દાહોદ જિલ્લામાં ફેક્ટરી માલિકોને રૂા. 1 લાખથી 5 લાખ સુધીનો દંડ થશે

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • માર્ગદર્શિકાનો ભંગ કરાશે તો કાર્યવાહી

રાજ્યમાં અનલોક-4ની માર્ગદર્શિકા મુજબ વિવિધ ફેક્ટરીઓ, દુકાનો, સંસ્થાનો ખુલ્લી રહ્યાં છે તથા આંતરરાજય સ્થળાંતરિત શ્રમિકો પરત ફરી રહ્યાં છે. ત્યારે આ સંદર્ભે દાહોદ જિલ્લામાં કોરોના સંક્રમણ ન ફેલાય તે માટે જિલ્લા મેજિસ્ટ્રેટ વિજય ખરાડીએ જાહેરનામું બહાર પાડયું છે. જે 30 સપ્ટેમ્બર સુધી સમગ્ર દાહોદ જિલ્લામાં લાગુ પડશે.

જાહેરનામા મુજબ ફેક્ટરી, દુકાન, સંસ્થાનના તમામ પરત ફરતા કામદારોને કોવીડ-19ના લક્ષણો માટે તપાસણી કરવાની રહેશે. જો કોઇ કામદારમાં કોવીડ-19નાં લક્ષણો જણાય તો તેણે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની સૂચનાઓ મુજબ કવોરન્ટાઇન થવાનું રહેશે. કામદારની આરોગ્ય તપાસ કરીને એન્ટીજન ટેસ્ટ કરાવવાનો રહેશે. જેનો એનેક્ષર – એ મુજબ રેકર્ડ રાખવાનો રહેશે તથા કામ કરતા કામદારોની માહીતી એનેક્ષર બી મુજબ જિલ્લા વહીવટી તંત્રને પુરી પાડવાની રહેશે. ફેક્ટરી, સંસ્થાનમાં તમામ માટે માસ્ક પહેરવાનું ફરજીયાત રહેશે. અને આ બાબતે નોકરીદાતાએ ખાસ તકેદારી રાખવાની રહેશે. જે ફેક્ટરી, સંસ્થાનમાં કેન્ટીન આવેલી હોય ત્યાં કેન્ટીન સ્ટાફનાં સ્ક્રિનિંગ અંગે ખાસ ધ્યાન આપવાનું રહેશે. જો કોઇ કામદાર કોવીડ-19થી સંક્રમિત થાય તો તે અંગે જિલ્લા વહીવટી તંત્રને જાણ કરવાની રહેશે.

આ માર્ગદર્શિકા અસંગઠિત કર્મચારીઓ અને રહેણાંક મંડળની સમિતિઓને પણ લાગુ પડશે. સક્ષમ સત્તાધિકારી ફેક્ટરી, સંસ્થાનની મુલાકાત લઇ આકસ્મિક તપાસ કરવાની રહેશે. જેમાં જાહેરનામાનો ભંગ જણાય તો તેઓની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ઉપરાંત રૂ. 1 લાખથી 5 લાખ સુધીનો દંડ પણ ફટકારી, ફેક્ટરી, સંસ્થાન બંઘ કરવામાં આવશે.

કામદારોના એન્ટિબોડી ટેસ્ટનો ખર્ચ સંસ્થાના શીરે
દરેક ઉદ્યોગ-સંસ્થા માલિકે બહારથી કામે પરત ફરતા કામદારોનો એન્ટીબોડી ટેસ્ટ પોતાના ખર્ચે વ્યવસ્થા યોજી કરવાનો રહેશે. દરેક કામદારનું તાપમાન થર્મલ સ્ક્રિનિંગ ગનથી ICMR ની ગાઇડલાઇન મુજબ દિવસમાં બે વાર- દિવસની શરૂઆત અને અંતમાં- માપવાનું રહેશે. ફેક્ટરીના દરેક કામદારનું ઓક્સીજન લેવલ પલ્સ ઓક્સીમીટર મારફતે તપાસવાનું રહેશે. જે 94થી નીચે હોય તેને ટર્સરી હેલ્થ સેન્ટર ખાતે તપાસ અર્થે અચૂક મોકલવાના રહેશે.

માલિકોએ ક્વોરન્ટાઇન સેન્ટર ઊભા કરવા પડશે
એન્ટીબોડીની હાજરી ધરાવતા, શરીરનું તાપમાન યોગ્ય હોય, ઓક્સીજન સેચ્યુરેશન નિયત મર્યાદામાં હોય તેવા કામદાર ફરજ પર જોડાઇ શકશે. જે કામદારોમાં એન્ટીબોડીની હાજરી ન હોય તેઓની તપાસ એન્ટીજન મારફતે કરાવવાની રહેશે અથવા સાત દિવસ ક્વોરન્ટાઇન થવાનું રહેશે. ટેસ્ટ અને ક્વોરન્ટાઇન સેન્ટર ઊભા કરવાની-નિભાવવાની જરૂરી વ્યવસ્થા માલિકે તેઓના ખર્ચે કરવાની રહેશે. જે કામદારોમાં કોઇ લક્ષણ જણાય, ઉદભવે નહીં તેઓ નિશ્ચિત સમયગાળો પૂર્ણ કરી ફરજ પર ફરી જોડાઇ શકશે.

0


Related News

Comments are Closed

%d bloggers like this: