ધાનપુર તાલુકાના ભાણપુરમાં માનવભક્ષી બનેલાં દીપડાંએ વધુ એક વૃદ્ધાને ફાડી ખાધી

દીપડાને પકડવા માટે વડોદરા અને ગીરની ટીમની મદદ લેવામાં આવી

 • Leopards attack on bhanapur's village woman

  દાહોદ: ધાનપુર તાલુકામાં છેલ્લા પંદરેક દિવસથી આદમખોર બનેલા દીપડાના હુમલાની ઘટનાઓ ઉપરાછાપરી નોંધાતા આ માનવભક્ષી દીપડાને ઝબ્બે કરવા માટે વનવિભાગના ૧૫૦ જેટલા વનકર્મીઓ કામે લાગ્યા છે. વનકર્મીઓ અલગઅલગ ટુકડીઓમાં વહેંચાઈને રોજેરોજની દીપડાની હિલચાલ પર ધ્યાન રાખવા અને ઝબ્બે કરવા માટે મુકવામાં આવ્યા છે. આ અંતર્ગત રાછવામા એક, કોટંબીમાં 2, ખલતા ગરબડીમાં અને પુના કોટામાં જંગલ વિસ્તારની નજીક દીપડાના બેટ વિસ્તારમાં મારણ સાથે પાંજરા અને સાથે સી.સી.ટી.વી. કેમેરા પણ મૂકવામાં આવ્યા છે.

  જંગલમાં સીસીટીવી કેમેરા ગોઠવી ડુંગરની ઊંચાઇએ માંચડો બનાવવામાં આવ્યો

  સોમવારે સવારે ધાનપુર તાલુકાના ભાણપુર ગામે ૬૪ વર્ષીય વિધવા મથુરીબેન નુરજીભાઈ ગણાવાનું જંગલમાં લાકડા વીણવા ગયા હતા ત્યારે દીપડાના હુમલાથી મૃત્યુ થયું હતું. આમ દીપડાના હુમલામાં આ ત્રીજુ મૃત્યુ નિપજતા સહુ વનકર્મીઓ ચોંકી ઉઠ્યાં છે અને આ આદમખોર દીપડાને ઝબ્બે કરવા કવાયત હાથ ધરી છે. આદમખોર દીપડાના હુમલાઓની વારંવારની ઘટનાને પગલે વડોદરા વનવિભાગના સી.સી.એફ. સંજય શ્રીવાસ્તવ પણ દોડી આવી દીપડાએ જે જગ્યાએ ઘટનાને અંજામ આપ્યો તે વિસ્તારની જાત પરિસ્થિતિનો ખ્યાલ મેળવ્યો હતો. અને આદમખોર દીપડાને કોઈ પણ ભોગે ઝબ્બે કરવા માટેની કવાયત તેજ કરી દીધી છે.

  આ વિસ્તારમાં દીપડાના બેટ વિસ્તારમાં સીસી ટીવી કેમેરા ગોઠવવા અને ડુંગરની ઊંચાઇએ માંચડો બનાવવાની સાથે વડોદરાની એક ટીમ આવી પહોંચી છે.તેમજ ગીરથી એક સ્પેશિયલ શૂટર ટીમ પણ બોલાવવામાં આવી છે. જે મોડી રાત સુધીમાં ધાનપુર આવી પહોંચશે. આમ આદમખોર બનેલા આ દીપડાને કોઈ પણ ભોગે ઝબ્બે કરવા માટે વનવિભાગે કવાયત તેજ કરી દીધી છે.

  લાકડા વીણતી મહિલાને આદમખોર દીપડાએ તરાપ મારી પકડી લીધી

  ભાણપુર ગામની ત્રણ મહિલાઓ સાથે લાકડા વીણતી હતી ત્યારે અચાનક તેમની તરફ ધસી આવેલા દિપડાએ તે પૈકી વિધવા વૃદ્ધા મથુરીબેનને તરાપ મારીને માથાના ભાગે પકડી લીધી હતી. આ જોઈને સાથેની મહિલાઓએ દીપડાને ભગાડવાના પ્રયત્નો કર્યા પણ તે કારગત નહીં નીવડતા તેઓ ગભરાઈને માનવ વસ્તી તરફ ભાગ્યા હતા અને લોકોને આ ઘટનાની જાણ કરતા લોકો સત્વરે દોડી ગયા હતા. પરંતુ આ અંતર લાંબુ હોઈ સહુ ત્યાં પહોંચ્યા ત્યાં સુધીમાં મથુરીબેનના દેહને દીપડાએ ફાડી ખાધો હતો અને દીપડો જંગલમાં ભાગી છૂટ્યો હતો.

More From Madhya Gujarat


Related News

Comments are Closed

%d bloggers like this: