જુલાઇના પ્રારંભથી લોકલ ટ્રાન્સમિશન શરૂ થતાં સંક્રમણ વધ્યું,દાહોદ શહેરમાં 60% વિસ્તાર કન્ટેઇન્મેન્ટ ઝોન

  • કોરોના પોઝિટિવના 427 કેસમાંથી 350 દાહોદ શહેરના
  • શહેરમાં અંદાજે 300 મહોલ્લા, શેરી, લત્તા
  • 180 વિસ્તારનો કન્ટેઇન્મેન્ટ ઝોનમાં સમાવેશ

ઇરફાન મલેક

Jul 27, 2020, 04:00 AM IST

દાહોદ. શહેરમાં કોરોનાના કહેરથી લોકોમાં ભય તો છે પરંતુ ઘરની બહાર નીકળ્યા બાદ સંક્રમણથી બચવા જોઇએ તેટલા ઉપાય હજી પણ મહત્તમ લોકો નથી કરી રહ્યા. ગફલતનું જ આ પરિણામ છે કે, એક સમયે સૌથી સેફ ગણાતા શહેરમાં લોકલ ટ્રાન્સમિશન શરૂ થઇ જતાં પીડાવાનો વારો આવ્યો છે. જાણીને આશ્ચર્ય થશે કે હાલમાં દાહોદ શહેરનો 60 ટકા વિસ્તાર કન્ટેઇન્મેન્ટ ઝોનમાં છે. 6 કિમી ત્રિજિયામાં વસેલા શહેરની અંદાજિત એક લાખથી વધુ વસ્તિ અંદાજે 300 શેરી, મહોલ્લા અને લત્તામાં રહે છે. આ 300 વિસ્તાર પૈકીના 180 વિસ્તાર એવા છે કે જ્યાં કોરોના પોઝિટિવના કેસ પ્રકાશમાં આવ્યા છે.

આખું શહેર કન્ટેઇન્મેન્ટ ઝોનમાં તબદીલ થતાં વાર નહીં લાગે
જેથી તંત્ર દ્વારા આ વિસ્તારોને કન્ટેઇન્મેન્ટ ઝોન જાહેર કરાયા છે. વિવિધ કારણસર તંત્રો અપવાદ એવા ત્રણથી ચાર વિસ્તાર જ છોડી દીધા છે પણ તેને ધ્યાનમાં ન લઇએ છતાં આગામી દિવસોમાં પરિસ્થિતિ હજી ગંભીર બનવાના એંધાણ વર્તાઇ રહ્યા છે. દાહોદ જિલ્લામાં અત્યાર સુધી 427 લોકો કોરોના સંક્રમણનો ભોગ બન્યા છે તેમાંથી 350 લોકો દાહોદ શહેરના છે. આ એ લોકો છે જે તંત્રના ચોપડે ચઢેલા છે. જ્યારે વડોદરા કે અમદાવાદમાં જઇને પોઝિટિવ આવેલા અને પ્રકાશમાં જ ન આવેલા શહેરના લોકોની ગણતરી કરાય તો સંખ્યામાં હજી વધારો થાય તેમ છે. હજી પણ જો શહેરની પ્રજા સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતના નિયમો પાળવામાં બેદરકારી દાખવશે તો આખું શહેર કન્ટેઇન્મેન્ટ ઝોનમાં તબદીલ થતાં વાર નહીં લાગે.

જુલાઇમાં કેટલા વિસ્તાર કન્ટેઇન્મેન્ટ ઝોનમાંથી મુક્ત થશે
ઘાંચીવાડના બારિયાવાડ વિસ્તારમાં 25 જૂનના રોજ કેસ આવતાં તે વિસ્તાર કન્ટેઇન્મેન્ટ જાહેર કરાયો હતો. તે 27 જુલાઇના રોજ કન્ટેઇન્ટમેન્ટ મુક્ત થશે. તેવી જ રીતે ઘાંચીવાડનો ખાનઉરકડાની એક ગલી 28 જુલાઇ, ડબગરવાસનો કેટલોક વિસ્તાર 28 જુલાઇ, ગોદીરોડનો ઝરીન પ્લાઝા વિસ્તાર,ગૌશાળાનો કોળીવાડ વિસ્તાર 31 જુલાઇના રોજ કન્ટેઇન્મેન્ટ ઝોનમાંથી મુક્ત થશે.

કન્ટેઇન્મેન્ટ ઝોનનો હેતુ સફળ થતો નથી
પોઝિટિવ આવનારાના ઘરની આસપાસનો નિયમ મુજબની ત્રિજિયા ધરાવતાે વિસ્તાર કે આસપાસના ઘરો અને એપાર્ટમેન્ટ હોય તેને કન્ટેઇન્મેન્ટ ઝોન તરીકે વર્ણવવવામાં આવે છે. આમ કરવાનો હેતુ પોઝિટિવ આવેલી વ્યક્તિના પરિવારને જ હોમ ક્વોરન્ટાઇન રાખવા પૂરતો નથી બલકે વિસ્તાર કે ઘરોમાં રહેતાં લોકો પણ ઘરેથી નીકળવાનું ટાળે અને સંક્રમણ વધુ ન ફેલાય તે છે. જોકે, શહેરમાં કન્ટેઇન્મેન્ટ વિસ્તારનો હેતુ બિલકુલ પણ સર થઇ રહ્યો નથી. મહત્તમ કિસ્સામાં પોઝિટિવ આવનાર વ્યક્તિના ઘર સાથે અસ્પૃશ્ય જેવું વર્તન કરીને કન્ટેઇન્મેન્ટ ઝોનની વ્યાખ્યામાં આવતા વિસ્તારના લોકો બિન્ધાસ્ત ફરતા જોવા મળે છે.

આ સમસ્યા વેઠવી ન હોય તો હદમાં રહો
મહોલ્લા કે સોસાયટીમાં પોઝિટિવ કેસ આવ્યા બાદ તે કન્ટેઇન્મેન્ટ ઝોનમાં આવતાં ત્યાં પતરાં મારી દેવામાં આવે છે. માત્ર એક વ્યક્તિ પસાર થાય તેટલી જ જગ્યા રખાતી હોય છે. જેથી વિસ્તારના દૂરના ઘરના લોકોને ટુવ્હીલર અને ફોર વ્હીલર વાહન ઘરની બહાર પાર્ક કરવાની ફરજ પડે છે.કન્ટેઇન્મેન્ટ ઝોન હોવાથી ભયને કારણે શાકભાજી સહિતની વસ્તુ લઇને ઘરે આવતાં ફેરિયા પણ બંધ થઇ જાય છે. મેડિકલ ઇમરજન્સી આવે તો ખુબ તકલીફ વેઠવી પડે છે. અંગત સંબંધ હોય તેવા સ્વજનો અને પરિચિતો પણ આવતાં ગભરાય છે. ટૂંકમાં, કન્ટેઇન્મેન્ટ ઝોનથી લોકો હદમાં રહે છે.

મે માસથી જુલાઇ સુધી કઇ તારીખોમાં શહેરમાં કોરોનાના કેસ આવ્યા
મે માસમાં 2,6,18,21,23 તારીખે શહેરમાં પોઝિટિવ કેસો જાહેર થયા હતાં. તેવી જ રીતે જૂન માસમાં 3,4,23,25,29,30 તારીખે કેસ આવ્યા હતાં. જુલાઇ માસમાં ચોથી તારીખ જ એવી હતી કે તેમાં એક પણ કેસ જાહેર થયો ન હતો. જ્યારે મહિનાના તમામ દિવસોમાં કેસો આવ્યા હતા અને તેનો સિલસિલો હજી પણ ચાલુ જ છે. કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે.






Related News

Comments are Closed

%d bloggers like this: