સુવિધા વધી: ​​​​​​​દાહોદના રસ્તા પર ટ્રાફિકમાં રાહત, વીજ કચેરીએ લાઇન શિફ્ટીંગ કરી દેતાં એમજીવીસીએલ કચેરી સુધીના નવા બ્રિજનું કામ શરુ થયુ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • ટ્રાફિક સમસ્યામાં સબડી રહેલા દાહોદ શહેરને નવા બ્રિજથી આંશિક રાહત મળવાની આશા જો રળિયાતી સુધીનું રોડ કનેક્શન મળે તો ભારે વાહનો ડાયવર્ટ કરી શકાશે

દાહોદ શહેરમાં ટ્રાફીકની વર્ષોથી સળગતી સમસ્યા છે. તેમાં બહારપુરા અને અનાજ માર્કેટ વિસ્તારમાં ભારે વાહનોને કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. ત્યારે હવે દુધીમતી નદી પર બીજો બ્રીજ બની જશે. ત્યારે ટ્રાફિક મામલે મોટી રાહત થશે. હાલમાં એમજીવીસીએલ દ્વારા વીજ લાઇનનું શિફ્ટીંગ કરી દેવાતા આ બ્રીજનું કામ પૂરજોશમાં શરુ થઇ ગયુ છે. જે બે માસમાં પૂર્ણ થઇ જવાની સંભાવના છે.

રોંગ સાઇડ વાહન હંકારવુ તે દાહોદ શહેરમાં સૌથી સહેલુ
દાહોદ શહેરમાં ટ્રાફીકની સમસ્યા વર્ષોથી વકરેલી છે. ત્યારે તેના માટે કોઇ પણ સુચારું આયોજન કરવામાં આવ્યું નથી. કોરોના કાળ પહેલા કલેક્ટર દ્વારા શહેરમાં પદયાત્રા કાઢીને વિવિધ વિસ્તારોમાં નાના પાર્કિંગ પોઇન્ટ ઉભા કરવામાં આવ્યા હતા. પરંતુ હાલ તેનો કોઇ અમલ કરાતો નથી. એમ.જી.રોડ, પડાવ, બહારપુરા, માણેકચોકથી નગરપાલિકા, દોલતગંજ બજાર જેવા વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યા માથાનો દુખાવો છે. અને તેમાંયે વન વેના કોઇ નિયમોનું પાલન કરાતુ નથી. તેમજ તમામ જાહેરનામા જાહેરાત પુરતા જ સિમીત રહી ગયા છે.

શહેરીજનોને ટ્રાફીક વિશેની કોઇ જ સમજ નથી અને સમજ પાડવામાં પણ નથી આવતી. શહેરમાં બનાવેલા સર્કલ શોભાના ગાંઠિયા છે. કારણ કે તેમાનાં કેટલાક સર્કલ નિયમસરનું નવસર્જન માંગી રહ્યાં છે. રોંગ સાઇડ વાહન હંકારવુ તે દાહોદ શહેરમાં સૌથી સહેલુ છે.

એમજીવીસીએલ કચેરી સુધી બનતા બ્રિજે થોડી રાહતની આશા જગાવી
ટ્રાફિકની વિટંબણા વચ્ચે દુધીમતિ નદી પર એમજીવીસીએલ કચેરી સુધી બનતા બ્રીજે થોડી રાહતની આશા જગાવી છે. વર્ષો પુરાણા દબાણો હટાવી રોડ પણ પહોળો કરી દેવાયો છે. ત્યારે હવે વીજ કચેરીએ પણ તમામ વીજ લાઇનો અને ડીપીના શિફ્ટીંગ કરી દેતાં ફરીથી તેનું કામ શરુ થયુ છે. નાયબ કાર્યપાલક ઇજનેરના જણાવ્યા પ્રમાણે બે માસમાં કામ પૂર્ણ કરી દેવાશે. ત્યારે જો વરસાદનું વિઘ્ન ન નડે તો સીસી રોડ પણ બની જશે.

રસ્તાનું કનેક્શન મળે તે રીતે જમીન સંપાદન કરવી
આ બ્રિજ બને અને અનાજ માર્કેટથી બ્રીજ થઇને રળિયાતી સુધી રોડની સુવિધા ઉપલબ્ધ થાય તો જ ભારે વાહનો ડાયવર્ટ કરી શકાશે. અન્યથા નાના વાહનો માટે જ નવો બ્રિજ અને રસ્તો ઉપયોગી બની રહેશે. અને તેનાથી ટ્રાફિક સમસ્યા હળવી થશે. પરંતુ તેનું કાયમી નિરાકરણ નહી થાય. જેથી રળિયાતી સુધીના રસ્તાનું કનેક્શન મળે તે રીતે જમીન સંપાદન કરવી અતિઆવશ્યક હોવાનું જાણકારોનું કહેવુ છે.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: