ભાસ્કર વિશેષ: દાહોદમાં આરોગ્યની ટીમની મદદથી એકાકી વૃદ્ધ ભાઇ અને બહેનને દવાખાને ખસેડાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ40 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ફાઈલ તસવીર

  • પોતીકાં ભયભીત હોઈ વહીવટી તંત્ર સ્વજન બનીને વૃદ્ધોની આગળ આવ્યું
  • 10 દિવસથી ઘરે તકલીફ વેઠી રહ્યાં હતા : ઉંચકીને લાવવાના સ્થાને 108 પાછી મોકલી દેવાઇ!

દાહોદ શહેરના એક વિસ્તારમાં ભદ્ર સમાજના એક વૃદ્ધ વિધવા બહેન અને તેમની સાથે રહેતા તેમનાથી પણ મોટી વયના વયોવૃદ્ધ ભાઈને છેલ્લા દસ દિવસથી શરદી, ખાંસી, તાવ જેવા લક્ષણો સાથે જમવામાં પણ તકલીફ પડતી હતી.

આ બંને વૃદ્ધોને ત્રણ- ચાર દિવસથી ભોજન નહીં લેવાતું હોઈ ઘરની સીડી પણ ન ઉતરી શકે તેવા અશક્ત થઈ ગયા હતાં. તેમના નિકટના સ્વજનોને આ બાબતની જાણ થતા શુક્રવારે 108 ને કોલ કરી આ વૃદ્ધ ભાઈ- બહેનને હોસ્પિટલ લઈ જવા માટે બોલાવી પણ સાંકડી ગલીમાં ઘર હોવાથી આ બંનેને ઉંચકીને એમ્બ્યુલન્સ સુધી લાવવા કોઇ આગળ નહીં આવતાં તે પાછી મોકલી દેવાઇ હતી. આવામાં કરુણતા એ હતી કે આ વિધવા વૃદ્ધાની એકમાત્ર પરણિત દીકરી પણ કોરોના સંક્રમિત થતા તે હાલમાં ઝાયડસ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

તો તેને લઈને તેમના પતિ પણ હાલમાં હોમ કોરન્ટાઈન થઈ ગયેલા છે. વળી, પોતાને કોરોના ચોંટી જશે તેવા ભયે આ બંને વૃદ્ધ ભાઈ-બહેનની અંગત દરકાર લેવા માટે પણ અન્ય સહુ સ્વજનો પણ ગભરાતાં હતા. ત્યારે દાહોદના એક જાગૃત વ્યક્તિએ પાલિકા અને આરોગ્ય વિભાગને વિનંતિ કરતાં શનિવારે સવારે જ સત્વરે દાહોદ આરોગ્ય વિભાગની ટીમે આવીને સાંકડી ગલીમાં આવેલ ઘરેથી બંને વૃદ્ધ ભાઈ-બહેનને 108 એમ્બ્યુલન્સ દ્વારા દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખાતે લઈ જવાયા‌ હતા. જ્યાં તબીબો દ્વારા બંનેના કોરોના Rt-pcr ટેસ્ટ અંગેની કાર્યવાહી હાથ ધરી તેનો રિપોર્ટ ના આવે ત્યાં સુધી તેમની સઘન સારવાર શરૂ કરી દેવાઈ છે.

લક્ષણો જણાય તો તબીબનો સંપર્ક કરવો
દાહોદ સહિત સમગ્ર જિલ્લામાં જે વૃદ્ધો એકાકી જીવન ગાળે છે, તેઓને ખાસ વિનંતી કે પોતાને શ્વાસજન્ય બીમારી સાથે શરદી, ખાંસી, તાવ કે ખાવા નહીં ખવાતું હોય તેવા લક્ષણો જણાય તો સત્વરે જે તે તબીબનો સંપર્ક કરી કોરોનાનો ટેસ્ટ કરાવે. બાકી, વૃદ્ધો માટે કોરોનાની ઘાતક ગણાતી મહામારી ટાણે જો સમયસર સારવાર મળી જશે તો તેઓને જીવતદાન મળી શકે છે. – ડો. મોહિત દેસાઈ, તબીબ- ઝાયડસ મેડિકલ હોસ્પિટલ


Related News

Comments are Closed

%d bloggers like this: