વિજયોત્સવ: દાહોદ પાલિકામાં સળંગ છઠ્ઠી વખત ભગવો લહેરાયો; 10 જુના અને 26 તદ્દન નવા નગરસેવકો ચૂંટાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ36 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • 1995થી ભાજપ શાસિત દાહોદ પાલિકા ચૂંટણીમાં કોંગ્રેસ અને અપક્ષના મહારથીઓને હારનો સામનો કરવો પડ્યો
  • 36માંથી 31 બેઠક પર ભાજપનો વિજય, કોંગ્રેસ 5માં જ સમેટાઇ

દાહોદ પાલિકામાં ભાજપે 36 પૈકીની 31 બેઠકો પ્રાપ્ત કરીને ઐતિહાસિક વિજય મેળવ્યો છે. દાહોદ પાલિકામાં ગત ટર્મની 22 બેઠકોમાં 9 બેઠકોની વૃદ્ધિ સાથે ભાજપે બળવાખોર અપક્ષ ઉમેદવારોના અને કોંગ્રેસના સૂપડા સાફ કર્યા છે. છેલ્લા અઢી દાયકાથી ભાજપ શાસિત દાહોદ પાલિકામાં સતત સળંગ છઠ્ઠી વખત ભગવો લહેરાતા દાહોદ ભાજપમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે. જો કે દાહોદના ભાજપના ગઢમાં ભાજપમાંથી જ બળવાખોરી કરી કોંગ્રેસમાં જોડાઈ કોંગ્રેસ વતી વોર્ડ નં. 3માં લડેલા કાઈદ ચુનાવાલાની આખી પેનલ જ વિજેતા બનતા ભાજપ પક્ષે અપસેટ સર્જાયો હતો.

જો કે ત્યારબાદ વોર્ડ નં. 4થી 9 સુધીની તમામ પેનલો ભાજપની જ આવતા દાહોદના તમામ વિસ્તારોમાં ઉત્સાહભેર ભવ્ય વિજયયાત્રાઓ નીકળતા ઠેરઠેર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. કુલ 9 વોર્ડની 36 બેઠકો પૈકીના ભૂતકાળમાં વિજેતા બન્યા હોય તેવા 10 જુના નગરસેવકો સિવાય તદ્દન નવા કહી શકાય તેવા 26 લોકોએ વિજય પ્રાપ્ત કર્યો છે. જેમાં કોંગ્રેસ પક્ષે વોર્ડ નં.3ની આખી પેનલ અને વોર્ડ નં.1માં માત્ર 1 બેઠક સાથે કોંગ્રેસ પક્ષે માત્ર 5 ઉમેદવારોને વિજય મળ્યો છે. જે પૈકી વોર્ડ નં.2,4,5,6, 7, 8 અને 9 માં ભાજપની આખેઆખી પેનલનો જ વિજય થયો છે.

સંનિષ્ઠ ભાજપીઓએ ટિકિટ નહીં મળતાં બળવો કર્યો હતો
આ વખતે ભાજપની જાહેર થયેલા માર્ગદર્શિકા બાદ પણ પક્ષના અનેક હોદ્દેદારો અને તેમના સ્વજનોને ટિકિટ ફાળવાઈ તે સંદર્ભેનો અસંતોષ જાહેરમાં સપાટીએ આવ્યો અને ભાજપને છેલ્લા બબ્બે દાયકાથી સંનિષ્ઠ રીતે વરેલા અરવિંદ ચોપડા, યુસુફ રાણાપુરવાલા, વિદ્યાબેન મોઢીયા, સ્વપ્નિલ દેસાઈ, સતિષ પરમાર, કેસરબેન યાદવ, પુષ્પાબેન ઠાકુર, કાઈદ ચુનાવાલા સહિત અનેક લોકોએ અપક્ષ કે કોંગ્રેસમાંથી ઉમેદવારે કરી હતી.

કોંગ્રેસના મહારથી સહિત ગત ટર્મના તમામ 13 વિજેતા હાર્યા
કોંગ્રેસના ખેરખાં ગણાતા અને ભાજપની લહેરમાં પણ અંતિમ 6 પૈકીની 5 ટર્મમાં વિજેતા બનેલા નજમુદ્દીનભાઈ ગાંગરડીવાલાને આ વખતે ભાજપની સુનામી લહેરમાં ભૂંડી હારનો સામનો કરવો પડ્યો હતો. તેમની સાથે ગત ટર્મના તમામ 13 કોંગ્રેસી કાઉન્સિલરો હારી જતા દાહોદ કોંગ્રેસમાં હડકંપ મચી ગયો છે.

કોંગ્રેસ, આપ, અપક્ષોના સૂપડાં સાફ થયા
કોંગ્રેસ, આપ, અપક્ષ ઉમેદવારોને છેક સુધી એવી આશા હતી કે પાલિકામાં આ વખતે ભાજપને ચોક્કસ બહુમતી નહીં જ મળે અને સત્તા સ્થાન માટે કોંગ્રેસ કે અપક્ષોનો દબદબો વધશે. પરંતુ, ઉલટાનું ભાજપને ગત વખત કરતાંય 9 બેઠકો વધુ મળી હતી. ગયા વખતે 13 બેઠકો મેળવી ચૂકેલા કોંગ્રેસને માત્ર 5 જ બેઠકો મળતા તેમના પક્ષે સ્પષ્ટ નુકશાન નોંધાયું છે. કોંગ્રેસ પક્ષે ગત ટર્મની 13માંથી સીધી 8 બેઠકોનો ઘટાડો થયો હતો. આ સાથે અપક્ષ ઉમેદવારોના ભાગે તો એકપણ બેઠક નહીં આવતા બળવો કરી અપક્ષ ઉમેદવારી કરનારાઓને કરારી હાર વેઠવાનો વારો આવ્યો હતો.

10 પૂર્વ કાઉન્સિલરો વિજેતા બન્યા
ગત વર્ષોમાં ભાજપ કે કોંગ્રેસ પક્ષે વિજેતા નીવડયા હોય તેવા માત્ર 10ને ફરી સફળતા મળી હતી. રીનાબેન પંચાલ, લખન રાજગોર, ભાવનાબેન વ્યાસ, માસુમા ગરબાડાવાલા, નૃપેન્દ્ર દોશી, કાઈદ ચુનાવાલા અને લક્ષ્મીબેન ભાટ સળંગ બીજી વખત પણ વિજય મેળવવામાં સફળ રહ્યા હતા. સામે 2015 અગાઉની ટર્મમાં વિજેતા નિવડયા હોય તેવા ગોપી દેસાઈ, રાજેશ સહેતાઈ અને રાકેશ નાગોરી એક બ્રેક બાદ પુન: પાલિકામાં બિરાજમાન થયા છે.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: