ચૂંટણીના પરિણામ: દાહોદ જિલ્લામાં પ્રથમ વખત ભાજપે 16 બેઠક ‘પંજા’ની પકડમાંથી મુક્ત કરી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદએક કલાક પહેલાલેખક: ઇરફાન મલેક

  • કૉપી લિંક
  • દાહોદ-ફતેપુરા તાલુકામાં ભાજપ સફળ : 3 જિ.પ અને 13 તા.પ બેઠકો ભાજપ અંકે કરવામાં સફળ

આદિવાસી બાહુલ્ય ધરાવતો દાહોદ જિલ્લામાં એક સમયે મજબુત કોંગ્રેસના હવે ધીમે-ધીમે કાંગરા ખરી રહ્યા છે. તાલુકા અને જિલ્લા પંચાયતની આ ચુંટણીમાં જિલ્લામાં ભાજપ હજી મજબુત બન્યુ છે અને તે પાછળના કારણમાં તેણે આ વખતે એ કરી બતાવ્યુ છે જે પ્રથમ વખત બન્યુ છે. દાહોદ અને ફતેપુરા તાલુકામાં 16 એવી બેઠકો હતી જેની ઉપર આજ સુધી કોંગ્રેસ હારી જ ન હતી અને તે બેઠકોમાં આ વખતે ભાજપ ગાબડુ પાડી જતાં કોંગ્રેસ માટે મનોમંથનનો વિષય બન્યો છે.

દાહોદ જિલ્લા પંચાયતની 50 બેઠકોમાં 43 અને તાલુકા પંચાયતની 238માંથી 198 બેઠકો મેળવીને ભાજપે હોળી પહેલાં જ કેસુડાનો રંગોત્સવ કર્યો છે. ભવ્ય વિજય મળવા સાથે આ વખતે દાહોદ જિલ્લામાં ભાજપ માટે મોટી ખુશીની વાત એ છે કે, તે વર્ષો વરસથી કોંગ્રેસની મજબુત પકડ વાળી 16 બેઠકોને પંજામાંથી મુક્ત કરાવી ત્યાં પ્રથમ વખત કમળ ખીલવ્યુ છે. આ બેઠકોમાં આખા જિલ્લામાં સૌથી ચર્ચિત દાહોદ તાલુકાની ગલાલિયાવાડ જિલ્લા પંચાયત બેઠક છે.જેની ઉપર સુધીરભાઇ લાલપુરવાલાનો વિજય થયો છે.

સખત પરિશ્રમ બાદ નીરજ મેડા ખરોદા જિલ્લા પંચાયત બેઠક અંકે કરવામાં સફળ રહ્યા હતાં. દાહોદના ધારાસભ્યના વતન વણભોરી ગામની તાલુકા પંચાયત બેઠકમાં ભુરીબેન પણદા જીતી ગયા હતાં. આ સાથે ભાઠીવાડાની પણ તાલુકા પંચાયતની બેઠક ઉપર ભાજપ ક્યારેય સફળ થયુ ન હતું. અહીંથી પુનકીબેન મેડા વીજેતા થયા હતાં. આ સિવાય રાછરડા, નવાગામ, ખરેડી,ખરોદા-2, બોરવાણી, વીજાગઢ અને મુવાલિયા તાલુકા પંચાયત બેઠક ભાજપે પ્રથમ વખત અંકે કરી છે. ફતેપુરા તાલુકામાં પણ લખણપુર જિલ્લા પંચાયત સીટમાં પ્રથમ વખત ભાજપે કોંગ્રેસના હાથમાંથી છોડાવી પ્રફુલ ડામોર વીજેતા બન્યા છે. ઉપરાંત મોટીરેલ, વટલી, કરોડિયા અને ઘુઘસ તાલુકા પંચાયત પણ ભાજપ આઝાદી બાદથી પ્રથમ વખત જીતી શક્યુ છે.

સંગઠનની કામગીરીએ પરિણામ પલટાવ્યું
તાલુકા અને જિલ્લા પંચાયતની ચુંટણીમાં પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલની કાર્યપદ્ધતિએ એક અલગ ભાત ઉપસાવી છે. જિલ્લા પ્રભારી અમીત ઠાકર સહિતની સંગઠનની ટીમ દ્વારા પેજ સમિતિથી લઇને બુથ મેનેજમેન્ટની સમગ્ર પદ્ધતિનો જો ઝીંણવટ ભર્યો અભ્યાસ કરવામાં આવે તો પરિણામો માટે જવાબદાર અનેક પરિબળોમાંથી સંગઠનની કામગીરીનું પરિબળ અલગ તારવી શકાય તેમ છે.

પાલિકામાં 13 મુસ્લિમ ઉમેદવારો વિજેતા બન્યા
દાહોદ નગર પાલિકાની સંપન્ન થયેલી ચૂંટણીમાં 13 વ્હોરા અને મુસ્લિમ ઉમેદવારો વિજયી બનવા પામ્યા છે. તા.2 માર્ચે જાહેર થયેલ પરિણામમાં કુલ મળીને 13 મુસ્લિમો વિજેતા નિવડ્યા છે. આ વખતે વોર્ડ નં.8 માં 4, વોર્ડ નં.6 માં 3, વોર્ડ નં.1 અને 3 માં 2-2 અને વોર્ડ નં.2 અને 5 માં 1-1 મુસ્લિમ ઉમેદવારો વિજયી બન્યા છે. જે પૈકી 10 ભાજપ પક્ષે અને 3 કોંગ્રેસ પક્ષે વિજયી બન્યા છે. જોગાનુજોગ પાલિકાની 2015 થી 2020 ની ગત ટર્મમાં ભાજપના 22 અને કોંગ્રેસના 13 અને 1 અપક્ષ મળી કુલ 36 પૈકી દાઉદી વ્હોરા, મુસ્લિમ અને ઘાંચી‌ સમાજના કુલ મળીને 13 ઉમેદવારો વિજયી બન્યા હતા.

દાહોદ પાલિકાની ચૂંટણીમાં 1,60,197 મત પડ્યા દાહોદ નગર પાલિકાની 9 વોર્ડની 36 બેઠકો માટેની ચૂંટણીમાં કુલ મળીને 1,60,197 મત પડ્યા હતા. પ્રત્યેક 9 વોર્ડના સરેરાશ 10,000 જેટલા મતદારો દ્વારા પ્રત્યેક વોર્ડમાં 4-4 વોટ મુજબ વોટ આપતા મતદારો દ્વારા ચૂંટણીમાં કુલ મળીને 1,60,197 મત પડ્યા હતા.જ પૈકી દાહોદમાં પ્રથમ પાંચ ક્રમે મત મેળવનારાઓમાં સૌથી વધુ મત વોર્ડ નં.1 ના લખનભાઇ રાજગોરને 3371, વોર્ડ નં.6 ના એહમદ ચાંદને 3113, અસવતબેન દલાલને 2962, ફાતેમા કપૂરને 2926 અને ગોપી દેસાઈને 2913 મત મળ્યા હતા. તો તમામ 36 નગરસેવકોમાં ઓછા મત મેળવનારા પાંચ વિજેતાઓમાં સંતોષબેન ખંડેલવાલ 1700, માસુમા ગરબાડાવાલા 1723, જોગેશ સંગાડિયા 1736, હંસાબેન મોહનિયા 1841 અને ચંદ્રકાન્તાબેન ધાનકા 1868 મત મેળવી વિજેતા બન્યા હતા. તો સૌથી ઓછા મતે હારનાર પ્રથમ પાંચ વ્યક્તિમાં ભાજપના વીણાબેન પલાસ કોંગ્રેસના લક્ષ્મીબેન ભાટની સામે માત્ર 157 મતે, ભાજપના કિંચિત દેસાઈ કોંગ્રેસના ઇસ્તિયાકઅલી સૈયદની સામે 185 મતે, ભાજપના પ્રીતિબેન સોલંકી કોંગ્રેસના તસ્નીમબેન નલાવાલાની સામે 218 મતે, અપક્ષ તેજસ(રૂપલ) શુક્લ, ભાજપના નૃપેન્દ્ર દોશીની સામે 343 મતે અને અપક્ષ અરવિંદ ચોપડા, ભાજપના તુલસી જેઠવાણીની સામે 501 મતે પરાજિત થયા હતા.આમ, કોંગ્રેસના 3 ઉમેદવારો ખુબ પાતળી સરસાઈથી વિજેતા બન્યા હતા.

એક પૂર્વ નગર પ્રમુખ અને 4 પૂર્વ પ્રમુખોના પરિવારજનો વિજેતા થયા હતા
તાજેતરમાં સંપન્ન થયેલ દાહોદ પાલિકાની ચૂંટણીમાં એક પૂર્વ નગર પ્રમુખે અને અન્ય 4 પૂર્વ નગર પ્રમુખોના પરિવારજનોએ ઝંપલાવ્યું હતું. પૂર્વ નગર પ્રમુખ રાજેશ સહેતાઈએ પોતે, પૂર્વ નગર પ્રમુખ નલિનકાન્ત મોઢીયાની દીકરી શ્રદ્ધાબેન ભડંગ, પૂર્વ નગર પ્રમુખ ગોપાલભાઈ ધાનકાના પત્ની ચંદ્રકાન્તાબેન ધાનકા, પૂર્વ નગર પ્રમુખ રાજુભાઈ પરમારના પુત્રવધુ કિંજલબેન પરમારે ભાજપમાંથી અને પૂર્વ નગર પ્રમુખ વિરલભાઈ દેસાઈના દીકરા સ્વપ્નિલ દેસાઈએ પણ ટિકિટ ન મળતા અપક્ષ ઝંપલાવ્યું હતું. તે સિવાય પક્ષમાં હોદ્દા સાંભળતા અનેક લોકો કે તેમના પરિવારજનોને પણ ટિકિટ ફાળવાઈ હતી. ચૂંટણી પૂર્વે દાહોદમાં આ ખુબ ચર્ચાનો મુદ્દો બન્યો હતો.જો કે તે પૈકીના ભાજપ પક્ષે ઝંપલાવેલા તમામ 4 ઉમેદવારોને વિજય મળ્યો હતો જયારે કે એક પૂર્વ નગરપ્રમુખના અપક્ષ તરીકે ઉભેલા પુત્રને પરાજયનો સામનો કરવો પડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: