દાહોદની કોર્ટમાં માત્ર તાકીદના કેસોની જ સુનાવણી કરવામાં આવશે

કોરોના વાયસરના સંભવિત ખતરાને ટાળવા જિલ્લા ન્યાયધિશશ્રીનો નિર્ણય, અનુપસ્થિત પક્ષકારોને સામે કોઇ નિર્ણય લેવામાં આવે
દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદના ઝાલોદ રોડ સ્થિત જિલ્લા ન્યાયાલયમાં કોરોના વાઈરસના સંભવિત ખતરાને ટાળવા માટે સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે. જેમાં પક્ષકારોની તેમના કેસોની સુનાવણી દરમિયાન હાજરી મરજિયાત કરી દેવામાં આવી છે. પક્ષકારોની અનુપસ્થિતિને કારણે તેમના વિરુદ્ધ કોઇ ચૂકાદા ન આપવા, સમન્સ ન કાઢવા સહિતના નિર્ણયો લેવામાં આવ્યા છે. કોર્ટ પરિસરમાં કોરોના વાયરસ સામે લેવામાં આવેલા સાવચેતીના પગલાં અંગે માહિતી આપતા જિલ્લા ન્યાયધીશ શ્રીમતી આર. એમ. વોરાએ જણાવ્યું કે, કોર્ટના પ્રવેશ દ્વાર ઉપર ટેમ્પરેચર ગન દ્વારા આગંતુકોના થર્મલ સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યા છે. ત્યાં જ એક ટેબલ ઉપર હેન્ડ સેનિટાઇઝેશનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
તેમણે ઉમેર્યું કે, હાઇકોર્ટના આદેશ મુજબ દાહોદની વિવિધ કોર્ટ્સમાં માત્ર તાકીદના કેસોની જ સુનાવણી હાથ ધરવામાં આવશે. તેમાં પક્ષકારોની હાજરી અનિવાર્ય હોય તો જ તેમને આવવા દેવામાં આવશે. જરૂર પડે તો જેલમાંથી વિડીઓ કોન્ફર્સિંગથી પણ જુબાની લેવામાં આવશે. વકીલ મંડળે પર આ બાબતે ઠરાવ કર્યો છે. વકીલો પણ બાર રૂમમાં કે પુસ્તકાલયમાં લાંબા સમય સુધી બેસી નહીં રહે.
જિલ્લા કોર્ટ દ્વારા ઉક્ત બાબતોને સાંકળતી એક માર્ગદર્શિકા પણ પરિપત્રિત કરવામાં આવી છે. જેમાં જણાવાયું છે કે, ન્યાયિક અધિકારીઓ, કર્મચારીઓ નમસ્તે મુદ્રામાં જ અભિવાદન કરશે. હાથ સાફ કરવામાં પણ ચોક્સાઇ રાખશે. કોર્ટ સ્ટાફ, પક્ષકારો તથા પોલીસને કોર્ટ પરિસરમાં સામુહિક રીતે એકઠા ન થવા જણાવાયું છે. બાયોમેટ્રીકથી હાજરી પૂરવામાં રાહત આપવામાં આવી છે. આ ઉપરાંત, કોર્ટનું દિવસમાં બે વખત ફોગિંગ કરવામાં આવી રહ્યું છે. સફાઇની કામગીરી વધુ સઘન બનાવવામાં આવી રહી છે. કોરોના વાયરસ સામે સલામતીના આ પગલાંમાં સહયોગ આપવા નાગરિકોને કોર્ટ તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.


Related News

Comments are Closed

%d bloggers like this: