દાહોદ જિલ્લાના 22 શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરાયું

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક

શિક્ષક દિન નિમિત્તે બ્લાઇન્ડ વેલ્ફેર કાઉન્સિંલ, દાહોદ ખાતે જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકોને બિરદાવવાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જિલ્લા કક્ષાના 4 શ્રેષ્ઠ શિક્ષકો અને તાલુકા કક્ષાના 18 શ્રેષ્ઠ શિક્ષકોની પસંદગી કરીને તેમનું બહુમાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજય કક્ષાના મંત્રી બચુભાઇ ખાબડ, સાંસદ જસંવતસિંહ ભાભોરે મોમેન્ટો, સાલ, પુસ્તકો આપીને શિક્ષકોનું સન્માન કર્યું હતું. શિક્ષક દિનના ઉપલક્ષમાં યોજાયેલા કાર્યક્રમમાં સંબોધન કરતાં રાજયમંત્રી બચુભાઇ ખાબડે વિદ્યાર્થીના જીવન ઘડતરમાં શિક્ષકની ભૂમિકા મહત્વની છે તેમ જણાવી શિક્ષકની વ્યાખ્યા કરતાં જણાવ્યું હતું કે, ક્ષણે ક્ષણે જે નવું શીખવે તે શિક્ષક છે. અહીં સન્માનિત થનારા શિક્ષકોની ભૂમિકા હવે બેવડાય છે. તેમણે હવે બીજા શિક્ષકોને પ્રેરણા મળે તેવું કાર્ય કરવાનું છે.

દાહોદના વિદ્યાર્થીઓ દેશમાં જ નહીં, વિશ્વસ્તરે પોતાની પ્રતિભા ઝળકાવે તેની જવાબદારી જિલ્લાના 14 હજારથી વધુ શિક્ષકોએ નિભાવે તેવી શુભકામનાઓ આપી હતી. આ પ્રસંગે મંત્રીએ કેન્દ્ર સરકારે જાહેર કરેલી શિક્ષણ નીતિ વિશે વિસ્તૃત માહિતી આપી હતી અને નવા ભારતના નિર્માણમાં નવી શિક્ષણનીતિનું મોટું પ્રદાન રહેશે તેમ જણાવ્યું હતું. સાંસદ જશવંતસિંહ ભાભારે જણાવ્યું કે, આજનો દિવસ નવા ભારતના નિર્માણના સ્વપ્નદ્રષ્ટા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના સ્વપ્નને સહુ શિક્ષકોએ સાકાર કરવાનો ગૌરવવંતો દિવસ છે. અત્યારે જિલ્લામાં એન્જીનિયરિંગ કોલેજ અને મેડીકલ કોલેજ છે. દરેક તાલુકામાં વિજ્ઞાન શાળા અને વિજ્ઞાન મહાવિદ્યાલય ઉપલબ્ધ થયા છે. હવે દાહોદ જિલ્લાના શિક્ષકો ઉપર વિદ્યાર્થીઓના ભવિષ્ય ઘડતરની મોટી જવાબદારી છે. શિક્ષકો પોતાની જવાબદારી બખૂબી નિભાવે તો દેશને ઉન્નત-વિકસીત થતાં કોઇ નહી રોકી શકે. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ યોગેશભાઇ પારગીએ પૂર્વ રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જીવનસંઘર્ષને યાદ કરી તેમનામાંથી સૌ શિક્ષકો પ્રેરણા મેળવે તેમ જણાવ્યું હતું. જિલ્લાના 4 શ્રેષ્ઠ શિક્ષકોને રૂ. 15 હજાર, મોમેન્ટો, શાલ અને પુસ્તકો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. જયારે તાલુકાના 18 શિક્ષકોને રૂ. 5 હજાર, મોમેન્ટો, શાલ અને પુસ્તકો આપી સન્માનિ કર્યા હતા. કાર્યક્રમમાં કલેક્ટર વિજય ખરાડી, જિલ્લા શિક્ષણાધિકારી કાજલબેન દવે, આગેવાન સુધીરભાઇ લાલપુરવાલા,બ્લાઇન્ડ વેલ્ફેર કાઉન્સિલ સંસ્થાના યુસુફભાઈ કાપડીયા, જિલ્લાના વિવિધ શિક્ષક સંઘના પ્રમુખઓ, મંત્રીઓ, શિક્ષકો ઉપસ્થિત રહ્યાં હતા.

0


Related News

Comments are Closed

%d bloggers like this: