ઝીરો વેસ્ટેજ ઇન વેક્સિનેશન: દાહોદ જિલ્લામાં કોરોનાની રસીનો સંપૂર્ણ સદઉપયોગ કરાતાં વેસ્ટેજ શૂન્ય બરાબર, 50 ટકા આધેડે રસીનો પ્રથમ જ્યારે 82 ટકાએ બીજો ડોઝ લઇ લીધો

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક
  • કોરોના વોરિયર્સ 100 ટકા વેક્સિનેશન સાથે ત્રીજી લહેર માટે સજ્જ
  • 16 દિવસમાં 49 હજારથી વધુ યુવાનોએ રસી મુકાવી

દાહોદ જિલ્લામાં કોરોના હવે ઓસરવાની સાથે જ વેપાર ધંધાની ગાડી પાટે ચઢી રહી છે. બીજી તરફ રસીકરણની કામગીરી પણ ચાલી રહી છે. ત્યારે તેમાં સારા નરસા પરિણામો જોવા મળી રહ્યા છે. જેમાં 45થી વધુ વયમાં 50 ટકા રસીકરણ પૂર્ણ થયુ નથી. ત્યારે યુવાનોમાં રસીકરણ ગોકળગાયની ગતિએ ચાલી રહ્યુ હોવાથી તેમાં 5 ટકા પણ લક્ષ્યાંક પૂર્ણ થઇ શક્યો નથી. તેવા સમયે જિલ્લામાં સૌથી સારી અને નોંધપાત્ર બાબત એ છે કે વેક્સિનનુ વેસ્ટેજ શૂન્ય બરાબર છે. તેમાંયે કોવિશિલ્ડનું રસીકરણ તો એટલુ ચોકસાઇથી કરવામાં આવ્યુ છે કે તેમાં મર્યાદા કરતા વધુ લાભાર્થીઓને રસી મુકવામાં આવી હોવાના અહેવાલ મળ્યા છે.

દાહોદ જિલ્લામાં કોરોનાની બીજી લહેર કાતિલ હતી. કારણ કે, કેટલાયે પરિવારો કોરોનાને કારણે વિખેરાઇ ગયા છે. બાળકોએ માવતર ગુમાવ્યા છે તો કેટલીયે સુહાગણો વિધવા બની ચુકી છે. અર્ધાંગિની ગુમાવી દેતાં બાળકોની જવાબદારી ઘણાં પિતાના માથે આવી પડી છે. ત્યારે જીવનની ઢળતી સાંજે પડછાયાની જેમ સાથે રહેનારાને પણ કેટલાકે ગુમાવી દીધાના દાખલા છે. હાલ કોરોના શૂન્યની સરહદે આવી જતાં નોકરી અને રોજગાર, ધંધા થાળે પડતાં ચહેરાઓ પર આવતી કાલ કેવી હશે તેના પ્રશ્નાર્થ સાથે વર્તમાનમાં સ્મિત જોવાઇ રહ્યા છે.

એક સમયે કોરોનાની રસી વિશે ઉભી થયેલી અસમંજસની પરિસ્થિતિ આજે રહી નથી તેમ છતાં રસીકરણમાં ગતિશીલતા નથી તેવુ લાગી રહ્યુ છે. કારણ કે, જિલ્લામાં માત્ર કોરોના વોરિયર્સનું જ રસીકરણ પૂર્ણ કરી શકાયુ છે. જેમાં આરોગ્યકર્મીઓ અને ફ્રન્ટ લાઇન કોરોના વોરિયર્સમાં 100 ટકા રસીકરણ પૂર્ણ થઇ જતાં કમનસીબે ત્રીજી લહેર આવે તો પણ સેનાનીઓ તેની સામે લડવા સુરક્ષા કવચ સાથે સજ્જ છે.

ત્યાબાદ શરુ થયેલા 45 વર્ષથી વધુ વયના લાભાર્થીઓનો પ્રથમ ડોઝની રસી મુકવાનો લક્ષ્યાંક 6 લાખ 46 હજાર 049 નક્કી કરાયો હતો. તેમાંથી 16 જૂન સુધીમાં 3 લાખ 19 હજાર 340 લાભાર્થીઓએ રસી મુકાવી દેતાં 49.43 ટકા લક્ષ્યાંક પૂર્ણ થયો છે. જોકે, તેમાં બીજો ડોઝ મુકવાની કામગીરી ઝડપી હોવાનું લાગી રહ્યુ છે. કારણ કે રસી સિવાય કોઇ વિકલ્પ ન હોવાનું હવે સર્વ સ્વીકાર્ય હોવાથી બીજા ડોઝ માટેના લક્ષ્યાંક 1 લાખ 94 હજાર 312 પૈકી 1 લાખ 60 હજાર 652 લાભાર્થીઓએ બીજો ડોઝ પણ લઇ લેતાં 82.68 ટકા લક્ષ્યાંક પૂર્ણ થઇ ચુક્યો છે.

હવે મુદ્દાની વાત યુવાધનની છે કારણ કે, 18થી 44 વર્ષના કુલ લાભાર્થી 10 લાખ 89 હજાર 727 નક્કી કરાયા છે, પરંતુ તેમાંથી 16 જૂન સુધીમાં ફક્ત 49 હજાર 348 લાભાર્થીઓએ રસીકરણ કરવી દીધુ છે. જેની ટકાવારી 4.53 ટકા છે. જોકે એમ પણ કહી શકાય છે કે 16 દિવસમાં 50 હજાર જેટલા યુવાનોએ રસી મુકાવી દીધી છે. તેમ છતાં ગ્રામ્ય વિસ્તારોમાં આ વર્ગમાં રસીકરણ ગતિશીલ બનાવવું જરુરી લાગી રહ્યુ છે.

દાહોદ જિલ્લામાં રસીકરણના મામલે ઉડીને આંખે વળગે તેવી બાબત એ આવી છે કે, રસીકરણનો બગાડ થવા દેવામાં આવ્યો નથી. સત્તાવાર આંકડા પ્રમાણે અત્યાર સુધીમાં કોવિશીલ્ડના 5 લાખ 16 હજાર 390ને બદલે 5 લાખ 18 હજાર 892 લોકોને રસી મુકવામાં આવી છે. કોવેક્સિનમાં પણ 63 હજાર 312ની સામે 63 હજાકર 242 લાભાર્થીને રસી મુકાઇ છે. જેથી કોવિશિલ્ડમાં વેસેસ્ટેજ ફેક્ટર -0.48 છે તેમજ કોવેક્સિનમાં વેસ્ટેજ માત્ર 0.11 જ આવ્યુ છે. આમ રસીકરણમાં ચોકસાઇ રખાતાં વાયલમાં રસી વેસ્ટ થઇ નથી તેમ જાણવા મળ્યુ છે.

આ અંગે ઇન્.સીડીએચઓ ડો. આર.ડી.પહાડીયાએ આ બાબતે જણાવ્યુ છે કે, રસીકરણ વધુમાં વધુ થાય તેના માટે જનજાગૃત્તિ સાથે આરોગ્યકર્મીઓ અને અધિકારીઓ વિસ્તારવાર કામગીરી કરી રહ્યા છે. તેના સારા પરિણામ પણ જોવાઇ રહ્યા છે. રસીકરણમાં રસીનો સંપૂર્ણ સદઉપયોગ થાય અને બગાડ થાય તેના માટે વાયલના માપ પ્રમાણે અને લાભાર્થીને આપવાની રસીની માત્રા પ્રમાણે ચોક્સાઇથી રસીકરણ કરતાં રસીનું વેસ્ટેજ અટકાવી શકાયુ છે.

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: