મધ્ય ગુજરાતના લેટેસ્ટ ન્યૂઝ: દહેજની હિમાની ઓર્ગેનિક કંપનીમાં ભીષણ આગ, 1 કામદારનું મોત, 12 વર્ષથી ફરાર આરોપી દાહોદથી ઝડપાયો, ગોધરા પોલીસે કતલખાને લઇ જવાતા 6 ગૌવંશને બચાવ્યા
વડોદરાએક કલાક પહેલા
- કૉપી લિંક
દહેજની હિમાની ઓર્ગેનિક કંપનીના ETP પ્લાન્ટમાં આજે ભીષણ આગ ફાટી નીકળી હતી
1.દહેજની હિમાની ઓર્ગેનિક કંપનીના ETP પ્લાન્ટમાં ભીષણ આગ, 1 કામદારનું મોત
ભરૂચ જિલ્લાના દહેજ સ્થિત હિમાની ઓર્ગેનિક કંપનીના ETP પ્લાન્ટમાં રાસાયણિક પ્રક્રિયા આજે સવારે ભીષણ આગ ફાટી નીકળી હતી. જેને પગલે ફાયર બ્રિગેડ ઘટના સ્થળે દોડી ગયું હતું અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે આગની આ ઘટનામાં કંપનીમાં કામ કરતા એક કામદારનું દાઝી જતા મોત થયું હતું. જેથી પોલીસે તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો અને આ મામલે કંપની સત્તાધિશોની પૂછપરછ શરૂ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. હિમાની ઓર્ગેનિક કંપની એગ્રો કેમિકલનું ઉત્પાદન કરતી હોવાનું જાણવા મળ્યું છે. હિમાની ઓર્ગેનિક કંપનીમાં લાગેલી આગના ધૂમાડા દૂર-દૂર સુધી જોવા મળ્યા હતા. જેને પગલે લોકોના ટોળેટોળા પણ ઘટના સ્થળે એકત્ર થઇ ગયા હતા.
2.દાહોદ પેરોલ ફર્લો સ્ક્વોડે 12 વર્ષથી ફરાર આરોપીને ઝડપી પાડ્યો
વર્ષ-2008માં વાસદ પોલીસ સ્ટેશનના ધાડ વીથ મર્ડરનો આરોપી રાયસિંગ તાનસિંગ ડાંગી પેરોલ ફર્લો ઉપર છૂટ્યા બાદ ફરાર થઇ ગયો હતો અને છેલ્લા 12 વર્ષથી નાસતો-ફરતો હતો. દાહોદ પેરોલ ફર્લો સ્ક્વોડે બાતમીને આધારે આરોપીને 12 વર્ષે ઝડપી પાડ્યો હતો અને વાસદ પોલીસને સોંપી દીધો હતો. વાસદ પોલીસે આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
3. ગોધરા પોલીસે 6 ગૌવંશને બચાવ્યા
ગોધરા શહેર બી ડિવિઝન પોલીસે ગોધરાના સાત પુલ પાસે મેશરી નદીમાં બાવળની ઝાડીઓમાં ગૌવંશને કતલના જતા બચાવ્યા હતા. પોલીસે રેડ કરીને સ્થળ પરથી 6 ગૌવંશ મળી આવ્યા હતા અને રૂ 1.10 લાખની કિંમતના ગૌવંશને બચાવીને પાંજરાપોળ મોકલી આપ્યા હતા અને ગૌવંશ મંગાવનાર તાહેરા ઈલ્યાસ ભોલ અને આસિફ ખાલિદ પટેલ વિરૂદ્ધ પશુ અત્યાચારની કલમ હેઠળ ગુનો નોંધીને વોન્ટેડ જાહેર કર્યાં હતા.
4. ગોધરા તાલુકા પંચાયતના સરપંચોએ તાલુકા વિકાસ અધિકારી સામે બાયો ચઢાવી
ગોધરા તાલુકા પંચાયતના 100થી વધુ સરપંચો દ્વારા ગોધરા તાલુકા વિકાસ અધિકારી સામે બાયો ચઢાવી છે અને લાખો રૂપિયાના કામો કરવા છતાં તે કરેલા કામોના નાણાંના બિલો કોઈપણ કારણ વગર અટકાવતા હોવાના આક્ષેપ સાથે તાલુકા વિકાસ અધિકારીની જોહુકમી સામે ગાંધીનગર પંચાયત મંત્રીને તેમજ જિલ્લા વિકાસ અધિકારીને આ મામલે રજૂઆત કરી હતી. આ મામલે બામરોલી ખુર્દ ગામના સરપંચ રમણભાઈ ચંદુભાઈ બારીઆ તેમજ તેઓનો પરિવાર આગામી સોમવારે તાલુકા પંચાયત ગોધરા ખાતે ભૂખ હડતાળ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી હતી.
5. ગોધરાના બહારપુરા વિસ્તારમાં કારની ટક્કરે 75 વર્ષીય વૃદ્ધાનું મોત
ગોધરાના લુહાર સુથાર ફળિયામાં રહેતા ઈશ્વરભાઈ ખત્રીના માતા તિર્થાબેન ગુરૂવારના રોજ રાતના સમયે બહારપુરા વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે પૂરઝડપે જઈ રહેલા એક કારચાલકે ટક્કર મારતાં તેઓને માથાના તેમજ પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ, સારવાર દરમિયાન તેઓએ પોતાનો દમ તોડયો હતો. આ બનાવ સંદર્ભે ગોધરા શહેર એ ડિવિઝન પોલીસ મથકે કારના નંબરના આધારે કારચાલક સામે ગુનો નોંધાયો છે.
6. ફતેપુરામાં માસ્ક વગર વેપાર કરતા વેપારીઓ દંડાયા
દાહોદ જિલ્લાના ફતેપુરામાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસ ઉપર કાબૂ મેળવ્યો છે, ત્યારે કોરોનાથી સાવચેતી રાખવા માટે ફતેપુરામાં મામલતદાર પી. એન.પરમારે પોલીસ સ્ટાફને સાથે રાખીને અચાનક ચેકિંગ કરતા માસ્ક વગર વેપાર કરતા વેપારીઓ પાસે દંડ વસૂલવામાં આવ્યો હતો. અચાનક તપાસ કરતા વેપારીઓમાં ફફડાટ ફેલાઇ જવા ગયો હતો. કેટલીક જગ્યાએ સોશિયલ ડિસ્ટન્સ વગર તો કેટલીક જગ્યાએ માસ્ક વગર વેપાર કરતા વેપારીઓ જોવા મળ્યા હતા.
7. કવાંટના મોટી ટોકરી ગામમાં નદી ઉપર પુલ બનશે
છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના મોટી ટોકરી ગામ પાસે નદી ઉપર પુલ બનવવાના વર્ષો જૂનું સપનું હવે સાકાર થશે. બોરધા અને નાની ટોકરી અને મોટી ટોકરી ગામને જોડતો પુલનું કામ 7.50 કરોડના ખર્ચે માર્ગ મકાન વિભાગ(પંચાયત) દ્વારા મંજૂર કરવામાં આવ્યું છે. જેના ખાતમુહૂર્ત માટે છોટાઉદેપુર સાંસદ ગીતાબેન રાઠવા અને પાવીજેતપુર ધારાસભ્ય સુખરામ ભાઈ રાઠવા હાજર રહ્યા હતા.
8. વડોદરા જિલ્લામાં અધિક જિલ્લા મેજીસ્ટ્રેટનું જાહેરનામુ, જાહેરમાં પૂતળા બાળવા પર પ્રતિબંધ
આગામી તહેવારો અને વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને વડોદરા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે અધિક વડોદરા જિલ્લા મેજીસ્ટ્રેટ ડી.આર. પટેલે જાહેરનામુ બહાર પાડ્યું છે. જે મુજબ શસ્ત્રો દંડા, તલવાર, બંદુક, ભાલા, છરા, લાકડી કે લાઠી અથવા શારીરિક ઈજા પહોચાંડી શકાય તેવુ કોઈપણ સાધન લઈ જવું નહી, કોઈ પણ ક્ષયકારી પદાર્થ અથવા સ્ફોટક પદાર્થ સાથે લઈ જવા નહીં, પથ્થરો અથવા ફેંકી શકાય તેવી બીજી કોઈપણ વસ્તુઓ અને ફેકવાના તથા ધકેલવાના યંત્રો સાધનો લઈ જવા નહીં કે એકઠા કરવા નહી અથવા તૈયાર કરવા નહી, મનુષ્યો અથવા શબો અથવા આકૃતિઓ અથવા પૂતળા દેખાડવા નહી કે પુતળા બાળવા નહી, અપમાન કરવાના અથવા જાહેર કરવાના ઈરાદાથી જાહેરમાં બિભત્સ સૂત્રો પોકારવા નહી, અશ્લીલ ગીતો ગાવા નહી અથવા ટોળામાં ફરવું નહી, જેનાથી સુરુચિ નીતિનો ભંગ થાય તેવું ભાષણ કરવું નહી તેવા હાવભાવ કરવા નહીં અથવા તેવા ચિત્રો, પત્રિકા, પ્લેકાર્ડ અથવા બીજા કોઈપણ પદાર્થો અથવા વસ્તુઓ તૈયાર કરવી નહી. બતાવવી નહી, તેના ફેલાવો કરવો નહી. સરકારી કામકાજ અર્થે અધિકૃત કરેલા વ્યક્તિઓને લાગુ પડશે નહી. આ જાહેરનામુ 21-11-2020 સુધી અમલી રહેશે અને જાહેરનામાનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
9. રાજપીપળાના કોવિડ કેર સેન્ટરમાંથી સાજા થયેલા ૩ દર્દીઓને આજે રજા અપાઈ
રાજપીપળાના કોવિડ કેર સેન્ટરમાંથી સાજા થયેલા ૩ દર્દીઓને આજે રજા અપાતા જિલ્લામાં આજ દિવસ સુધી કોવિડ હોસ્પિટલમાંથી સાજા થયેલા 579 દર્દીઓ કોવિડ કેર સેન્ટરમાંથી સાજા થયેલા 665 દર્દીઓ સહિત કુલ-1244 દર્દીઓને રજા આપવામાં આવી છે. આમ, હોમ આઇસોલેશનમા 32 દર્દીઓ ઉપરાંત રાજપીપળાની કોવિડ હોસ્પિટલ ખાતે આજની સ્થિતિએ હવે 2 દર્દીઓ અને કોવિડ કેર સેન્ટર ખાતે 58 દર્દીઓ સહિત કુલ-92 દર્દીઓ સારવાર હેઠળ છે. આજ દિવસ સુધીમાં કોરોના પોઝિટિવ ૩ દર્દીઓના મૃત્યુ થયા છે.
10. પંચમહાલમાં કોરોનાના વધુ 6 નવા કેસ નોંધાયા
પંચમહાલ જિલ્લામાં આજે કોરોનાના વધુ 6 નવા કેસ નોંધાયા છે. આમ કુલ કેસની સંખ્યા વધીને 2820 ઉપર પહોંચી ગઇ છે. અને વધુ 6 દર્દીઓને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે અને હાલ 87 એક્ટિવ દર્દીઓ છે.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed