વરસાદ ફરી રીસાયો: સારા વરસાદ માટે જુલાઇ માસમાં સપ્તાહ રાહ જોવી પડશે

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar

પ્રતિકાત્મક તસવીર

દાહોદ જિલ્લામાં વરસાદ ફરી રીસાયો છે. તેના કારણે અંગ દઝાડતો તાપ અને બફારો વધી ગયો છે. જુલાઇ માસના પ્રારંભમાં પણ એપ્રિલ જેવી ગરમી પડી રહી છે.

સોમવારે દાહોદ શહેરમાં હવામાં 50% ભેજ સાથે લઘુત્તમ 25 અને મહત્તમ તાપમાન 33 સે.ગ્રે. ડિગ્રી નોંધાયું‌ હતું. વેધર વૈજ્ઞાનિકો મુજબ પશ્ચિમી ગતિવિધિને કારણે મોનસુન સિસ્ટમ મંદ પડતાં વરસાદ માટે હજી એક સપ્તાહની રાહ જોવી પડશે.

દાહોદ જિલ્લામાં ચોમાસાનો પ્રારંભ તો થઇ ગયો છે પણ તેને અનુકુળ સ્થિતિ બની નથી રહી. મુખ્યત્વે 15 જૂનથી 15 સપ્ટેમ્બર સુધીના સમયગાળાને ચોમાસું સીઝન ગણી શકાય. આ સીઝનમાં વરસાદ પડવાની પેટર્નમાં બદલાવ આવે ત્યારે ચોમાસું સીઝનમાં પાક આયોજન બદલવું પડે તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે.

જોકે, ખેડૂતોએ સારા વરસાદની આશ નહીં છોડતાં ગત સપ્તાહમાં જિલ્લામાં થયેલી 19857 હેક્ટરમાં વાવણી સામે આ સપ્તાહમાં 37651 હેક્ટરના વધારા સાથે હાલ કુલ 57508 હેક્ટરમાં વાવણી થઇ ગઇ છે. જો વરસાદ ખેંચાશે તો મકાઇની ઓરણી કરનારા ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવે તેમ જોવાઇ રહ્યું છે.

આકસ્મિક પાક આયોજનનો અમલ હિતાવહ
સામાન્ય રીતે ખેડૂતો જાતે તેમના સ્વાનુભવે પાક આયોજન કરતા જ હોય છે, પરંતુ ઘણી વખત કુદરતી વિષમ પરિસ્થિતિ ઉભી થતી હોય છે કે તેમનું આયોજન નિષ્ફળ જાય છે અને ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવું પડે છે. હાલમાં ખેડૂતોએ મોટે ભાગે દાહોદ જિલ્લાના બધા જ તાલુકાઓમાં મકાઈનું વાવેતર કર્યું છે. અત્યારે ઓછો વરસાદ પડવાના કારણે પાણીની ખેંચ મોટાભાગના પાકોમાં જણાય છે. વરસાદની ખેંચ અને વરસાદ ન પડવાના સંજોગોમાં આર્થિક નુકશાની ઘટાડવા આકસ્મિક પાક આયોજન કરવું હિતાવહ છે. >જે.એચ સુથાર,ખેતીવાડી અધિકારી, દાહોદ

કયા પાકનું કેટલા હેક્ટરમાં વાવેતર

તાલુકો મકાઇ સોયાબીન શાકભાજી ઘાસચારો
દાહોદ 7768 4106 93 92
દે.બારિયા 6245 2 82 44
ધાનપુર 6820 305 367 392
ફતેપુરા 5620 75 86 253
ગરબાડા 5196 2417 278 119
ઝાલોદ 1023 298 0 0
લીમખેડા 4120 218 175 188
સીંગવડ 4227 83 38 33
સંજેલી 2555 208 115 163
કુલ 43574 7712 1234 1284

​​​​​​​બે વર્ષની 5 જુલાઇની વરસાદની સ્થિતિ

તાલુકો 2020 2021
દાહોદ 140 53 મી.મિ
દે.બારિયા 82 74 મી.મિ
ધાનપુર 61 23 મી.મિ
ફતેપુરા 90 99 મી.મિ
ગરબાડા 30 32 મી.મિ
ઝાલોદ 40 17 મી.મિ
લીમખેડા 27 38 મી.મિ
સીંગવડ 29 43 મી.મિ
સંજેલી 85 65 મી.મિ

​​​​​​​ઓછા વરસાદમાં કયા પાકો લઇ શકાય

​​​​​​​ઓછો વરસાદ અને અછતની પરિસ્થિતિમાં ચોમાસામાં બાજરી, દિવેલા અને કઠોળ પાકો થઇ શકે છે. જો ચોમાસું મોડુ શરૂ થાય તો ઘાસચારાના પાકોને પ્રાધાન્ય આપી તેનો વિસ્તાર વધારવો. ડાંગરની એસઆરઆઈ (શ્રી) પદ્ધતિથી રોપણી કરવી. વરસાદ આધારીત ખેતી વિસ્તારમાં મકાઇની વહેલી પાકતી જાત ગુજરાત આણંદ પીળી મકાઇ સંકર 1 અને ગુજરાત આણંદ સફેદ મકાઇ સંકર-2ની બિન પિયત ચોમાસુ માટે હિતાવહ કહેવાય છે.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: