હિન્દુ સમાજમાં દેવતાઓના ચિત્રવિચિત્ર રૂપો કરી અપમાન કરીએ છીએ : વૈષ્ણવાચાર્ય

Dahod - latest dahod news 022142

+2બીજી સ્લાઈડ્સ જુઓ

દાહોદ. વૈષ્ણવાચાર્ય પૂ. ગોસ્વામી દ્વારકેશલાલજી મહોદય (કડી-અમદાવાદવાળા)એ વૈષ્ણવોને સેવા અને સમર્પણ સંદર્ભે શિક્ષાપત્ર રસપાન મહોત્સવ અંતર્ગત ગત રોજ સાંજે નંદ મહોત્સવની ભવ્યતમ ઉજવણી હતી. તો શુક્રવારે પણ તેઓશ્રીએ ભક્તિ અને તે સંદર્ભે રાખવા જોઈતા ભાવ સંદર્ભે મનનીય વક્તવ્ય આપ્યું હતું. દાહોદના દેસાઇવાડ સ્થિત શ્રી પી.એમ.કડકીયા સંસ્કાર કેન્દ્ર પરિસરમાં ચાલતા શિક્ષાપત્ર રસપાન મહોત્સવમાં પાંચમા દિવસે ભક્તોને ભાગવત સ્મરણમાં તલ્લીન કરતા વૈષ્ણવાચાર્યએ જણાવ્યું હતું કે દેવ જેવા થઈને દેવને ભજો. જેવા દેવ હોવી જોઈએ. બુદ્ધિને લૌકિક રાખો તો અલૌકિક આનંદ પામી શકો. હિન્દુ સમાજમાં દેવતાઓના ચિત્રવિચિત્ર રૂપો કરી અપમાન કરીયે છીએ. સરળીકરણ કરવામાં ભગવાનનું સ્તર નીચું ના લઇ જવું જોઈએ. કાર્ટુન સ્વરૂપે આપણા ભગવાનને રજુ કરીશું તો કૃષ્ણ કાર્ટુન બની રહેશે. જિજ્ઞાષા શ્રદ્ધા તરફ આગળ વધે તો સાચી જિજ્ઞાષા સાંપડે. અનુકૂળ વસ્તુનો સંકલ્પ અને પ્રતિકુળ વસ્તુનો વિસર્જન કરીશું તો ઈશ્વર 100 % સારું જ કરશે. તેઓશ્રીએ જણાવ્યું હતું કે ભક્તના યશનો વિસ્તાર ભગવાન સ્વયં કરે છે.

નળુ ખાતેથી એકતા રથનું પ્રસ્થાન કરાયું

ધાનપુર. દાહોદ જિલ્લામાં બે રથ ધાનપુર તાલુકાના નળુ ગામે એકતા યાત્રાના બીજા દિવસે એકતા યાત્રાનું પ્રસ્થાન ભાજપા જિલ્લા મહામંત્રી સરદારસિંહ બારીયા તથા મહાનુભાવોના હસ્તે સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઝંડી દ્વારા કરાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે એકતાયાત્રાના સમારોહના અધ્યક્ષસ્થાનેથી સરદારસિંહ બારીયાએ , સામાજીક અગ્રણી અને માજી તાલુકા પંચાયત પ્રમુખ પ્રદિપભાઇ મોહનીયાએ પ્રસંગોચિત પ્રવચન કર્યા હતાં. આ પ્રસંગે નાયબ મામલતદાર પટૃણીએ સરદાર પટેલનું જીવન ચરિત્ર, તેમના કાર્યો, સ્ટેચ્યુ ઓફ યુનિટીનો મૂળભૂત ઉદેશની સરળ ભાષમાં જાણકારી આપી હતી. આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે એકતા રથમાં પ્રસ્થાપિત પૂ.સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાને માલ્યાર્પણ કરી સરદાર સાહેબને ભાવભીની ભાવાંજલી આપી હતી અને એકતારથનું પ્રસ્થાન કરાવ્યું હતું.એકતા રથનું અહીંના પારંપરિક વાજિત્રો, ઢોલ, શરણાઇ, થાળી સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું.

ચાણોદ પોલીસ સ્ટેશનના ASIનો વિદાય સમારંભ

ચાણોદ. ચાણોદ પોલીસ સ્ટેશનના એએસઆઇ અને ગ્રામ રક્ષક દળના જમાદાર બાબુભાઇ હરિભાઇ રોહીત 31 ઓક્ટોબરના રોજ વય નિવૃત્ત થતા હોય ચાણોદ કરનાળી ગ્રામ રક્ષક દળ યુનિટ દ્વારા તેઓના વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. જેમાં વડોદરા જિલ્લા જીઆરડી માનદ અધિકારી હિંમતસિંહ પરમાર,તાલુકા માનદ અધિકારી હસન મનસુરી, સેના નાયક શૈલેષ ભટ્ટ, કાર્યવાહક પ્રફુલ્લ વસાવા, હોમગાર્ડઝ કમાન્ડર વિરેન્દ્રસિંહ રાઠોડ વિવિધ તાલુકાના જીઆરડી અધિકારીઓ સહિત ખેડૂત અગ્રણી ઠાકોરભાઇ પટેલ,વેપારી અગ્રણી ચંદ્રકાંત ચોક્સી તેમજ મોટી સંખ્યામાં જીઆરડીના સદસ્યો અને ગ્રામ જનો ઉપસ્થિત રહ્યા હતા.ચાણોદ પોલીસ સ્ટેશનમાં એએસઆઇ તરીકે વર્ષોથી નિષ્ઠાપૂર્વકની ફરજ બજાવી જીઅારડી જમાદારની અસરકારક કામગીરી એવા બાબુભાઇ હરિભાઇ રોહિતની વય મર્યાદા તથા તેઓના નિવૃત્તિનો ચાણોદ કરનાળી જીઆરડી યુનિટ દ્વારા કરનાળી ખાતેના કબૂરેશ્વર ભોજનાલય હોલમાં વિદાય સમારંભ યોજાયો હતો. પુષ્પગુચ્છ અને સ્મૃતિભેટ અર્પણ કરી બાબુભાઇ રોહિતને શુભેચ્છા પાઠવી હતી. નિવૃત્તિની વિદાય વેળાએ મળેલો પ્રેમ ભાવથી ગદગદીત થઇ તેઓએ સોના આભાર વ્યક્ત કરી રડી પડ્યા હતા.

ખાનપુર તાલુકાના ગામોમાં એકતા રથને ગામે ગામ આવકાર

લુણાવાડા. રાજ્ય સરકાર દ્વારા સરદાર પટેલ જયંતિ ઉજવણી પ્રસંગે આગામી ૩૧મી ઓકટોબર ૨૦૧૮ ના રોજ સરદાર સરોવર બંધ નજીકમાં સાધુ ટેકરી ખાતે પ્રધાનમંત્રીના હસ્તે વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કરાનાર છે. આ અંતર્ગત મહીસાગર જિલ્લામાં તા. ૨૦ ઓકટોબરથી શરૂ થયેલી એકતા રથ યાત્રા નો રથ ૧ તા.૨૬ મીના રોજ ખાનપુર તાલુકાના ઢોલખાખરા ગામે સવારે પહોંચતા ગ્રામજનો અને અગ્રણીઓ દ્રારા સરદાર સાહેબને ભાવાંજલી આપી હતી. ત્યારબાદ છાણી, કાળા ખેતરા, ઉડાવા, મોર ખાખરા, નવાગામ, મદાપુર સહિતના ગામોમાં એકતા યાત્રા ફરી સ્ટેચ્યુ ઓફ યુનિટીનો સંદેશો ઘર-ઘર સુધી પહોંચાડવામાં આવ્યો હતો. ગુજરાત રાજ્ય આયોજન પંચના ઉપાધ્યક્ષ નરહરી અમીન, લુણાવાડા ધારાસભ્ય રતનસિંહ રાઠોડ, જિલ્લા પંચાયત પ્રમુખ મંજુલાબેન ખાંટ, જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ જીગ્નેશ સેવક, જિલ્લા પંચાયત મહિલા અને બાળ વિકાસ ચેરમેન ગંગાબેન પગી, સરપંચો, પ્રાંત અધિકારી મોડીયા, ડી.આર.ડી.એ ડાયરેક્ટર જાદવ તેમજ અધિકારીઓ, મહાનુભાવો અને અગ્રણી ગ્રામજનોની ઉપસ્થિતિમાં પુષ્પાજંલી અર્પણ કરવામાં આવી હતી.

ગોધરાની હેલ્લો કીડ્સ પ્રીસ્કૂલમાં ડ્રેસ કોમ્પિટિશન

ગોધરા ની હેલ્લોકીડ્સ પ્રીસ્કૂલ માં કલોક ડે અને કોમ્યુનિટી હેલ્પર્સ ની થીમ સાથે ફેન્સી ડ્રેસ કોમ્પિટિશન નું આયોજન કરવામાં આવ્યું હતું. નાના બાળકો ને કલોક અને વોચ નો તફાવત સમજાવ્યો હતો તથા સ્કૂલ ના બાળકો ડૉક્ટર, વકીલ, ફાયર મેન,ટીચર વગેરે હેલ્પર્સ બની ને આવ્યા હતા. બાળકો એ ગમ્મત સાથે જ્ઞાન મેળવ્યું હતું.

આજે એકતા રથ યાત્રાનો કણઝર અને ટીસાના મુવાડા ખાતેથી શુભારંભ

દાહોદ. સંજેલી તાલુકામાં જુદા જુદા ૧૦ ગામોમાં પરિભ્રમણ કરશે. આ એકતા રથનું પ્રસ્થાન ટીસાના મુવાડા ખાતેથી કરવામાં આવશે. ત્યારબાદ ગસલી, ભમેલા, ભાણપુર, ગરાડીયા, નાના કાળીયા, મોટા કાળીયા, ડોકી, બોડા ડુંગર, કરંબા ખાતે પરિભ્રમણ કરી કરંબા ખાતે રાત્રિ રોકાણ કરશે. તેવીજ રીતે ધાનપુર તાલુકામાં જુદા જુદા ૧૧ ગામોમાં પરિભ્રમણ કરશે. આ એકતા રથનું પ્રસ્થાન કણઝર(માંડવા ચોકડી) ખાતેથી કરવામાં આવશે. ત્યારબાદ ડોલરીયા, કાલીયાવડ, ઉંડાર, કાણાકુવા હોલ્કાદર, આમલીમેનપુર, સીંગાવલી, રૈયાવણ, પાવ, પીપેરો ખાતે પરિભ્રમણ કરી પીપેરો ખાતે રાત્રિ રોકાણ કરશે. કરંબા અને પીપેરોમાં સાંજે ૫ થી ૬ કલાકે ખેડૂત સભા યોજાશે. આ એકતા રથયાત્રાના પરિભ્રમણ દરમિયાન સંબંધિત ગામોના આગેવાનો, ગ્રામજનો વગેરેને ઉપસ્થિત રહેવા એકતા રથયાત્રાના નોડલ અધિકારી કિરણ ગેલાતે જણાવ્યું છે.

અંકલેશ્વરની બેઇલ કંપનીને એસોચેમનો એક્સેલન્સ એવોર્ડ મળ્યો

અંકલેશ્વર . અંકલેશ્વરની ભરૂચ એન્વાયરોમેન્ટ ઈન્ફાસ્ટ્રચર લિમિટેડને તેની આર.એસ.આર. પ્રવૃતિઓમાં પણ અગ્રેસરને લઇ એવોર્ડ પ્રાપ્ત થયો છે. બેઇલની નોંધપાત્ર કામગીરીને ધ્યાને લઈ એસોચેમ દ્વારા તાજેતરમાં નવી દિલ્હી ખાતે યોજાયેલ એવોર્ડ સેરેમનીમાં સી.એસ.આર ક્ષેત્રની પ્રસંશનીય કામગીરી બદલ છઠ્ઠો એક્સેલન્સ એવોર્ડ બેઇલને એનાયત કરાયો હતો. આ એવોર્ડ મેઘાલયના મુખ્યમંત્રી કુનરાડ સંગ્મા હસ્તક આપવામાં આવ્યો હતો. એવોર્ડ બદલ બેઇલના મેનેજમેન્ટ અને કર્મચારીઓને ઉધ્યોગપતિઓ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યાં છે.

નેલસુરઘાંટી પ્રા.શાળા ખાતે બાળકોને તિથિ ભોજન અપાયું

જવાહર નવોદય વિદ્યાલય ખરેડીમાં ધોરણ 6માં પ્રવેશ અંગે

દાહોદ. જવાહર નવોદય વિદ્યાલય ખરેડી દાહોદમાં 80 બેઠકો માટે પ્રવેશ પરિક્ષા 2019-20 માટેના ઓનલાઇન આવેદન ફોર્મ તારીખ 23 ઓક્ટોબર’18થી શરૂ થઇ ગયેલ છે. આ માટે ધોરણ 5માં દાહોદ જીલ્લાના દાહોદ, ઝાલોદ, સંજેલી અને ફતેપુરા તાલુકાની શાળામાં ભણતા વિદ્યાર્થીઓ www.navodaya.gov.in પર માહિતી મેળવી ફોર્મ ઓનલાઇન ભરી શકશે. જે માટે કોઇ ફી ચુકવવાની રહેશે નહીં. અરજી કરવાની છેલ્લી તારીખ 30 નવેમ્બર છે અને તા.6 એપ્રિલ’19ના રોજ પરીક્ષા યોજાશે. આ મુજબનું જવાહર નવોદય વિદ્યાલય ખરેડીના આચાર્યએ જણાવ્યું છે.

ગરબાડા. ગરબાડા તાલુકાના નેલસુર ગામે આવેલ ઘાંટી ફ. પ્રા.શાળા ખાતે તા.24ના રોજ સ્ટાફ તરફથી તિથિ ભોજન ગામના સરપંચ રૂપાભાઇ પરમારની ઉપસ્થિતિમાં ખાસ મહેમાન તરીકે ભુતવડ શાળાના આચાર્ય કિરણસિંહ ચાવડા, સી.આર.સી. કો.ઓ. આંબલી મુકેશ ભુરીયા, એસ.એમ.સી. અધ્યક્ષ માવી શનુભાઇ તથા એસ.એમ.સી. સભ્યોની હાજરીમાં આપવામાં આવ્યું હતું. શાળામાં 100 ટકા આદિવાસી બાળકોને મિષ્ઠાનનો અનુભવ થાય તે માટે શાળાના આચાર્ય જિગ્નેશ રોઝની દોરવણી અને માર્ગદર્શન હેઠળ શાળાના સ્ટાફ શિક્ષક મિત્રોએ પોતાના ફાળાથી શાળામાં અભ્યાસ કરતાં ધો. 1 થી 8ના 650 બાળકો માટે દાળ, ભાત, શાક, પુરી, બુંદી જેવુ મિષ્ઠાન આપી તિથિ ભોજન આપવામાં આવ્યું હતું. શાળાના શિક્ષકોએ જાતે પિરસી બાળકોને ભોજનનો આનંદ માણ્યો હતો.

રાષ્ટ્રીય એવોર્ડ માટે મહેન્દ્ર ગુપ્તાની થઈ પસંદગી

ગરબાડા. આંતરરાષ્ટ્રીય સમરસતા મંચ તરફથી ઇન્ડો-નેપાળ સાંસ્કૃતિક સંકલન સંમેલનમાં રાષ્ટ્રીય એકતા એવોર્ડ માટે દાહોદ ના ‘એપેક્સ એજ્યુકેશન એન્ડ ડેવલોપમેન્ટ સોસાયટી’ ના ડાયરેકટર મહેન્દ્ર ગુપ્તાનું નામ પસંદ કરવામાં આવ્યું છે. તેઓ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી, સ્કિલ ડેવલોપમેન્ટ, કલચર પ્રોગ્રામ, સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ રોજગાર લક્ષી કાર્યક્રમ લોકો સુધી પહોંચાડવા બદલ તથા સમાજ કલ્યાણના કાર્ય કરતી સંસ્થા સાથે જોડાઈ કાર્ય કરવા માટે તેમને 25 નવેમ્બરના રોજ નવી દિલ્હીમાં મેમન ભવન ખાતે નેપાળ સરકારના પૂર્વ પ્રધાનમંત્રી સન્માનિત કરશે.

ભરૂચમાં પોલીસની રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું

અગામી 31 ઓક્ટોબર સરદાર પટેલની જન્મ જયંતિના ભાગરૂપે ભરૂચ પોલીસ દ્વારા શુક્વારે સવારે રન ફોર યુનિટીનું આયોજન કર્યું હતું.જેમાં ભરૂચ પોલીસ જવાનો ,સામાજિક સંસ્થાઓ અને અધિકારોઓ જોડાયા હતા.જેમણે રન ફોર યુનિટી દોડમાં ભાગ લઈને સફળ બનાવી હતી.એબીસી ચોકડીથી પ્રસ્થાન થયેલ દોડ મઢુલી સર્કલ,શ્રવણ ચોકડી,શેરપુરાથી પાસ થઈને દહેગામ ચોકડી ખાતે પૂર્ણ થઈ હતી.રન ફોર યુનિટીમાં અંદાજિત 1000 થી 1200 દોડવીરોએ ભાગ લીધો હતો. કાર્યક્રમમાં ધારાસભ્ય દુષ્યંત પટેલ,તથા અરૂણસિંહ રણા,કલેકટર રવિકુમાર અરોરા,એસપી રાજેન્દ્રસિંહ ચુડાસમા,ડીડીઓ ક્ષીપ્રા અગ્રે હાજર રહીને દોડને ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું.

ગાયત્રી શક્તિપીઠ મીરાખેડી ખાતે શરદપૂર્ણિમાની ઉજવણી કરાઇ

દાહોદ. તા.24 ઓક્ટોબરના રોજ શક્તિપીઠ મીરાખેડી કાતે શરદ પૂર્ણિમાનું પાવન પર્વ માતાજીના ગરબા અને દુધ પૌઆનો પ્રસાદ વિતરણ કરી શાંતિલાલ નિનામા તેમજ અન્ય માઇ ભક્તો અને ભીલ સેવા મંડળની બંને સ્કૂલના છાત્રાલયના બાળકો, ગૃહપતિઓ અને બંને શાળાના આચાર્યઓની ઉપસ્થિતિમાં આસ્થાભેર ઉજવાયો હતો. 300 થી વધુ ગ્રામજનોએ આ સેવાનો લાભ લીધો હતો.


Related News

Comments are Closed

%d bloggers like this: