ઉજવણી: કોરોનાના કારણે દાહોદમાં ઉતરાયણ પર્વની ઉજવણી પ્રમાણમાં નિરસ રહી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક

મકરસંક્રાંતિના પર્વે સવારથી જ દાહોદમાં સરસ મજાનો પવન હોઈ પતંગ રસિયાઓને બખ્ખા પડી ગયા હતા. જો કે કોરોના સંક્રમણના ભયને લઈને ધાબાઓ ઉપર વધુ માણસો એકઠા નથી થવાની અને માઈક નહીં વગાડવાની ગાઈડલાઇનના લીધે પતંગોત્સવ ગત વર્ષો કરતા પ્રમાણમાં ફિક્કો બનવા પામ્યો હતો. સામાન્ય રીતે દર વર્ષે આ પર્વના એક અઠવાડિયા અગાઉથી શહેરની બજારોમાં પતંગ-દોર અને ઉત્તરાયણ જન્ય અન્ય ચીજવસ્તુઓ વેચતી હાટડીઓના પ્રમાણમાં પણ આ વર્ષે 50% થી વધુ ઘટાડો નોંધાયો છે. વળી, ગત વર્ષ કરતા આ વર્ષે દોર અને પતંગના ભાવમાં અસહ્ય વૃદ્ધિ જોવા મળી હતી. તેમ છતાં પણ પતંગબાજીનો અનન્ય શોખ ધરાવતા યુવાનો, ઉત્તરાયણની આગલી રાત્રે શહેરના પાલિકા ચોક, સ્ટેશનરોડ, માણેકચોક અને પડાવ વિસ્તારમાં દોર અને પતંગ સાથે આ પર્વને આનુષાંગિક ટોપી, ચશ્મા વગેરેની ખરીદી કરતા નજરે ચડ્યાં હતા.

અલબત્ત, આ પર્વ દાનનો મહિમા હોઈ શહેરના શ્રી વલ્લભ ચોક, સ્ટેશન રોડ, પડાવ, ગાંધી ચોક જેવા વિસ્તારોમાં ગાયોને ઘાસ ખવડાવવાથી લઇ જરૂરતમંદોને બિસ્કુટ, ચીક્કી, લાડુ, વગેરેનું દાન કર્યું હતું. તો દાહોદ પંચાલ સમાજના ઈલા સખી મંડળની બહેનો દ્વારા પણ ઉત્તરાયણના દિવસે શહેરના વિવિધ વિસ્તારોમાં ગરીબ બાળકોને ચીક્કી, બિસ્કીટ વિગેરેનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે જ શહેરમાં ઊંધિયું- જલેબી અને લીલવાની કચોરી ખાવાનું મહાત્મ્ય હોઈ તે વેચતા ફરસાણ વિક્રેતાઓને ત્યાં પણ સવારથી જ લેવા માટે લોકો ઉમટયા હતા. જો કે તંત્ર દ્વારા પણ નિયમો જાહેર થયા બાદ કોઈ ચેકીંગ નહીં થવાની ચર્ચા ફેલાતા લોકોએ બપોર બાદ ધાબાઓ ઉપર મિત્ર મંડળી- સ્વજનો સાથે ભેગા થઇ આ પતંગોત્સવ ઉજવ્યો હતો.






Related News

Comments are Closed

%d bloggers like this: