મેઘાએ મોઢું ફેરવ્યુ: દાહોદ જિલ્લામાં છેલ્લા સપ્તાહથી છુટક છાંટા સિવાય વરસાદ ન વરસતાં ચિંતાના વાદળો ઘેરાયા
દાહોદ4 કલાક પહેલા
- કૉપી લિંક
- છેલ્લે 16 જુલાઇના રોજ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થયા બાદ મેઘો રિસાયો જિલ્લામાં એકધારા વરસાદને અભાવે જળાશયોમાં પણ નવા નીરની આવક નથી થઇ
દાહોદ જિલ્લામાં ચોમાસું જામતુ ન હોવાથી હવે ચિંતાના વાદળો ઘેરાયા છે. ધરતીપુત્રોએ પ્રથમ વરસાદ બાદ વાવેતર કરી દીધુ છે, ત્યારે છેલ્લા એક સપ્તાહથી મેઘાએ મોઢું બતાવ્યુ નથી. જેથી એક તરફ બફારાથી પ્રજા ત્રસ્ત છે તેમજ ખેડૂતો પણ હવે આકાશો મીટ માંડીને બેઠા છે. જોકે, હવામાન વિભાગની આગાહીથી આશા બંધાઇ છે.
દાહોદ જિલ્લામાં આ વખતે ચોમાસુ મોડું શરુ થયુ હતુ તેમજ જિલ્લામાં જે તે વખતે વાવણી લાયક વરસાદ પણ સાગમટે થયો ન હતો. દરેક તાલુકાઓમાં છુટો છવાયો વરસાદ થયા બાદ ખેડૂતોએ ભગવાન ભરોસે જ વાવેતર શરુ કરી દીધુ હતુ. જિલ્લામાં મકાઇ અને સોયાબીનની વાવણી કરવામાં આવી છે, પરંતુ અડધા અષાઢે પણ આકાશે મીટ માંડવી પડી રહી છે. કારણ કે જિલ્લાને તરચબતર કરી નાખે તેવો એકધારો વરસાદ હજી થયો નથી. આટલા સમયમાં એકાદ વખત જ ચોમાસાનો અહેસાસ થાય તેમ મેઘરાજા મન મુકીને વરસ્યા છે. બાકી તો હજી સુધી જનસામાન્ય ઇન્દ્રદેવની કૃપાની ઇંતેજારીમાં જ છે.
જિલ્લાના ડેમોમાં પણ નવા નીરની આવક થઇ રહી નથી. કારણ કે, ડેમો છલકાઇ આવે તેવી મેઘ મહેર થઇ શકી નથી. તેવી જ રીતે ગામડાઓમાં પશુઓને પીવાનુ તેમજ ઘરકામ ઉપરાંત સિંચાઇ માટે વપરાશમાં આવે તેવા નાના મોટા તળાવો પણ હજી સુધી વરસાદના અભાવે ભરાયા નથી. શુક્રવારે બપોરથી જ જિલ્લામાં વાદળછાયુ વાતાવરણ યથાવત છે અને ઠંડા પવનની લહેરખીઓ વચ્ચે વરસાદે તો સાંજ સુધી હાથ તાળી જ આપી છે.
બીજી તરફ આ ઉનાળે કાળઝાળ ગરમી બાદ હાલના સમયમાં લોકો ઉકળાટ અને બફારાથી ત્રાહિમામ છે. ત્યારે એકધારો વરસાદ વરસે તો જ આ તમામ સમસ્યાઓથી છુટકારો મળે તેમ છે. તારીખ 16 જુલાઇના રોજ સમગ્ર જિલ્લામાં મેઘો મન મુકીને વરસ્યો હતો. ત્યારબાદ આજ દિન સાંજ સુધી જનસામાન્ય ચાતક નજરે વરસાદની રાહ જોઇ રહ્યા છે.
હવે વાવેતરને પણ પાણીની જરુર છે ત્યારે વહેલી તકે વરસાદ નહી આવે તો ખેતીને પણ જોખમ ઉભુ છે. જોકે, આજે હવામાન ખાતાએ કરેલી આગાહી પ્રમાણે દાહોદ જિલ્લામાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવનાને કારણે લોકોને અને ખાસ કરીને ધરતીપુત્રોને આશા બંધાઇ છે કે વરુણ દેવની કૃપા થશે અને બધુંયે સમુસુતરું થઇ જશે.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed