હે.. ભગવાન: દાહોદમાં 12 કલાકમાં જ પતિ-પત્નીને કોરોના ભરખી ગયો, મહેશ-નરેશ જેવી ખ્યાતિ ધરાવતા બે કલાકાર બંધુ પણ કોરોના સામે જંગ હાર્યા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
કોરોના પતિ-પત્નીને ભરખી ગયો. - Divya Bhaskar

કોરોના પતિ-પત્નીને ભરખી ગયો.

  • પતિ પત્નીને કોરોના ભરખી જતાં ત્રણ પુત્રો અને એક પુત્રીએ મા-બાપની છત્રછાયા ગુમાવી
  • ગાયકીમાં નિપુણ બન્ને ભાઈઓનાં મૃત્યુથી પરિવારજનોને તો વજ્રઘાત થયો
  • બન્નેનાં પરિવારજનો શોકની કાલિમામાંથી બહાર નથી આવી શકતાં

કોરોનાની ચર્ચા કરવા માટે ઘણા મુદ્દાઓ મળી રહે છે, પરંતુ જ્યારે કોરોનાને કારણે ઊભા થયેલા કેટલાંક દર્દનાક દૃશ્યો જોતાં જ આ રોગની ભયાનકતા સામે આવી જાય છે. એવા બે કિસ્સા દાહોદની એક જ સોસાયટીમાં બનતાં સમગ્ર સમાજ સ્તબ્ધ છે. કોરોનાએ કેટલાયે પરિવારોને વિખેરી નાખ્યા છે. એવી જ રીતે આ સોસાયટીમાં 12 કલાકમાં જ પતિ-પત્નીને કોરોના ભરખી જતાં ત્રણ પુત્રો અને એક પુત્રીએ મા-બાપની છત્રછાયા ગુમાવી દીધી છે.

દાહોદ જિલ્લામાં કોરોનાએ હવે કહેર મચાવ્યો છે. ત્યારે મૃત્યુની ઘટનાઓ પણ હવે રોજેરોજ વધી રહી છે. કોરોનાનું સંક્રમણ થવું અને સામાન્ય સારવારથી એમાંથી મુક્ત થઇ જનારા દર્દી અને તેનાં પરિવારજનો તેને મોટી કૃપા માની રહ્યા છે, કારણ કે કોરોનામાં જેમણે સ્વજનો ગુમાવ્યાં છે તે પરિવારોમાં છવાઇ ગયેલી શોકની કાલિમા ક્યારે દૂર થશે એ કહેવું હાલ અઘરું છે, કારણ કે સ્વજનના મૃત્યુ પછી તેનું મોઢું જોવાનું પણ નસીબ થતું નથી. એમાંયે જે પરિવારે કોરોનાને કારણે જ એક કરતાં વધારે સ્વજનો ગુમાવ્યાં છે તેમની માનસિક સ્થિતિ અવર્ણનીય છે.

સમગ્ર દેશમાં કાળજું કંપાવી નાખનારી ઘટનાઓ બની રહી છે, ત્યારે માત્ર છ કિલોમીટરની ત્રિજ્યામાં વસેલા દાહોદ કે જેનું મૂળ નામ દોહદ છે એમાં કોરોનાએ હદ વટાવી દીધી છે. ત્યારે આ જ શહેરની મધ્યમાં આવેલી પંકજ સોસાયટીમાં એક પરિવારમાં પતિ-પત્ની બન્ને કોરોનાથી સંક્રમિત થયાં હતાં. પ્રાથમિક શિક્ષકમાંથી નિવૃત્ત થયેલા મગનભાઇ કાનસર દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઇ રહ્યા હતા. બીજી તરફ તેમનાં કોરોનાગ્રસ્ત ધર્મપત્ની કુસુમબેન હોમ આઇસોલેશનમાં હતાં.

રાત્રે તેમની તબિયત લથડતાં તેમને 108 મારફત ઝાયડસમાં લઇ જવાયાં હતાં, પરંતુ તેઓ એ પહેલાં જ કોરોના સામેનો જંગ હારી ગયાં હતાં. તેમની અંતિમવિધિ માટે સવારે તેમના ત્રણ પુત્રો ઝાયડસમાં સવારે પહોંચ્યા ત્યારે જ તેમના પિતાની તબિયત લથડી હતી અને એકાએક જ તેમણે પણ દેહ છોડી દીધો હતો. આમ, 12 કલાકમાં જ પતિ અને પત્નીના કોરોનાને કારણે મોત નીપજ્યાં છે. તેમની એકની એક પુત્રી નવસારી રહે છે, તે તો દાહોદ આવી શકી જ નથી.

તેવી જ રીતે આ જ સોસાયટીમાં રહેતાં કિશનભાઇ પરમાર અને તેમના નાના ભાઇ જગદીશભાઇ પરમાર સુપ્રસિદ્ધ ગાયક કલાકારો હતા. સમાજમાં તેઓ મહેશ-નરેશ કનોડિયા જેટલી જ ખ્યાતિ ધરાવતા હતા. ત્યારે કોરોનાની ગત લહેરમાં જગદીશભાઇનું મૃત્યુ થયું હતું અને તેના ત્રણ માસ પછી જ તેમના મોટા ભાઇ કિશનભાઇ પણ બે દિવસ પહેલાં જ કોરોના સામેનો જંગ હારી ગયા છે. પ્રણામી સંપ્રદાયનાં ભજનો, ફાગ અને લાવણીની ગાયકીમાં નિપુણ બન્ને ભાઇઓનાં મૃત્યુથી પરિવારજનોને તો વજ્રઘાત થયો છે, ત્યારે સમાજે પણ બે કલાકાર રત્નો ગુમાવી દીધા છે.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: