફ જાહેર થશે.
વાંકોલ બેઠક પર ત્રીજી વખત ચૂંટણી જીતતા પ્રમુખનો તાજ મળશે
ઝાલોદ તાલુકા પંચાયતની પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી બુધવારના દિવસે તાલુકા પંચાયતના સભાખંડ ખાતે યોજાનાર છે.તાલુકા પંચાયતમાં ભાજપને 26 બેઠક સાથે સંપૂર્ણ બહુમતી મળતા મંગળવારે પ્રમુખ તરીકે વાંકોલ બેઠક ઉપરથી વીજેતા થયેલા રમેશભાઇ ભાભોર અને જાફરપુરા બેઠક ઉપરથી વીજેતા થયેલા અનીતાબેન મછારે ઉપપ્રમુખ તરીકે દાવેદારી નોંધાવી હતી. યોજના સહ તાલુકા વિકાસ અધિકારી ડી.એન. પટેલ સમક્ષ ફોર્મ રજુ કરાતાં વિવિધ પ્રકિયા હાથ ધરાઇ હતી. આ બંને સામે કોઇએ પણ દાવેદારી રજૂ કરી ન હતી. પ્ર્રમુખ બનેલા રમેશભાઇ અગાઉ બે વખત ચુંટણી લડી ચુક્યા છે.
ત્રીજી વખતમાં તેઓને પ્રમુખ પદ મળ્યુ હતું. તેવી જ રીતે જાફરપુરા બેઠક ઉપરથી અનીતાબેન પ્રથમ વખત જ વીજેતા થઇને ઉપપ્રમુખ બન્યા હતાં.ફોર્મ રજૂ કરવાના સમયે ભાજપ જિલ્લા મહામંત્રી નરેન્દ્રભાઈ સોની,તાલુકા મહામંત્રી સમુભાઇ નિસરતા સહીત ભાજપના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. કોઇ દાવેદારી રજૂ ન થતાં રમેશભાઇ અને અનીતાબેન બિનહરીફ વીજેતા જાહેર થશે તેમ જોવાઇ રહ્યું છે.
ગરબાડા તા. પં.માં પ્રમુખ-ઉપપ્રમુખ માટે મહિલા સભ્યોની પસંદગી
દાહોદ અને ગરબાડા તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો કેસરિયો લહેરાયો છે ત્યારે આગામી અઢી વર્ષ માટે કોણ પ્રમુખ બનશે તેવી ચર્ચાનો મંગળવારે અંત આવ્યો હતો. દાહોદ તાલુકાની ઉસરવાણ બેઠક ઉપરથી વીજેતા થયેલા ગૌરીબેન પરમાર બીજી વખત ચુંટણી લડ્યા છે જ્યારે ચંદવાણા બેઠક ઉપરથી જશોદાબેન નાયક પ્રથમ વખત જ ચુંટણી લડ્યા હતાં. ગૌરીબેને પ્રમુખ અને જશોદાબેને ઉપપ્રમુખ માટે ફોર્મ ભર્યુ હતું.
આ બંને સામે કોઇ દાવેદાર ન હોવાથી તેઓ બુધવારે બિનહરીફ વીજેતા જાહેરા કરાશે તેમ જોવાઇ રહ્યું છે. તેવી જ રીતે ગરબાડા-2 સીટ પરથી પ્રથમવાર ચુંટાઈ આવેલ મનીષાબેન અર્જુનભાઈ ગણાવાની ગરબાડા તાલુકા પંચાયતના પ્રમુખ પદ માટે પસંદગી કરવામાં આવી હતી. જ્યારે ઉપપ્રમુખ પદ પર નઢેલાવ બે સીટ પરથી બીજી વખત ચૂંટાયેલા જીવલીબેન ભાભોરની પસંદગી કરવામાં આવી હતી. ઉપપ્રમુખ પદે જીવલીબેન પાછલા વર્ષમાં સામાજિક ન્યાય સમિતિના ચેરમેન તરીકે પણ જવાબદારી નિભાવી ચુક્યા છે. આમ આગામી સમય માટે ગરબાડા તાલુકાના વિકાસ માટે આ બંને મહિલા શક્તિની પસંદગી થતાં જ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. ગરબાડામાં ભાજપના ઉમેદવારો સામે કોઇ ઉમેદવારી રજૂ નહીં થતાં અહીં પણ બિનહરીફ જાહેર થશે તેમ જોવાઇ રહ્યું છે.
સંજેલી તાલુકામાં ભાજપ-કોંગ્રેસે દાવેદારી નોંધાવતાં ચૂંટણી યોજાશે
સંજેલી તાલુકા પંચાયતની 16 બેઠકોમાંથી 12 બેઠકો પર ભાજપ અને 4 બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારો જીત્યા છે. તાલુકા પ્રમુખ અને ઉપપ્રમુખ માટે ભાજપની સ્પષ્ટ બહુમતીને લઇ મેન્ટેડના આધારે ઉમેદવારોએ પ્રમુખ અને ઉપપ્રમુખ માટે દાવેદારી નોંધાવી છે, ત્યારે કોંગ્રેસ પક્ષે માટે કપરા ચઢાણ હોવા છતા પણ તાલુકા પંચાયતના પ્રમુખ માટે ગોવિંદાતળાઇ બેઠક પરથી કૉગ્રેસના ઉમેદવાર ભુરસીંગ ભાઇ પારસીંગભાઇ તાવીયાડે દાવેદારી નોંધાવતા ચર્ચાનો વિષય બન્યો હતો. તારીખ 16મીને મંગળવારના રોજ પ્રમુખ ઉપપ્રમુખની વરણી માટે ઉમેદવારીપત્રો ભરવામાં આવ્યાં હતાં. જેમાં ભાજપના હીરોલા બેઠક પરથી ચૂંટાયેલા ઉપેન્દ્રભાઇ કાળુભાઇ સંગાડાએ ઉમેદવારી નોંધાવી હતી.
હિરોલા માજી સરપંચ તરીકેની જવાબદારી નિભાવી ચુક્યા છે અને હાલ તેમના ધર્મપત્ની સરપંચ છે. જયારે સંજેલી-2 બેઠક પરથી ચૂંટાયેલા કમળાબેન શરદભાઈ બામણીયાએ ઉપપ્રમુખ તરીકેની દાવેદારી નોંધાવી હતી.તેઓ મોલી સરપંચ તરીકેની જવાબદારી નિભાવી ચૂક્યા છે અને તેમના પતિ શરદભાઈ બામણીયા હિરોલા જીલ્લા પંચાયત સીટ પર કોંગ્રેસમાંથી ચૂંટાયા હતા અને ન્યાય સમિતિ અધ્યક્ષ તરીકે જવાબદારી નિભાવી હતી અને બળવો કરીને ભાજપમાં ખેસ ધારણ કર્યો હતો . ઉપપ્રમુખ બીનહરીફ વીજેતા થયા છે જ્યારે પ્રમુખ પદ માટે દાવેદારી રજૂ થતાં તારીખ 17મીને બુધવારના રોજ મામલતદાર ની અધ્યક્ષતામાં ચૂંટણી યોજાશે.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed