કોરોના સામે જીત: 35 દિવસ બાયપેપ ઉપર રહી 84 વર્ષીય વૃદ્ધે કોરોનાને પરાજિત કર્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ5 મિનિટ પહેલાલેખક: સચિન દેસાઈ

  • કૉપી લિંક
દાહોદના દાઉદી વ્હોરા સમાજના વૃદ્ધ કોરોનાની મહામારીની લાંબી ‌સારવાર બાદ ઘરે પરત આવતા સ્વજનો ખુશ થઈ ગયા છે. - Divya Bhaskar

દાહોદના દાઉદી વ્હોરા સમાજના વૃદ્ધ કોરોનાની મહામારીની લાંબી ‌સારવાર બાદ ઘરે પરત આવતા સ્વજનો ખુશ થઈ ગયા છે.

  • કથળેલી હાલતમાં દાહોદ ઝાયડસ બાદ વડોદરા ખસેડાયા હતા

દાહોદના 84 વર્ષીય વૃદ્ધ કોરોનામાં સર્જાયેલી ગંભીર પરિસ્થિતિ બાદ પણ જીવવાની જીજીવિષા થકી 35 દિવસે મહામારીને માત આપીને ઘરે હેમખેમ પરત આવ્યા છે. દાહોદના ગોદીરોડ સ્થિત હકીમી સોસાયટીમાં રહેતા 84 વર્ષીય ફકરૂદ્દીન અબ્દેઅલી ગાંગરડીવાલાને ડિસેમ્બરના છેલ્લા સપ્તાહમાં બે-ત્રણ દિવસ શારીરિક અસ્વસ્થતા સાથે તાવ જણાતા રીક્ષા ન મળતા ઘરેથી બહાર પુલ સુધી વૃદ્ધ પત્નીના સહારે લાવી તેમને દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં લઈ જવાયા બાદ સ્વજનોને જાણ કરી. જ્યાં તેમની ઉંમર અને ગંભીર ‌હાલત જોતાં તબીબોએ તેમના રિપોર્ટ કાજે સેમ્પલ લઈને તેમને દાખલ કરી દીધા હતા.

દરમ્યાનમાં તા.27 ડિસેમ્બરે તેમને કોરોના પોઝિટિવ હોવાનું નિદાન થયું હતું. આ સમયે તેમના બે પુત્રો પૈકી એક મસ્કત અને બીજો પુત્ર દુબઈ ખાતે હોઈ તેમના લઘુબંધુ નજમુદ્દીન ગાંગરડીવાલાએ ડો.નીનામાને, પોતાના ભાઈની હાલતની પૃચ્છા સાથે તેમને યોગ્ય સારવાર આપવા જણાવ્યું હતું. પરંતુ, વૃદ્ધાવસ્થાની સાથે દર્દીને ડાયાબિટીસ, બ્લડપ્રેશર વગેરે વ્યાધિઓ હોઈ પરિસ્થિતિ કથળતા ઓકસિજન અને બાદમાં બાયપેપ મશીન ઉપર ખસેડવાની નોબત આવી હતી. દરમ્યાનમાં તેમના બંને પુત્રો પણ દાહોદ આવી ચુક્યા હતા.

તેવામાં વડીલની હાલત વધુ ગંભીર બનતા હોસ્પિટલ તરફથી સ્વજનોને જાણ કરાતાં 13 દિવસ દાહોદની ઝાયડસ હોસ્પિટલની સારવાર બાદ ફેફસામાં 95 % ઈન્ફેકશન સાથે કીડનીમાં સર્જાયેલ તકલીફથી શરીરે સોજો કે પેશાબની તકલીફમાં સુધારો ન આવતા તા.9.1.’21 ના રોજ વડોદરાથી બાયપેપવાળી એમ્બ્યુલન્સ મંગાવી તેમને ભાઈલાલ અમીન હોસ્પિટલમાં ખસેડ્યાં હતા. ત્યાં તા.9 થી 22 જાન્યુઆરી સુધી બાયપેપ અને બાદમાં સુધારો જણાતા 22 થી 27 જાન્યુ.‌સુધી ઓક્સિજન અને 27 થી 30 જાન્યુ. સુધી સામાન્ય ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા હતા. અંતે લગભગ રૂ.12 લાખ જેટલા ખર્ચ થયા બાદ રજા પામ્યા બાદ હવે દાહોદ સ્થિત પોતાના ઘરે હેમખેમ પરત આવતા જેમની છેક અંત ઘડી ગણાતી હતી તેવા વૃદ્ધ હેમખેમ પરત આવતા સહુ સ્વજનોને સ્વાભાવિક ધરપત થઈ છે.

કથળેલી હાલતમાં હોસ્પિટલ લવાયા હતા
સાવ કથળેલી હાલતમાં ઝાયડસ હોસ્પિટલમાં લવાયા બાદ ફકરૂદ્દીનભાઈને બાયપેપ વેન્ટિલેટર સહિતની સઘન સારવાર અપાઈ. તેમ છતાં ફેફસામાં 95% ઇન્ફેક્શનના કારણે તબિયતમાં જોઈએ તેટલો સુધારો ન આવતા સ્વજનો વડોદરાની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયેલા. તેઓ લાંબી સારવાર બાદ સલામત રીતે દાહોદ પરત ફર્યા છે તે જાણી ખુબ ખુશી થઈ છે.>ડો. કમલેશ નીનામા, નોડલ ઓફિસર- ફિઝિશિયન

વડીલને જીવવાની જીજીવિષા જન્મી
પરિસ્થિતિ ગંભીર‌ બનતા તેમના પુત્રે તેમને વિડીયો કોલથી વાત કરતા કહ્યું કે, આપણા સમાજમાં દીકરીનો હાથ જમાઈના હાથમાં મુકાય ત્યારે આમીલસાહેબને હાથજોડની વિધિ શક્ય હોય ત્યાં સુધી દાદા જ કરે તેવો રિવાજ છે તો મારી દીકરીના લગ્ન થાય ત્યારે આ વિધિ કોણ કરશે? અને એ રીતે દાહોદના તબીબોની હૂંફસભર સારવાર સાથે વડીલને સ્વજનો તરફથી પણ જીવવાના કારણ સાથે હિંમત મળતા જીવવાની જીજીવિષા જન્મી હતી.


Related News

Comments are Closed

%d bloggers like this: