ચાલકે ફોન રિસીવ કર્યો ને છકડો તળાવમાં પડતાં નવજાત સહિત ત્રણ બાળકનાં મોત

દાહોદ39 મિનિટ પહેલા

  • કૉપી લિંક

10 કલાક પૂર્વે જન્મેલા બાળકના મોતથી ગમગીની

  • દાહોદના રેંટિયા PHCથી પ્રસૂતાને લઈ ચોસાલા જતી વેળા ડોકીમાં કરુણાંતિકા સર્જાઇ
  • છકડામાં સવાર પ્રસૂતા સહિત 3 મહિલાઓનો બચાવ, ચાલક ફરાર

દાહોદના રેંટિયા પીએચસી ખાતેથી પ્રસૂતાને ડિલિવરી બાદ રિક્શામાં ચોસાલા લઇ જતી વખતે મોબાઇલમાં વાત કરવામાં વ્યસ્ત ચાલકથી ટર્ન નહીં કપાતાં છકડો 30 ફૂટ નીચે ગબડીને તળાવમાં પડ્યો હતો. અકસ્માતમાં 10 કલાક પહેલાં જ જન્મેલા શિશુ સહિત 3 બાળકો ડૂબી જતાં મોતને ભેટ્યાં હતાં. જ્યારે પ્રસૂતા સહિત 3 મહિલાઓને સ્થાનિકોએ બચાવી લીધી હતી.

દાહોદ તાલુકાના મોટી ખરજ ગામના બાંડી ફળિયામાં પરણાવેલી રંગીબેન માવી ચોસાલા ખાતે પિયરમાં પ્રસૂતિ માટે આવી હતી. સાંજે તેને પ્રસૂતિની પીડા ઊપડતાં રેંટિયાના પીએચસીમાં લઇ જવાઇ હતી. રાતના 12 વાગ્યાના અરસામાં તેણે પુત્રને જન્મ આપતાં પરિવારમાં ખુશી ફેલાઇ ગઇ હતી. પરોઢે રંગીબેનને રજા અપાતાં તેને ઘરે લાવવા માટે જીજે-06-ઝેડઝેડ-9214 નંબરનો છકડો ભાડે કરાયો હતો. છકડામાં રંગીબેન, તેમનું નવજાત શિશુ, રંગીબેનની માતા શેતાનીબેન બારિયા અને ચોસાલામાં જ ફળિયામાં રહેતી વેસ્તીબેન બારિયા સાથે રંગીબેનની 5 વર્ષિય પુત્રી પ્રિયંકા, રંગીબેનની 4 વર્ષિય ભત્રીજી આર્યા ઘરે આવી રહ્યાં હતાં.

દરમિયાન ડોકી ગામમાં છકડાના ચાલકને ફોન આવતાં તેણે રિસીવ કર્યો હતો. ફોનમાં ધ્યાન હોવાથી વળાંક તેનાથી કપાયો ન હતો. જેથી છકડો 30 ફૂટ નીચે જઇ ડોકી ગામના તળાવમાં પડ્યો હતો. અકસ્માતમાં રંગીબેન, શેતાનીબેન અને વેસ્તીબેન સામાન્ય ઇજા બાદ બચી ગયાં હતાં, જ્યારે 10 જ કલાક પહેલાં જ જન્મેલું નવજાત શિશુ, પ્રિયંકા અને આર્યાનું પાણીમાં ડૂબી જતાં મોત થઇ ગયું હતું. છકડાનો ચાલક નાસી છૂટ્યો હતો. આ બનાવ અંગે લાલુભાઇ બારિયાની ફરિયાદના આધારે દાહોદ તાલુકા પોલીસે માર્ગ અકસ્માતનો ગુનો દાખલ કર્યો હતો.

ઇજાગ્રસ્ત મહિલાઓને સારવાર માટે ખસેડાઈ
છકડો તળાવમાં પડ્યો હોવાની જાણ થતાં સ્થાનિકો ધસી ગયા હતા. પાણીમાં કૂદીને તેમણે ત્રણે મહિલાને 108 દ્વારા દવાખાને ખસેડી હતી. ફાયરબ્રિગેડના જવાનો પણ પહોંચી જતાં તેમણે શોધખોળ કરીને ત્રણે બાળકોના મૃતદેહ બહાર કાઢ્યા હતા.

પ્રસૂતાએ બંને સંતાન ગુમાવતાં ગમગીની
રંગીબેનને સંતાન પ્રિયંકા નામે દીકરી હતી. બીજી વખતની પ્રસૂતિમાં પુત્રનો જન્મ થતાં પરિવારની ખુશીનો પાર ન હતો. જોકે આ માર્ગ અકસ્માતમાં તેમણે બંને સંતાનો ગુમાવતાં ભારે શોકની લાગણી ફેલાઇ ગઇ હતી.


Related News

Comments are Closed

%d bloggers like this: