વિશેષતા: ગુજરાતના ખજૂરાહો તરીકે જાણીતું બાવકાનું શિવ મંદિર પ્રખ્યાત, યુગલ શિલ્પોના બેનમૂન નમૂનાથી રાષ્ટ્રીય સ્મારકમાં સ્થાન
- Gujarati News
- Local
- Gujarat
- Vadodara
- Bavka’s Shiva Temple, Popularly Known As Khajuraho In Gujarat, Is A National Monument With A Benmoon Pattern Of Famous Couple Sculptures.
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વડોદરાએક કલાક પહેલા
- કૉપી લિંક
છોટાઉદેપુર જિલ્લાના પૂર્વ દક્ષિણ સરહદી ત્રિભેટે, ઋષિ કલ્હંસની તપોભૂમિનું હાંફેશ્વર શિવ મંદિર છે
- છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકા મથકથી લગભગ 17 કિલોમીટરના અંતરે મંદિર આવેલુ છે
ગુજરાતની સુરક્ષા કરતી શિવ ચોકીઓ જેવા તીર્થો પૈકી એક ગુજરાતનું પૂર્વીય પ્રવેશ દ્વાર ગણાતા દાહોદથી સાવ અડીને આવેલું બાવકાનું પ્રાચીન શિવ મંદિર છે. તો બીજું છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકા મથકથી લગભગ 17 કિલોમીટરના અંતરે, પૂર્વ દક્ષિણ સરહદી ત્રિભેટે, ઋષિ કલ્હંસની તપોભૂમિનું હાંફેશ્વર શિવ મંદિર છે. શિલ્પ અને સ્થાપત્યની બેનમૂન ધરોહર જેવું બાવકાનું શિવ મંદિર રાષ્ટ્રીય અગત્યના સ્મારકમાં સ્થાન પામ્યું છે. મંદિરના પથ્થરો પર કંડારવામાં આવેલા યુગલ શિલ્પોને લીધે ગુજરાતના ખજૂરાહો તરીકે ઓળખાય છે.
શિવ મંદિર રાષ્ટ્રીય અગત્યના સ્મારકમાં સ્થાન પામ્યું છે
કામદેવે મંદિર નિર્માણ કરાવ્યાની લોકવાયકા
આ એક શિવ પંચાયતન પ્રકારનું શિવાલય છે. અવશેષો જોતાં જણાય છે કે, વચ્ચેના મુખ્ય મંદિરના ચારેય ખૂણે ચાર મંદિર હતાં. જે હવે લગભગ નામશેષ થઈ ગયાં છે. એક કથા પ્રમાણે ભગવાન કામદેવે આ મંદિરનું નિર્માણ શરૂ કરાવ્યા પછી બાંધકામ અર્ધું છોડી દીધું હતું. ઐતિહાસિક આધારો અનુસાર છેલ્લા ચૌલુકય સમ્રાટ ભીમ દ્વિતીય દ્વારા ઇસવીસન 1178 – 1240 દરમિયાન આ શિવાલય બંધાવ્યું હતું. જે હવે તત્કાલીન શિલ્પ અને નિર્માણ કુશળતાની અમૂલ્ય ધરોહર સમાન છે. આ મંદિરની આસપાસનું પરિદૃશ્ય ચોમાસામાં જ્યારે ઘનઘોર ઘટાઓ છવાઈ જાય ત્યારે ખૂબ મનોહારી બને છે. દૂરથી જોતાં ઊંચી ટેકરી પર ઉભેલું આ શિવધામ, જટાળા જોગી મહાદેવ એમની જટાઓ છોડીને ગંગા અવતરણને ઝીલવા ઉન્નત મસ્તકે ઊભા હોય એવો અહેસાસ થાય છે.
કથા પ્રમાણે ભગવાન કામદેવે આ મંદિરનું નિર્માણ શરૂ કરાવ્યા પછી બાંધકામ અર્ધું છોડી દીધું હતું
ત્રણ રાજ્યોની સરહદે મંદિર
ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગ અહી જે કંઈ બચ્યું છે. તેને સાચવવા અને સંવર્ધિત કરવા કાર્યરત છે. પ્રાંગણમાં ઠેર-ઠેર શિલ્પમંડિત પથ્થર શિલાઓ વેરવિખેર જોવા મળે છે. દાહોદ જિલ્લા પ્રશાસને હાલમાં આ મંદિરની બાજુમાં વન ઉછેરીને તેને વધુ હરિત રમણીયતા આપવાનો પ્રયાસ આદર્યો છે. છોટાઉદેપુર જિલ્લાના હાંફેશ્વરની વાત કરીએ તો આ જગ્યા ગુજરાત,મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રની સરહદોનો ત્રિભેટો છે. માં નર્મદાને સરદાર સરોવર રૂપે લહેરાવા અને કચ્છ-રાજસ્થાન સુધી ટહેલવાની સગવડ કરી આપવા જાણે કે, શિવ પિતાએ જગ્યા છોડીને ખસી જવાનું સ્વીકાર્યું હોય તેમ મૂળ પ્રાચીન મંદિર હાલ ડૂબાણમાં ગયું છે. લોક કલ્યાણ માટે ભગવાન સ્થળાંતરીત થયાં હોય એવી આ ઘટના છે.
મંદિરની આસપાસનું પરિદૃશ્ય ચોમાસામાં જ્યારે ઘનઘોર ઘટાઓ છવાઈ જાય ત્યારે ખૂબ મનોહારી બને છે
સોમનાથ શૈલીનું મંદિર બાંધવામાં આવ્યું
હાલ સરદાર સરોવર પુનઃ વસવાટ એજન્સી દ્વારા નજીકના પાધર ગામે સોમનાથ શૈલીનું ભવ્ય મંદિર બાંધવામાં આવ્યું છે. જ્યાં કલ્હન્સ ઋષિના આરાધ્ય હંસેશ્વર દાદા બિરાજમાન થયાં છે. આ વિસ્તાર એ ઋષિની તપોભૂમિ છે. ભીમ પત્ની હિડિંબાના વન તરીકે લોક વાયકાઓમાં જાણીતી છે. અમર અશ્વત્થામા આ વિસ્તારમાં હજુ વિચરણ કરે છે, તેવી શ્રધ્ધા છે. અહી રાજ્ય સરકાર દ્વારા પ્રવાસનની સુવિધાઓ પણ ઊભી કરવામાં આવી છે. હંસેશ્વરનું લોકબોલીમાં હાંફેશ્વર અપભ્રંશ થયું. બીજો મત એ પણ છે કે, જ્યારે રસ્તાની સુવિધા ન હતી, ત્યારે આ દુર્ગમ સ્થળે પહોંચતા હાંફ ચઢી જતો એટલે આવું નામ પડ્યું.
પાધર ગામે સોમનાથ શૈલીનું ભવ્ય મંદિર બાંધવામાં આવ્યું છે
નૌકા વિહારમાં પણ ઉપયોગી
આ જગ્યાએ આદિવાસી સમુદાયની ઉદ્યોગ સાહસિકતાનો ઉજ્જવળ પુરાવો જોવા મળે છે. સરદાર સરોવરની અગાધ જળરાશીને લીધે ઉપરવાસના ગામોની રસ્તા માર્ગે સંપર્ક કડી તૂટી ગઈ ત્યારે એને ફરીથી જોડવા સાહસિક આદિવાસી યુવાનોએ સાદી અને યાંત્રિક હોડીઓ વસાવીને જળ માર્ગ શરૂ કર્યો, જે આજે યાત્રીઓને નૌકા વિહારમાં પણ ઉપયોગી બની રહ્યો છે. ઉપરવાસના ગામો માટે તાલુકા મથક કવાંટનો સોમવારનો હાટ હજુ પણ પશુધન, જંગલ પેદાશો અને અન્ય જીવન જરૂરી ચીજવસ્તુઓ માટે વેપાર વિનિમયનું કેન્દ્ર છે. જ્યાં તેઓ હવે હોડીમાર્ગે હાંફેશ્વર આવીને જમીન માર્ગે આગળ ની સફર કરે છે.
ચૌલુકય સમ્રાટ ભીમ દ્વિતીય દ્વારા ઇસવીસન 1178 – 1240 દરમિયાન આ શિવાલય બંધાવ્યું હતું
આ રીતે પહોંચી શકાય
એક સમયે જૂના મંદિર કડીપાનીથી લગભગ ચાલતા જવું પડતું.માત્ર ટ્રકો અને ડંપરો જઈ શકતા.હવે ચોમાસાં સિવાયના મહિનાઓમાં રસ્તા માર્ગે અવર જવર શક્ય બની છે, અને એસટી બસ સેવાઓ પણ ચાલે છે. આ કુદરતની વચ્ચે આવેલા તીર્થ ધામો, પર્યાવરણ પ્રવાસ ધામો છે.તેમનું અનુસંધાન આપણા ભવ્ય ઐતિહાસિક વારસા સાથે છે.પ્રવાસીઓ અહીં કુદરત ના ખોળે પ્રભુ દર્શનનો આનંદ માણવા આવે,પ્લાસ્ટિક વેસ્ટ અને અન્ય પ્રકારનો કચરો ફેલાવી ગંદકી ન છોડી જાય તે જરૂરી છે.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed