પુષ્ય નક્ષત્ર: દાહોદમાં પુષ્ય નક્ષત્રએ ગત વર્ષ કરતાં 40% ઘરાકી નોંધાઇ

દાહોદ40 મિનિટ પહેલા

  • કૉપી લિંક

દાહોદના વેપારી વિસ્તાર એમ.જી.રોડ પર શનિવારે ગીરદી સર્જાઈ હતી.

  • ધારી ઘરાકી નહીં નીકળતા વેપારીઓમાં નિરાશા વ્યાપી
  • દીપોત્સવ પૂર્વે દાહોદના બજારોમાં ચહલપહલ વધી

દીપોત્સવ આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે છેલ્લા આઠ માસથી ચાલતી કોરોનાજન્ય મંદીથી અસરગ્રસ્ત બનેલા દાહોદના બજારોમાં પુષ્ય નક્ષત્રના કારણે થોડીઘણી ઘરાકી નીકળતા વેપારી આલમમાં દિવાળી ટાણે ઘરાકી નીકળશે તેવી આશાઓ બંધાઈ છે.

હિન્દુ શાસ્ત્રોમાં દર્શાવેલા 27 નક્ષત્રોમાં 8 મા નક્ષત્ર તરીકે ગણાતા પુષ્ય નક્ષત્રના પાવન મુહુર્તમાં દાહોદ શહેર સહિત જિલ્લાભરમાં પ્રજાજનોએ સોના-ચાંદીના નાનામોટા ઘરેણાં અથવા સિક્કાની ખરીદી કરવા નીકળ્યા હોઈ બજારોમાં ભીડ સર્જાઈ હતી,. પરંતુ, સોના ચાંદીના ભાવ સાંભળી મોટાભાગના લોકોએ યથાશક્તિ ચાંદીના સિક્કા વગેરે લઈને મુહૂર્ત સાચવ્યું હતું. શનિવારે સોનાનો ભાવ રૂ. 53,650/ પ્રતિ 10 ગ્રામ અને ચાંદીનો ભાવ રૂ.63,800/ કિગ્રા. રહેવા પામ્યો હતો.

પુષ્ય નક્ષત્રને લઈને દાહોદના વિવિધ જ્વેલર્સની દુકાનના માલિકો દ્વારા પોતાના શોરૂમને શણગારી, આકર્ષક ડિઝાઈનના ઘરેણાંની સજાવટ પણ કરી દેવામાં આવી છે. જો કે સોનાના ભાવમાં નોંધાયેલ તેજી અને કોરોનાની મહામારીના કારણે સોનાચાંદીના ઘરેણાંની ખરીદીમાં પુષ્યનક્ષત્રએ ગત વર્ષ કરતાં માંડ 30 થી 40 % જેટલી જ ઘરાકી રહી હોવાનું જાણવા મળ્યું છે.

ખાણીપીણી, ઘરેણાં, કાપડ, પગરખા કે અન્ય ચીજવસ્તુઓના ભાવમાં પણ ગત વર્ષ કરતા નોંધનીય વધારો થયો છે તેમ છતાંય તહેવાર માથે છે ત્યારે તેને આનુષાંગિક ખરીદીનો ભલે મોડે પણ આરંભ થવા પામ્યો છે.

વિવિધ ક્ષેત્રે ઘરાકી શરૂ જ નથી થઇ
દર વર્ષે સામાન્ય રીતે આ સમયગાળામાં દાહોદના બજારમાં મીઠાઈ, ફરસાણ, દિવાળીની રોશની, કોડિયા, દીવેટો, રૂ, જુવારની ધાણી, ગાય માટેના ફૂદા, મોરીંગા સહિતના શણગાર, રંગોળીના રંગ, મોરપિચ્છ વગેરેની ખરીદી આરંભાઈ જતી હોય છે તે બદલે હજુ પણ આ તમામ ક્ષેત્રના વેપારોમાં ધારી ઘરાકી નીકળી નથી ત્યારે કોરોનાના કારણે આ વર્ષની દિવાળી સાવ ફિક્કી બની રહેશે તેવો સુર વહેતો થયો છે.

આ વખતે બે દિવસ પુષ્ય નક્ષત્ર રહેશે
પુષ્ય નક્ષત્રમાં સોનાચાંદી સહિત આમ તો બધા પ્રકારની ખરીદી શુભ અને સ્થાયી ગણાતી હોય છે. આ દિવસે સોનું, ચાંદી, આભૂષણો, વસ્ત્ર, ભૂમિ, ભવન, વાહન ખરીદવું અત્યંત શુભ માનવામાં આવે છે. તો વળી આ વખતે આસો વદ: 6 ને તા.7 નવેમ્બર, શનિવારે સવારે 8.04 થી આખો દિવસ રહેવા સાથે રવિવાર, તા. 8 નવેમ્બરે પણ સવારે 8.46 સુધી પુષ્ય નક્ષત્રનો યોગ દર્શાવાયો છે. એટલે રવિવારે પણ પુષ્ય નક્ષત્રને આનુષાંગિક ઘરાકી રહેવાની સંભાવના છે.






Related News

Comments are Closed

%d bloggers like this: