ઘોર બેદરકારી: દાહોદમાં કોરોના રસીકરણના કેમ્પમાં જ કોરોના ગાઇડલાઇનના ધજાગરા ઉડ્યા

દાહોદ2 કલાક પહેલા

  • રસી લેવા ટોળા ઉમટી પડતા સોશિયલ ડિસ્ટન્સ સદંતર ભુલાયુ

દાહોદમાં આજરોજ નગરપાલિકાના કાઉન્સીલર દ્વારા ગોદી રોડ પર કોરોના રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં લોકોની ભારે ભીડ ઉમટી પડી હતી. અને જેને પગલે સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડતાં પણ જોવા મળ્યાં હતાં. સરેઆમ કોરોનાના નિયમો નેવે મુકાયા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતાં.

શહેરવાસીઓ જાણે કોરાનાને લઈ ફરી નિશ્ચિંત બન્યા
દાહોદ શહેર સહિત જિલ્લામાં છેલ્લા કેટલાંક દિવસોથી કોરોનાના કેસોમાં ઘરખમ ઘટાડો નોંધાયો છે. કોરોનાની બીજી લહેરે દાહોદ જિલ્લાને પણ ભરડામાં લીધો હતો. માર્ચ અને એપ્રિલ એમ બે માસ દરમિયાન કોરોનાએ હાહાકાર મચાવી મુક્યો હતો. કોરોનાથી મૃત્યુઆંક પણ આ વખતે વધ્યો હતો. અને જિલ્લા વહીવટી તંત્રના અથાગ પરિશ્રમ અને સેવાઓને કારણે છેલ્લા કેટલાંક દિવસોથી કોરોનાના કેસોમાં ઘરખમ ઘટાડો નોંધાઈ રહ્યો છે. બીજી તરફ જાહેર જનતાનો પણ એટલો જ તંત્રને સાથ અને સહકાર પણ રહ્યો છે. ત્યારે હવે કોરોનાના કેસો ઘટતાં શહેરવાસીઓ જાણે કોરાનાને લઈ ફરી નિશ્ચિંત બની રહ્યાં હોય તેમ પ્રતિત થઈ રહ્યું છે.

ક્યાંકને ક્યાંક વ્યસ્થાનો અભાવ પણ જોવા મળ્યો
દાહોદ શહેરના ગોદી રોડ ખાતે અગ્રસેન ભવન ખાતે આજરોજ પાલિકાના કાઉન્સીલર દ્વારા રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. દરેક વોર્ડ પ્રમાણે પાલિકાના કાઉન્સીલર આવા રસીકરણના કેમ્પ યોજે છે. પરંતુ તેની સામે તકેદારી પણ રાખવી એટલી જ જરૂરી છે. આ કેમ્પ જેવો શરૂ થયો તેવો લોકોની રસી લેવા ભારે ભીડ જામવા લાગી. સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો. કોરોનાના નિયમો લોકો ભુલ્યાં હતાં. કોરોનાની રસી લેવા લાંબી લાઈનોમાં વિસ્તારના લોકો ઉમટવા મંડ્યા હતા. ત્યારે આ સમગ્ર દ્રશ્યોને જોઈ ક્યાંકને ક્યાંક વ્યસ્થાનો અભાવ પણ જોવા મળ્યો હતો.

કોરોનાની ત્રીજી વેવના એધાણો પણ વર્તાઈ રહ્યાં છે
રસીકરણના કેમ્પમાં સુચારૂ આયોજન પણ અત્યંત મહત્વનું છે. કોરોના કાળમાં સરકારના નિયમોનું પાલન થાય અને કોરોના સંક્રમણને ઘટાડવાનો પ્રયાસો થાય તે જરૂરી છે. સરકારના કોવિડના નિયમોને આધિન જ રસીકરણના કેમ્પો યોજાય તે પણ જરૂરી છે. કારણ કે, કોરોના હજુ ગયો નથી. માત્ર કોરોનાની પકડ ઢીલી પડી છે. કોરોનાની ત્રીજી વેવના એધાણો પણ વર્તાઈ રહ્યાં છે. ત્યારે કોરોના સંક્રમણ મામલે શહેર સહિત જિલ્લાવાસીઓ કાચુ ન કાપી તકેદારીનું સંપૂર્ણ પાલન કરે તે અત્યંત આવશ્યક છે. કોરોના સામે જંગ હાલ પણ જારી જ છે. ત્યારે આજના આ યોજાયેલા કેમ્પને પગલે શહેર સહિત જીલ્લામાં અનેક ચર્ચાઓ જોર પકડ્યું છે.

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: