કડક સુરક્ષા: દાહોદ પોલીસના સહાયતા કેન્દ્રો હાઇવે લૂંટને ડામવામાં સફળ, વર્ષ 2020માં લૂંટધાડને એક પણ ઘટના ના બની

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • ઇંદોર હાઇવે ઉપર બનાવાયેલા પોલીસ સહાયતા કેન્દ્રો અને સતત પેટ્રોલિંગને પરિણામે સફળતા મળી

કાળી અંધારી રાતમાં જો તમે ગોધરા તરફથી ઇન્દોર હાઇવે ઉપર થઇ દાહોદ આવતા હો અને ભથવાડા ટોલપ્લાઝા પાસે કોઇ પોલીસ જવાન તમારી પાસે આવીને કહે કે અમે કહીએ પછી આગળ જજો. પોલીસની આ સૂચના ચિંતાનું કોઇ કારણ નથી પણ, દાહોદ જિલ્લાના પોલીસ દ્વારા હાઇવે સુરક્ષા માટે શરૂ કરવામાં આવેલા અભિયાનનો એક ભાગ છે. દાહોદ પોલીસના સહાયતા કેન્દ્રોને પરિણામે હાઇવે પર લૂંટની ઘટના બનવાનું અટકી ગયું છે.

ઇંદોર હાઇવે ઉપર બનેલી લૂંટ અને ધાડની ઘટનાની છાનબીન કરતા દાહોદ પોલીસને કેટલીક બાબતો ધ્યાને આવી. ભથવાડા ટોલ પ્લાઝાથી વડોદરા કે અમદાવાદ તરફના કોઇ એક સ્થળેથી જ લૂંટારૂઓ પોતાના શિકારને પસંદ કરતા હતા. વાહન કોઇ સ્થળે રોકાઇ એટલે તેમાં રહેલા મુસાફરો પાસેથી કેટલો દલ્લો મળે એમ છે ? એનો અંદાજ કાઢવામાં આવે અને ભથવાડા ટોલ પ્લાઝાથી આગળ વાહન આવે એટલે લૂંટારૂઓ તેમાં પંચર પાડી દેતા. વાહન રોકાઇ એટલે લૂંટારૂ ટોળકી આવી વાહનમાં રહેલા પ્રવાસીઓને માર મારી લૂંટી હાઇવેની બન્ને બાજુના જંગલના અંધારામાં ઓગળી જતાં હતા.

હવેની વાત છે રસપ્રદ છે. હાઇવે ઉપર પ્રવાસીઓને ભરી પીવા ગોધરા રેંજના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી મનોજ શશિધરન અને દાહોદ જિલ્લા પોલીસ અધીક્ષક શ્રી હિતેશ જોયસરે એક પ્લાન બનાવ્યો અને શરૂ થયા રાજ્યમાં અન્ય કોઇ જિલ્લામાં ન હોય એવા પોલીસ સહાયતા કેન્દ્રો ! જેને વર્તમાન નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી એમ. એસ. ભરાડાએ પણ પોતાના અનુભવોને આધારે વૈચારિક બળ પૂરૂ પાડ્યું અને હાઇવે રોબરીને ડામવા માટે દાહોદ પોલીસના આ અભિયાનને વધુ સઘન બનાવ્યું હતું.

શું છે પોલીસ સહાયતા કેન્દ્રો?
સંતરોડથી મધ્યપ્રદેશના માછલિયાઘાટ સુધી ઇંદોર હાઇવેની લંબાઇ 120 કિલો મિટર છે. તેમાં ગુજરાતમાંથી પસાર થતાં હાઇવે ઉપર તમને નિયત અંતરે દાહોદ જિલ્લા પોલીસના પોલીસ સહાયતા કેન્દ્રો જોવા મળે. અહીં 24 કલાક પોલીસની હાજરી રહે છે. આ પ્રોજેક્ટમાં લીમખેડાના નાયબ પોલીસ અધીક્ષક ડો. કાનન દેસાઇ પણ પહેલેથી જ જોડાયેલા છે. ડો. દેસાઇ બે વખત હાઇવે રોબર્સનો આમનોસામનો કરી ચૂક્યા છે. પણ, લૂંટારૂને નાસી જવામાં અંધારાનો લાભ મળતો હતો.

તે કહે, અમે સૌ પ્રથમ ઇંદોર હાઇવે ઉપર બનેલી લૂંટધાડની ગુનાના હોટસ્પોટ શોધવાનું નક્કી કર્યું. અહી ફરજ બજાવી ચૂકેલા કેટલાક પૂર્વ પોલીસ અધિકારીઓ પાસેથી વિગતો જાણી. ભૂતકાળના બનાવોના સ્થળોની ભૌગોલિક સ્થિતિ સારી રીતે સમજી. લૂંટારૂને ભાગમાં સરળતા રહે, અંધારૂ રહેતું હોય એવું સ્થળ અને સમયસંજોગોને જાણ્યા. પછી શરૂ કર્યા પોલીસ સહાયતા કેન્દ્રો. દાહોદ જિલ્લાની હદમાંથી પસાર થતાં ઇંદોર હાઇવેની લંબાઇ અંદાજે 60 કિલોમિટર જેટલી છે. જેમાંથી ભથવાડાથી લઇ છેક દાહોદ તાલુકાની હદ સુધી લીમખેડા પોલીસ સબડિવીઝનમાં 18 કિલોમિટર રોડ આવે છે.

9 પોલીસ સહાયતા કેન્દ્રો બનાવવાની સાથે એક કામ એવું પણ કરવામાં આવ્યું કે, હાઇવેના ડિવાઇડર અને બન્ને બાજુએ રહેલી ઝાડીને ટ્રિમિંગ કરવામાં આવી. નેશનલ હાઇવે ઓથોરિટીને પણ સ્થાયી સૂચના આપવામાં આવી કે આ ઝાડીને સમયાંતરે ટ્રિમિંગ કરવામાં આવે. કારણ કે, લૂંટારૂઓ આ ઝાડીમાં છૂપાઇને બેસતા હતા. હવે તમે જોઇ શકો છો કે, ડિવાઇડની ઝાડી એટલી નાની રાખવામાં આવે છે કે તેમાં કોઇ વ્યક્તિ છૂપાઇને બેઠો હોય તો દૂરથી પણ સરળતાથી ખબર પડી જાય છે.

સામાન્ય રીતે ગુજરાત પોલીસની નાઇટ ડ્યુટી રાત્રીના 10-11 વાગ્યાથી શરૂ થાય છે. પણ, દાહોદ પોલીસમાં રાત્રીફરજ દિવસ આથમવાની સાથે જ શરૂ થઇ જાય છે. પોલીસ સહાયતા કેન્દ્રો સાથે 90 જવાનો જોડાય છે. એક શિફ્ટમાં ઓછામાં ઓછા ચાર જવાનો પોલીસ સહાયતા કેન્દ્રો ઉપર રહે છે. આ માટે પોલીસ દ્વારા એક ખાસ હેલ્પલાઇન નંબર પણ કાર્યરત છે. મોબાઇલ નંબર 8780390397 ઉપર ફોન કરવાથી તુરંત સહાય મળે છે. હાઇવે ઉપરના ડિવાઇડરમાં ક્રોસિંગ પણ એ રીતે રાખવામાં આવ્યા છે કે, એક વાહન એક તરફથી નીકળે એટલે બીજી તરફ પાંચથી સાત મિનિટમાં પહોંચી જાય. મધ્યરાત્રીમાં ભથવાડા ટોલ પ્લાઝા ઉપર વાહનો રોકી ચારપાંચ વાહનો ભેગા થાય પછી બધાને એક સાથે કોન્વોય કરી રવાના કરવામાં આવે છે. હાઇવે ઉપર પેટ્રોલિંગ કરવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પોલીસને 10 બાઇક ફાળવવામાં આવ્યા છે.

પોલીસ સહાયતા કેન્દ્રની દાહોદ પોલીસની મહેનત રંગ લાવી. એસપી શ્રી હિતેશ જોયસર કહે છે હાઇવે ઉપર વર્ષ 2016માં ધાડનો એક ગુનો, 2017માં લૂંટના ચાર અને ધાડના ચાર, 2018માં લૂંટનો એક અને ધાડના 4, 2019માં લૂંટના બે અને ધાડનો એક ગુનો બન્યો હતો. પણ, હવે 2020માં હાઇવે ઉપર લૂંટધાડનો એક પણ બનાવ નોંધાયો નથી. લોકડાઉન દરમિયાન પોલીસને એવી આશંકા હતી કે હાઇવે રોબરીના બનાવો બનશે, પણ સતત પેટ્રોલિંગના કારણે કોઇ અનિચ્છનીય ઘટના બની નહીં. આમ, હાઇવે રોબરીને રોકવામાં દાહોદ પોલીસનો પોલીસ સહાયતા કેન્દ્રનો પ્રયત્ન સફળ રહ્યો છે.






Related News

Comments are Closed

%d bloggers like this: