દાહોદ શહેરમાં કોરોનાથી બે જ મહિનામાં 350નાં મોત

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • દાહોદ શહેરમાં કોરોનાથી બે જ મહિનામાં 350નાં મોત

દાહોદ શહેરમાં સપ્ટેમ્બરના પ્રારંભ સાથે જ કોરોના દર્દીઓનો આંક રાહત આપનારો રહ્યો છે. જુલાઇ અને ઓગસ્ટને જાણે કોરોનાએ બાનમાં લીધા હતા. આ બે માસના 61 દિવસોમાં શહેરના ઇતિહાસમાં ન થયા હોય તેટલાં 350 મરણ થયાની ચોંકાવનારી માહિતી સામે આવી છે. એટલે કે, આ ગાળામાં શહેરમાં દરરોજ સરેરાશ 6 લોકો મૃત્યુ પામ્યા હતાં. તંત્રના ચોપડે ભલે કોરોનાથી માત્ર 5 જ મોત હોય કે કોરોના આવ્યા બાદ અન્ય બીમારીથી મૃત્યુ થનારાની સંખ્યા 57 જ હોય પરંતુ મરણ સર્ટિફિકેટ માટે પાલિકામાં થયેલો અરજીનો ખડકલો બીજી જ કહાણી કહે છે.

દાહોદ શહેરમાં જુલાઈના 31 દિવસમાં મોતને ભેટેલા 241ના ડેથ સર્ટિફિકેટ મેળવવા સ્વજનોએ અરજી કરી હતી. દાહોદ પાલિકાના આશરે 150 વર્ષના ઈતિહાસમાં એક માસમાં આટલા લોકોના મૃત્યુના સર્ટિફિકેટ બનવા આવ્યા હોય તેવું પહેલી વાર હતું. જુલાઈની 241 અરજીઓ સામે માસના અંત સુધીમાં 85 સર્ટિ.જ લઇ જવાયા હતાં. જન્મ-મરણ કચેરીએ મરણ રજિસ્ટરમાં નોંધણી ક્રમ 681થી 922 સુધીના કુલ 241 લોકોએ તા.1થી 31 જુલાઇ સુધીમાં સ્વજનોના મૃત્યુ સર્ટિફિકેટ માટે પાલિકામાં અરજી કર્યાની માહિતી સામે 31 ઓગસ્ટ સુધીમાં 923થી 1032ના ક્રમાંકે થયેલ નોંધણી મુજબ કુલ 109 લોકોએ ડેથ સર્ટિફિકેટ લેવા અરજી કરી છે. આમ જુલાઈમાં 241ના સર્ટિફિકેટ મેળવવાની અરજી સામે ઓગસ્ટમાં 109 અરજીઓ આવી હતી.

અરજીમાં મૃત્યુનું કારણ લખવામાં આવતું નથી
માત્ર લાકડા કે કફનની પહોંચ અથવા તબીબના સર્ટિફિકેટ સાથે સાદી અરજી કરતાં મરણનો દાખલો કાઢી અપાય છે. છેલ્લા બે માસમાં આ પ્રકારે જ અરજીઓ આવી છે. તેમાં નિધન થવા પાછળનું કોઇ કારણ લખેલું નથી. બે વ્યક્તિના મરણના કિસ્સામાં સ્વજનોએ કોવિડ-19થી મૃત્યુ થયાનું પ્રમાણપત્ર જોડ્યું હોવાથી કારણ જાણવા મળ્યું છે. > એ.એચ.સિન્હા, મુખ્ય અધિકારી, દાહોદ નગરપાલિકા

વધતો મૃત્યુદર સંશોધનનો વિષય
દાહોદ શહેરમાં કુદરતી રીતે, બીમારી કે અકસ્માતને કારણે પહેલાં પણ મૃત્યુ થતાં હતા. પરંતુ, ત્યારે દર માસે સરેરાશ 30થી 35 લોકોના જ મૃત્યુ નોધાતા હતાં. કોરોનાથી મૃત્યુઆંક તંત્રના મતે માત્ર પાંચ જ છે. ત્યારે કોરોના તેની ચરમસીમાએ હતો તે સમયે જ આટલો મૃત્યુદર કેમ વધ્યો તે સંશોધનનો વિષય બન્યો છે!

2 જ મૃતકો કોરોના પોઝિટિવ હોવાની નોંધ
જુલાઈ મહિનામાં આવેલી 241 મરણની અરજીઓ પૈકી સરકારી ધોરણે સર્ટિફાઇડ હોય તેવા માત્ર બે જ મૃતકો, કોરોના પોઝિટિવ છે તેવી નોંધ સાથે સર્ટિફિકેટ લેવા માટે અરજી આવી હતી. તે સિવાય બાકીના લોકોએ રૂટિન જ અરજી કરી હોવાનું જોવા મળ્યું હતું. આમ માત્ર બે જ મરણ કોરોનાથી થયાની અરજીથી આશ્ચર્ય થાય છે.

0


Related News

Comments are Closed

%d bloggers like this: