અજગર બચાવાયો: ​​​​​​​દાહોદ પ્રકૃતિ મિત્ર મંડળના સભ્યોએ બારિયાના પુવાડા ગામેથી 11 ફૂટ લાંબો,16 કિલોનો અજગર રેસ્ક્યુ કર્યો

દાહોદ3 કલાક પહેલા

  • બે વર્ષમાં પ્રકૃતિ મિત્ર મંડળ દ્વારા 20 જેટલા અજગર બચાવાયા

દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના કોળીના પુવાડા ગામે એક ખેતરમાંથી 11 ફૂટ લાંબો અજગર પકડાયો છે. આ અજગરને દાહોદ પ્રકૃતિ મિત્ર મંડળના કાર્યાલયમા સુરક્ષિત રીતે રાખવામા આવ્યો છે.

જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં 20 જેટલા અજગરને રેસ્ક્યુ કરાયા

દાહોદ જિલ્લામાં મહત્તમ વન વિસ્તાર દેવગઢ બારીયા અને ધાનપુર તાલુકાના છે. અહી વન્ય પ્રાણીઓ પણ નોંધપાત્ર સંખ્યામાં વસે છે. જિલ્લામાં સરીસૃપો પણ મોટી સંખ્યામાં જોવા મળે છે. જેમાં અજગરનો પણ સમાવેશ થાય છે. જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં 20 જેટલા અજગરને રેસ્ક્યુ કરાયા છે. ત્યારે દેવગઢ બારિયા તાલુકાના કોળીના પુવાડા ગામે વિનોદભાઈ બારિયાના ખેતરમાં અજગર જોવાતો હોવાની માહિતી મળતા જ દાહોદ પ્રકૃતિ મિત્ર મંડળના સર્પવિદ્દો કલ્કી પરમાર, કૌશિક રાઠોડ, રોહન પરદેશી, અર્જુન પટેલ, આર્યન ખરેડ, ચિરાગ તલાટી તથા શાહિદ શેખની ટીમ દ્વારા સ્થળ પર જ જઈને તેને પકડી લેવાયો હતો.

અજગરો શિયાળાના સમયમાં વઘુ જોવા મળે છે

રેસ્ક્યુ કરાયેલા મસમોટા અજગરને જોવા માટે ગ્રામજનોના ટોળાઓ ઉમટ્યાં હતા. આશરે 11 ફૂટ લંબાઈ અને 16 કિલો વજન ધરાવતા આ અજગર (ઇન્ડિયન પાયથોન)ને હાલમાં દાહોદના અજય દેસાઈ પ્રકૃતિ ભવન ખાતે રાખવામાં આવ્યો છે. જેને દાહોદ સ્થિત વન વિભાગની કચેરીએ સોપીને પંચકેસ કરાવ્યા બાદ વનવિભાગની મદદથી રતનમહાલના જંગલોમાં છોડી મુકવામાં આવશે. ઉલ્લેખનિય છે કે અત્યાર સુધીમાં બચાવાયેલા પૈકી આ મોટા કદનો અજગર છે. મોટે ભાગે 6 થી 8 ફૂટના અજગર મળી આવતા હોવાનું પ્રકૃતિ મિત્ર મંડળના પ્રમુખે જણાવ્યુ છે. આમ તો અજગરો શિયાળાના સમયમાં વઘુ જોવા મળે છે.

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: