આંગણવાડી-પ્રા. શાળામાં ઘઉંમાં જીવાત અને લોટમાં કીડા મળ્યાં

દાહોદ નજીકના રાણપુર ખુર્દ ગામે બનેલી ઘટના નોંધાયેલી સંખ્યા કરતાં ઓછા વિદ્યાર્થીઓ જોવા મળ્યાં

 • Dahod - આંગણવાડી-પ્રા. શાળામાં ઘઉંમાં જીવાત અને લોટમાં કીડા મળ્યાં

  રાણાપુર મેહંદી ફળીયામાં આવેલી આંગણવાડીના ઘઉંમાં ઈયળો અને સડેલા શાકભાજી નજરે પડે છે.

  ભાસ્કર ન્યુઝ | દાહોદ

  દાહોદ તાલુકાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં ચાલતી આંગણવાડીઓ અને પ્રાથમિક શાળાઓમાં નાના ભૂલકાઓને અપાતા મધ્યાન્હ ભોજન અને નાસ્તાની સામગ્રીમાં ઈયળો, ગરોળી જેવી જીવાત અને ગંદકીનું લોલમલોલ તંત્ર ઝડપાતા સમગ્ર જિલ્લામાં હાહાકાર મચી જવા પામ્યો છે.

  દાહોદ નજીકના રાણપુર ખુર્દ ગામે ચાલતી મહેંદી ફળિયા આંગણવાડીમાં બાળકોને અપાતા ભોજન કાજેના ઘઉંમાં ગરોળી તથા જીવાત જોવા મળી હતી તો રાણાપુર ખુર્દ મુકામે આવેલ આંગણવાડીમાં પણ ઘઉંમાં ઈયળો જોવાતા હડકંપ મચી જવા પામ્યો છે. સાથે જ આ વિસ્તારની મહેંદી ફળિયા પ્રા.શાળામાં સડેલા શાકભાજી અને સડેલા ચણા અને લોટમાં પણ ટળવળતી જીવાતો ઝડપાઈ હતા. તો મોટી રાણાપુર ખુર્દ પ્રાથમિક શાળામાં રોટલી અને અન્ય સામગ્રી બનાવવા માટે સરકાર દ્વારા અદ્યતન મશીન આપવામાં આવ્યા છે, જેનો આવ્યા બાદ ક્યારેય ઉપયોગ થયો નહીં હોવાની માહિતી મળી છે. આ મશીનો આશરે 8 માસ અગાઉ આવેલ છે પરંતુ તે ચલાવવા અંગે અત્રે કામ કરતા સ્ટાફને કોઈ જ ટ્રેનીંગ નહીં અપાતા તે મશીનો એમ જ પડ્યા પડ્યા ધૂળ ખાઈ રહ્યા છે.

  આમ, સરકાર સારી ભાવનાથી બાળકોને ભોજન અને પૌષ્ટિક નાસ્તો પૂરો પાડી શકાય તેવા શુભાશય સાથે વિવિધ ખાદ્ય સામગ્રી પૂરી પડાય છે પરંતુ સંચાલકો દ્વારા દાખવાતી બેદરકારીને લઈને ગ્રામ્ય વિસ્તારના નાના ભૂલકાઓને સાત્વિક અને પૌષ્ટિક આહાર બદલે કીડા કે જીવાતવાળો આહાર આરોગવો પડે છે. જેને લઈને ભારતના ભાવિ જેવા આ નિર્દોષ ભૂલકાઓને જે ઉંમરે પોષણ પ્રાપ્ત થવું જોઈએ તે ઉંમરે કોઈ ગંભીર બીમારી લાગુ પડી જાય તો કોની જવાબદારી તેવા પ્રશ્નો આ વિસ્તારના લોકોમાં સ્વાભાવિક રીતે ઉઠી રહ્યા છે. વળી, આ બહુધા આંગણવાડીઓ અને પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓની નોંધાયેલી સંખ્યા કરતાં અનેક ગણી ઓછી સંખ્યા નોંધાઈ હતી. તો લગભગ સ્થળોએ પીવાના સ્વચ્છ પાણી માટે આર.ઓ.સિસ્ટમ હોવા છતાંય બંધ હાલતમાં જોવા મળી હતી.

More From Madhya Gujarat


Related News

Comments are Closed

%d bloggers like this: