સુજલામ્ સુફલામ્ યોજનામાં ખોદાયેલા દાહોદના નગરાળા ગામના તળાવમાં દાયકાઓ બાદ ભરઉનાળે પાણી

સુજલામ્ સુફલામ્ જળ અભિયાનમાં નગરાળાના તળાવની ક્ષમતા એકથી વધી ત્રણ એમસીએફટી થતાં ઉનાળામાં પણ પાણી ખૂટ્યું નહીં
નગરાળાના તળાવની આસપાસના ત્રીસેક કૂવામાં ભરપૂર પાણી, ૨૦ હેક્ટર જમીનમાં ખેડૂતો ત્રણ મોસમનો પાક લેતા થયા.

દાહોદથી જેસાવાડા જતાં લોકોને માટે કદાચ એ વાતનું આશ્ચર્ય હશે કે માર્ગમાં આવતું નગરાળા ગામનું તળાવ દાયકાઓ બાદ આ વર્ષે ઉનાળામાં પણ ભરાયેલું છે. સામાન્ય રીતે હોળી આસપાસ સૂકાઇ જતાં નગરાળા ગામનું તળાવ ભરઉનાળામાં પણ ભરાયેલા હોવાના બે કારણો છે, એક ગત વર્ષે પડેલો સારો વરસાદ અને બીજું સુજલામ્ સુફલામ્ જળ અભિયાન ! આ યોજના અંતર્ગત ગત વર્ષે ૬૧ હજાર ક્યુબિક મીટર ખોદવામાં આવેલા આ તળાવની સંગ્રહ શક્તિ વધતા ભરપૂર પાણી સચવાયું છે. તેના કારણે આસપાસ જમીન ધરાવતા કૃષકોને લીલાલહેર થઇ ગયા છે. પંચાયત સિંચાઇ વિભાગના અધિક મદદનીશ ઇજનેર કે. એમ. વસૈયા કહ્યું કે, છેલ્લા બે વર્ષમાં તળાવને દોઢથી બે મીટર ઉંડુ કરવામાં આવ્યું છે. ત્રણ વર્ષ પહેલા નગરાળા ગામના આ તળાવની સંગ્રહશક્તિ 1 MCFT હતી તે હવે વધીને 3 MCFT થઇ છે. સુજલામ સુફલામ યોજના અંતર્ગત આ તળાવને ખોદવામાં આવતા તેની સંગ્રહશક્તિમાં 2 MCFT નો વધારો થયો છે. તેના પરિણામે તળાવની આસપાસના ત્રીસેક જેટલા કૂવામાં પાણીના તળ ઉંચા આવ્યા છે અને કૃષિની ૨૦ હેક્ટર જમીનને ફાયદો થયો છે.

ગામના સરપંચ જવસિંગ માવી કહે છે, તળાવની ખાસપાસના ખેડૂતો પહેલા માત્ર ખરીફ અને શિયાળું મોસમનો જ પાક લઇ શકતા હતા. કારણ કે, શિયાળો પૂરો થતાં થતાં કૂવામાં પાણી પણ પૂરા થઇ જતાં હતા. એટલે ઉનાળામાં તો કોઇ પાક લઇ જ શકાતા નહોતા. પણ, હવે સુજલામ્ સુફલામ્ જળ અભિયાનમાં અમારા ગામનું તળાવ સારા પ્રમાણમાં ઉંડુ થતાં ઉનાળામાં પણ પાણી રહ્યું છે. પહેલા વરસાદ સારો પડે તો પણ આટલાં લાંબા સમય સુધી પાણી રહેતું નહોતું. તેના કારણે ખડૂતોને ફાયદો થયો છે. હવે આસપાસના ખેડૂતો ત્રણ મોસમનો પાક લઇ શકે છે. ગામના વયોવૃદ્ધ નાગરિક અને તાલુકા પંચાયતના સભ્ય રૂમાલભાઇ ડામોર કહે છે, પહેલા તો ક્યારેક હોળી પહેલા સૂકાઇ જતું હતું. પણ, સુજલામ્ સુફલામ્ જળ અભિયાનમાં અહી સારૂ કામ થતાં દાયકાઓ બાદ ભરઉનાળે પણ તળાવમાં પાણી રહ્યું છે. નગરાળા ગામના આ તળાવ પાસે જ વાડી ધરાવતા ગજેસિંહ ભૂરિયાએ આ વખતે ઉનાળું મોસમ પણ લીધી છે. ભીંડી, ગુવાર સહિતની શાકભાજીનું વાવેતર કર્યું છે. જેના કારણે અઠવાડિયામાં ત્રણ-ચાર હજારની આવક થઇ જાય છે. તેમની વાડીના કૂવામાં આ ઉનાળામાં ભરપૂર પાણી છે. પાણી એટલું ભર્યું છે કે, તમે નાનું દોરડું નાખી પાણી સિંચી શકો. તે કહે છે, સુજલામ્ સુફલામ્ જળ અભિયાન દરમિયાન તળાવમાંથી ખોદાયેલી માટી પણ અહીં નાખી છે. સામાન્ય રીતે ઉનાળામાં ખેડૂતોને આવકનો પ્રશ્ન હોય છે. પણ, આ વખતે ઉનાળામાં અમે શાકભાજીનું વાવેતર કરતા આવકનો પ્રશ્ન ઉકેલાઇ ગયો છે.
સુજલામ્ સુફલામ્ જળ અભિયાનના આ ત્રીજા ચરણમાં પંચાયત સિંચાઇ વિભાગ દ્વારા કુલ ૧૮૧ જળાશયોને ઉંડા કરવાના કામનું આયોજન કરાયું છે. આ માટે અંદાજે રૂ. ૫૧૭ લાખનો ખર્ચ થશે. આ તળાવોની હયાત કુલ સંગ્રહ ક્ષમતા 905 MCFT છે, તેમાં 60 MCFT નો વધારો થશે. તાલુકાવાર કામોની સંખ્યા જોઇએ તો દાહોદમાં 42, ગરબાડામાં 18, લીમખેડામાં 08 અને ધાનપુરમાં 16, સિંગવડમાં 07, ઝાલોદમાં 43, ફતેપુરમાં 17, સંજેલીમાં 09 તથા દેવગઢ બારિયા તાલુકામાં 24 કામોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત રાજ્ય સિંચાઇ વિભાગ દ્વારા હાથ પર લેવાયેલા કામો તો અલગ ! દાહોદ જિલ્લામાં આ વખતે ઉનાળા પાકનું વાવેતર પાછલા ત્રણ વર્ષોના સરેરાશ કરતા વધ્યું છે. તેની પાછળનું એક કારણ સુજલામ સુફલામ જળ અભિયાન પણ ગણી શકાય ! આ વર્ષે કુલ 9466 હેક્ટર જમીનમાં ઉનાળું પાકનું વાવેતર થયું છે. જે સરેરાશ 5487 હેક્ટર કરતા વધારે છે. ઉનાળું પાકમાં મગ 1716 હેક્ટર, મગફળી 2029 હેક્ટર અને શાકભાજી 2712 હેક્ટરનું વાવેતર મુખ્ય છે. આમ, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના દ્રષ્ટિવંત નેતૃત્વના પરિપાકરૂપ સુજલામ્ સુફલામ જળ અભિયાનને કારણે જળ, જમીન અને કૃષિને અમૂલ્ય ફાયદો થયો છે.


Related News

Comments are Closed

%d bloggers like this: