ગુજરાત રાજય મહિલા આયોગ અને જિલ્લા વહીવટી તંત્ર દાહોદના સંયુક્ત ઉપક્રમે દાહોદમાં યોજાયો નારી સંમેલન કાર્યક્રમ

મહિલાઓને નારી અદાલતની સમજ તેમજ મહિલા સશક્તિકરણ અને મહિલા વિષયક યોજનાઓની જાણકારી આપવાના હેતુસર પંડિત દીનદયાલ ઓડીટોરીયમ, દાહોદ ખાતે નારી સંમેલન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ ગુજરાત રાજય મહિલા આયોગ અને જિલ્લા વહીવટી તંત્ર, દાહોદના સયુકત ઉપક્રમે યોજાયો હતો. કાર્યક્રમ દાહોદના જિલ્લા વિકાસ અધિકારી આર.કે. પટેલની પ્રેરક ઉપસ્થિતમાં યોજાયો હતો.
કાર્યક્રમની શરૂઆત મહિલાઓને લગતા અનેક પ્રશ્નો બાબતે જાગ્રત્તિ લાવવા ભવાઇ દ્વારા કરવામાં આવી હતી. ત્યાર બાદ આંગણવાડી મહિલાઓએ અંધશ્રધ્ધા બાબતે એક નાટક રજુ કર્યુ હતુ. દહેજ પ્રતિબંધક અધિકારી પટેલ સાહેબએ ઘરેલુ હિંસા સામે રક્ષણ અધિનિયમ ૨૦૦૫, મહિલા સહાયતા કેન્દ્ર વગેરે વિશે માહિતી આપી હતી. નાયબ જિલ્લા વિકાસ અધિકારી તથા I.C.D.S. પ્રોગામ ઓફીસર શ્રીમતી એન.પી. પાટડીયાએ મહિલાઓ વિશેની વિવિધ યોજનાઓનો સંદેશો આંતરિયાળ ગ્રામ્ય વિસ્તાર સુધી પહોંચાડવાની વાત કરી હતી. નારી અદાલતના સાધનાબેને નારી અદાલત તથા તેની કામગીરી બાબતે માહિતી આપી હતી. મહિલા અને બાળવિકાસના ઉપસચિવ પટેલ સાહેબે નારી અદાલતનું માધ્યમ કોર્ટ કચેરીથી દૂર રહીને વાતચીત સમાધાન દ્વારા કેસનો નિકાલ કરવા તથા ગામડાની છેવાડાની મહિલા પોતાના હકો અને હિતો પ્રત્યે સભાન બને તે હોવાનું જણાવ્યુ હતું. જિલ્લા વિકાસ અધિકારી આર.કે. પટેલે પ્રાંસગિક ઉદબોધન કર્યુ હતું. તેમણે જણાવ્યું હતુ કે ૭૫% માતૃમરણનું કારણ ગર્ભાવસ્થાના છેલ્લા સમયમાં સ્થળાંતર હોવાનું જણાવ્યું હતું. તેમણે સ્ત્રીશિક્ષણ અને સશક્તિકરણ વિશે ચર્ચા કરી હતી. તેમણે નાટકમાં ભાગ લેનાર મહિલાઓને ઇનામ પણ આપ્યા હતા.
કાર્યક્રમમાં મહિલા અને બાળવિકાસના ઉપસચિવ પટેલ સાહેબ તથા જૈન સાહેબ તથા વિવિધ વિભાગોના અધિકારીઓ તથા જિલ્લા તાલુકા પંચાયતની સભ્ય મહિલાઓ તથા આંગણવાડી કાર્યકતા બહેનો વગેરે ઉપસ્થિત રહયા હતા.


Related News

Comments are Closed

%d bloggers like this: