દારૂબંધીના ધજાગરા: બીઅરના ટીન લઇને રતનમહાલમાં ઝુમતા નબીરાઓનો વીડિયો વાયરલ, પીયક્કડ ટોળકીમાં GRDનો જવાન પણ સામેલ

દાહોદ3 કલાક પહેલા

બીઅર સાથે ડાન્સનો વીડિયો વાઈરલ થતા પોલીસ હરકતમાં આવી

  • GRD જવાન દોસ્તો સાથે મ્યુઝિકના તાલે તાલ મિલાવતો કેમેરામાં કંડારાઇ ગયો
  • ધાનપુર પોલીસ મથકમાં ગુનો નોંધાશે: સાગટાળા પીએસઆઇ

દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકામાં આવેલું રતનમહાલ હિલ સ્ટેશન છે. જેથી અહીં સહેલાણીઓ મોટી સંખ્યામાં આવે છે અને કુદરતી સૌદર્યની મઝા માંણે છે. જેથી અહીં પાર્ટી કલ્ચર પણ વિકસીત થઇ રહ્યુ હોવાના પુરાવા મળે છે. કારણ કે, પ્રકૃત્તિના ખોળે મદિરા પાન કરનારાની સંખ્યા હવે વધતી જાય છે. ત્યારે આજે રતનમહાલમાં જ બીઅરના ટીન લઇને ઝુમતા જુવાનિયાઓનો વીડિયો વાયરલ થઇ જતાં ઘણાં પ્રશ્નોના જવાબ આપોઆપ જ મળી રહ્યા છે. આ ટોળકીમાં જીઆરડી જવાન પણ હોવાનુ ખુલ્યુ છે. ત્યારે તમામ સામે ધાનપુર પોલીસે ગુનો નોંધવાના ચક્રો ગતિમાન કર્યા છે.

પ્રાથમિક તપાસમાં રતનમહાલની ઘટના હોવાનો ખુલાસો

પ્રાથમિક તપાસમાં રતનમહાલની ઘટના હોવાનો ખુલાસો

ગુજરાતમાં દારુબંધી હટાવવા માટે હવે કેટલાકે હાઇ કોર્ટના દ્રાર પણ ખખડાવ્યા છે અને તેની સુનાવણી પણ ચાલી રહી છે. દારુબંધીને કારણે વર્ષે દાડે અરબો ખરબોની આવક રાજ્ય સરકાર ગુમાવી રહી હોવાના તર્ક પણ રજૂ કરવામાં આવી રહ્યા છે અને તેની સાથે જ બે નંબરની આવકના હવાલા પણ આપવામાં આવી રહ્યા છે. કારણ કે દારુબંધી હોવાથી દારુ નથી વેચાતો તે વાત કોઇને પણ ગળે ઉતરે તેમ નથી.

ગુજરાતમાં ગેરકાયદે વિદેશી દારુનો વેપલો વિસ્તરેલો
આ મામલે દરવાજા ખુલ્લાને ખાળે ડૂચા જેવો ઘાટ દાહોદ જિલ્લા સહિત આખાયે રાજ્યમાં બાબા આદમના જમાનાથી સર્જાયેલો છે. તેમાંયે ઉગતા સૂર્યનુ પ્રવેશદ્રાર દાહોદ તો ગુજરાત અને મધ્ય પ્રદેશના બુટલેગરો માટે કુબેર ભંડારીના દ્રાર સમાન બની રહેલુ છે અને તેમાં કોની કોની ભાગીદારી હોય છે તે સર્વવિદિત છે. જોકે, દાહોદ જિલ્લાને જ બદનામ કરવો તે અન્યાય લેખાશે કારણ કે સમગ્ર ગુજરાતમાં ગેરકાયદે વિદેશી દારુનો વેપલો વિસ્તરેલો છે. તેને કારણે જ ગાંધીના ગુજરાતમાં ક્યાં તો સંપૂર્ણ દારુબંધી અમલી કરાવો અથવા તો તેના નામે થતો કાળો કારોબાર રોકવામાં આવે તેવા મત હલે ખુલ્લેઆમ કાયદાની કેડીએ પણ રજૂ થઇ રહ્યા છે.

કેટલાક યુવાનો હાથમાં બીઅરના ટીન લઇને સંગીતના તાલે ઝુમ્યાં ​​​​
​​​​​​​દાહોદ જિલ્લામાં ઘણી વખત કેટલાક દ્રશ્યો નિહાળતા એવુ થાય કે ખરેખર દારુબંધી અમલમાં છે ખરી? ત્યારે આવો જ વધુ એક બોલતો પુરાવો સામે આવ્યો છે. જેમાં કેટલાક યુવાનો હાથમાં બીઅરના ટીન લઇને સંગીતના તાલે ઝુમી રહ્યા છે અને તેઓ ગુજરાતી બોલી રહ્યા છે. ત્યારે આ દ્રશ્ય રતમનહાલમાં કેમેરામાં કંડારાયુ હોવાની પોલીસ વિભાગે પુષ્ટિ કરી છે. તેમાં જીઆરડીના જવાન પણ મ્યુઝિક સાથે મસ્ત થઇને મઝાં માણી રહ્યા હોવાનુ પણ પુરવાર થયુ છે ત્યારે હવે તેમની સામે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. જોકે, આ ઘટનામાં છીંડે ચઢયો તે ચોર જેવુ થશે કારણ કે જિલ્લામાં વિદેશી દારુનું વેચાણ હવે ગૃહ ઉદ્યોગ સમાન છે.

પીએસઆઇનું નિવેદન
આ અંગે સાગટાળા પીએસઆઇ એ.એ.રાઠવાએ જણાવ્યુ છે કે, આ ઘટના રતનમહાલમાં બની છે. જેમાં જીઆરડી જવાન હોવાનુ આઇડેન્ટીફાય થયુ છે તે એક કરતાં વધુ પણ હોઇ શકે છે.તેમની સામે ધાનપુર પોલીસ મથકે ગુનો નોંધવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: