કોરોના ત્રાટક્યો: દાહોદમાં માર્ચના 15 જ દિ’માં કોરોનાના 49 કેસ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક
  • ફેબ્રુઆરીમાં 25 કેસ હતા : જિલ્લામાં કોરોનાએ પુન: માથું ઉંચકતાં કોવિડ કેસ સેન્ટર પણ ફરી શરૂ

દાહોદ જિલ્લામાં એકાદ મહિનાથી કોરોના દરરોજ આવતા માંડ એક, બે કે શૂન્ય કેસની સામે સ્થાનિક ચૂંટણી પત્યા પછી આંકડામાં સતત વૃદ્ધિ નોંધાઇ છે. આથી દાહોદમાં સરકારી કોવિડ કેર સેન્ટર સોમવારથી શરૂ કરવાનાે નિર્ણય લેવાયો છે. હાલ કોરોનાની સારવાર કરતી તમામ હોસ્પિટલો સંક્રમિતોથી ઉભરાતી થઈ હોવાની માહિતી મળી છે.

દાહોદ જિલ્લામાં નવેમ્બરમાં 403 અને ડિસેમ્બરમાં 435 કોરોના સંક્રમિતો નોંધાયા હતા. બાદમાં સ્થાનિક ચૂંટણીની જાહેરાત થવા‌ સાથે લગ્નગાળો અને તહેવારોની શ્રૃંખલા પૂરબહારમાં ચાલી હતી. દરમ્યાન 16 જાન્યુઆરી 2021થી રસીકરણ આરંભાતા કેસની સંખ્યા જાદુઈ રીતે જ ધરખમ ઘટવા લાગી હતી. અને આખા જાન્યુઆરીમાં, ડિસેમ્બર કરતાં લગભગ ત્રણ ગણા ઓછાં 157 જ કેસ નોંધાવા પામ્યા. આ જ ઉપક્રમ આગળ વધતા ફેબ્રુઆરીમાં તો દાહોદ જિલ્લામાં પ્રતિ દિવસ દીઠ એક કરતાં ઓછા એટલે કે આખા માસમાં કુલ માત્ર 25 જ કેસ નોંધાયા. પરંતુ માર્ચ માસમાં કોરોનાના સરકારી અને ખાનગી આંકડા પુન: વધવા લાગ્યા. માર્ચના પ્રથમ 15 દિવસમાં જ દાહોદમાં નવા 49 કેસ નોંધાઈ ચુક્યા છે.

દાહોદમાં કોરોનાનો બીજો સ્પેલ આવતા અનેક લોકો અસરગ્રસ્ત બન્યા છે. હાલમાં ભલે સરકારી ચોપડે કોરોનાના કેસ નહીંવત નોંધાય છે પરંતુ, દાહોદની ખાનગી હોસ્પિટલોમાં હજુય લોકો ખાનગી ટેસ્ટ કરાવી સારવાર લેતા હોય તેવા દર્દીઓનું પ્રમાણ મોટું હોવાની માહિતી છે. દાહોદમાં હાલમાં સરકારી ઝાયડસ હોસ્પિટલમાં આઈસીયુ સહિતના સામાન્ય વોર્ડ કોરોનાના કે શંકાસ્પદ દર્દીઓથી ઉભરાઈ રહ્યા છે. સંક્રમિતોની સંખ્યા વધતા તંત્ર દ્વારા દાહોદ પોલીટેકનીક કોલેજ ખાતે અગાઉ ચાલતા અને બાદમાં બંધ કરી દેવાયેલા કોવિડ કેર સેન્ટરનો પણ સોમવારથી પુન: આરંભ કરવાનો નિર્ણય લેવાયો છે.

તંત્રની આંખ આડા કાનની નીતિ પણ મહદ અંશે કોરોના કેસો ‌વધવામાં કારણભૂત બની
દાહોદ જિલ્લામાં ગત માસમાં તંત્ર દ્વારા વિવિધ છૂટછાટો આપવામાં આવતા હવે લોકો ખુબ બિન્ધાસ્ત બનવા‌ સાથે માસ્ક કે સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોના પાલન બાબતે પણ પ્રમાણમાં બિન્ધાસ્ત બન્યા છે. જિલ્લા કે તાલુકા પંચાયતો કે પાલિકાની ચૂંટણીના સમયે પણ શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં લોકટોળા ઉમટવા‌ સાથે વિવિધ સ્તરીય ચૂંટણી બેઠકો, જે તે ઉમેદવારો જીત્યા બાદના વિજય સરઘસો કે વિવિધ સામાજિક અવસરો છૂટથી યોજવામાં આવ્યા હતા. આથી કોરોનાના ઘટેલા કેસોમાં ફરી ઉછાળો આવતા સામાન્ય નાગરિકો ચિંતામાં ગરકાવ બન્યા છે.

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: