ધુળેટીમાં ભળ્યા ગમગીનીના રંગ: રાજ્યમાં ધુળેટીના દિવસે ડૂબવાની 6 ઘટના, 2 સગીર સહિત 8ના ડૂબી જવાથી મોત, 2 લાપતા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાવનગરએક કલાક પહેલા

  • કૉપી લિંક
વાપીની દમણગંગા નદીમાં ધુળેટીના દિવસે ડૂબેલાં 2 તરૂણોની હજી સુધી ભાળ મળી નથી. - Divya Bhaskar

વાપીની દમણગંગા નદીમાં ધુળેટીના દિવસે ડૂબેલાં 2 તરૂણોની હજી સુધી ભાળ મળી નથી.

  • ભાવનગર, સુરત, રાજકોટ, વલસાડ, દાહોદ અને ભરૂચ જિલ્લામાં ડૂબી જવાની ઘટના બની
  • વાપીની દમણગંગા નદીમાં ડૂબેલાં 2 તરુણોની હજી સુધી ભાળ મળી નથી

રાજ્યભરમાં કોરોના મહામારી વચ્ચે પણ રંગોના તહેવાર હોળી-ધુળેટીની ઉજવણી કરવામાં આવી હતી. એક તરફ, રાજ્યમાં જ્યાં હર્ષોલ્લાસનો માહોલ હતો ત્યાં બીજી તરફ છ સ્થળે ધુળેટીમાં ગમગીનીના રંગ ભળ્યા હતા. સોમવારે ધુળેટીના દિવસે ભાવનગર, સુરત, રાજકોટ, વલસાડ, દાહોદ અને ભરૂચ જિલ્લામાં નદી અને દરિયામાં ડૂબી જવાની 6 ઘટના બની હતી, જેમાંથી 2 સગીર સહિત 8નાં મોત નીપજ્યાં છે, જ્યારે વલસાડમાં 2 તરૂણોની હજી સુધી ભાળ મળી નથી.

ભાવનગરમાં દરિયામાં નાહવા પડેલા 2 યુવકનાં મોત
ભાવનગર જિલ્લાના કોળિયાકના દરિયામાં ધુળેટીના તહેવારને લઈ લોકો દરિયાકિનારે નાહવા ઊમટી પડ્યા હતા, જેમાંથી ત્રણ યુવાનો નાહવા પડતાં ડૂબવા લાગ્યા હતા. 2 યુવાનો ડૂબી જતાં મોત નીપજ્યા હતા અને એકને ગંભીર હાલતમાં ભાવનગર સરટી હોસ્પિટલ ખાતે ખેસડવામાં આવ્યો હતો. પ્રાપ્ત થતી માહિતી મુજબ, ધુળેટીના તહેવાર નિમિત્તે આ યુવાનો કોળિયાક નિષ્કલંક મહાદેવના દરિયામાં નાહવા માટે ગયા હતા. એ સમયે દરિયાના પાણીમાં ગરકાવ થઇ જતા પંકજભાઈ સરવૈયા ઉંમર વર્ષ 25, રાકેશભાઈ ઉંમર 26 નામના યુવાનનો દરિયાની વળતી ઓટમાં ડૂબી જવાથી મોત નીપજ્યા છે, જ્યારે સાથે રહેલા અન્ય એક યુવાનનું સ્થાનિક તરવૈયાઓ દ્વારા રેસ્ક્યૂ કરી આબાદ બચાવ કરી લેવામાં આવ્યો છે.

ચલથાણમાં તળાવમાં ડૂબી જતાં 2 સગીરનાં મોત થયાં.

ચલથાણમાં તળાવમાં ડૂબી જતાં 2 સગીરનાં મોત થયાં.

સુરતના ચલથાણમાં તળાવમાં નાહવા પડેલા 2 સગીરનાં મોત
સુરતના ચલથાણની 5 વીઘા સરકારી જમીન પર નવા બનાવાયેલા તળાવમાં ધુળેટીના દિવસે નાહવા પડેલા બાજુના ગામના 2 પરપ્રાંતીય સગીરો ડૂબી ગયા હતા. ત્યાર બાદ સત્યમ માલી અને સૌરભ રોય નામના બન્ને સગીરનાં મોત થયાં હતાં. ફાયર કોલ બાદ મોડે મોડે એક કલાક બાદ પહોંચેલી ફાયરબ્રિગેડે બન્ને સગીરની બે કલાકની જહેમત બાદ લાશ બહાર કાઢી હતી. ત્યાર બાદ બન્ને સગીરના મૃતદેહને ચલથાણની ખાનગી હોસ્પિટલમાં કોલ્ડસ્ટોરેજના રાખવામાં આવ્યા હતા.

ત્રંબામાં સ્થાનિકોની મદદથી બન્ને યુવાનના મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા.

ત્રંબામાં સ્થાનિકોની મદદથી બન્ને યુવાનના મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા.

રાજકોટના ત્રંબામાં બે યુવાનો નદીમાં ડૂબ્યા
રાજકોટના ત્રંબામાં સોમવારે બપોરે ચાર વાગ્યાની આસપાસ સાત યુવાનો ધુળેટી રમ્યા બાદ નદીમાં નાહવા પડ્યા હતા, જેમાંથી બે યુવાનોના ડૂબી ગયા હતા. તેમને ડૂબતા જોઈ અન્ય મિત્રોએ આસપાસનાં ગ્રામજનોની મદદ માગીને બચાવવા પ્રયાસ કર્યો હતો, પણ ગ્રામજનો મદદે આવે ત્યાં સુધીમાં નદીમાં ડૂબી જવાથી બન્ને મિત્રોનાં મોત થયાં હતાં. સ્થાનિકોની મદદથી બન્ને યુવાનના મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા. મૃતકોમાં એક યુવાનનું નામ કમલેશ પ્રજાપતિ અને બીજા યુવાનનું નામ અર્જુન લક્ષ્મણભાઈ ભૂવા છે. બન્ને આજી ડેમ ચોકડી પાસે આવેલા રામ પાર્કના રહેવાસી છે.

વાપીની દમણગંગા નદીમાં નાહવા પડેલાં 2 તરૂણો લાપતા
વાપીની દમણગંગા નદીમાં પાંચ જેટલાં સ્થાનિક તરુણો ધુળેટી પર્વના દિવસે નદીમાં નાહવા આવ્યાં હતાં. નદીમાં કેટલાક અન્ય સ્થાનિક લોકો પણ નદીમાં સ્થાન કરી રહ્યા હતા. અચાનક નાહવા આવેલાં પાંચ સ્થાનિક તરુણો ડૂબવા લાગ્યા હતા. તેથી નદીમાં સ્થાન કરી રહેલા પાંચ તરુણોને ડૂબતા જોઈને સ્થાનિક લોકોએ પાંચ પૈકી ત્રણ તરુણોને સમયસૂચકતા વાપરીને બચાવ્યા હતા તથા ડૂબેલાં બે તરુણોને બચાવવા સ્થાનિક લોકોએ વાપી GIDC ફાયર ફાઇટર અને વાપીની રેસ્ક્યૂ ટીમને જાણ કરી હતી, તેથી તાત્કાલિક વાપી GIDCની ફાયર ફાઈટરની ટીમ અને વાપી રેસ્ક્યૂ ટીમે ઘટનાસ્થળે પહોંચી ડૂબેલાં બંને તરુણોને શોધખોળ કરવાના પ્રયત્નો હાથ ધર્યા છે.

દાહોદમાં ઈન્દોર હાઈવે નજીક કૂવામાં યુવકનું ડૂબી જતાં મોત થયું.

દાહોદમાં ઈન્દોર હાઈવે નજીક કૂવામાં યુવકનું ડૂબી જતાં મોત થયું.

દાહોદના ઇન્દોર હાઈવે નજીક કૂવામાં ડૂબી જતાં યુવકનું મોત
દાહોદ શહેરમાં ધુળેટીના દિવસે એક તરફ લોકોમાં ઉત્સાહ છવાયેલો હતો. બીજી તરફ, શહેરના ઈન્દોર હાઈવે નજીક એક કૂવામાં ત્રણ યુવકો ડૂબી ગયા હોવાની અફવા ફેલાઈ હતી, જેથી પોલીસ અને ફાયર ફાઈટર ઘટનાસ્થળે દોડી ગયા હતા, જેમાં કૂવામાં તપાસ હાથ ધરવામાં આવી હતી. ભારે જહેમત બાદ એક મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. તેની ઓળખ થતાં મૃતક શહેરના ગારખાયા વિસ્તારમાં રહેતો 19 વર્ષીય ધીરજ ચાવડા હોવાનું ખૂલ્યું હતું.

ઝઘડિયામાં નર્મદા નદી કિનારે ડૂબી જવાથી યુવકનું મોત
ઝઘડિયાથી કબીરવડ જવાના રસ્તે આવતી નર્મદા નદીમાં ડૂબી જવાથી યુવાનનું મોત નીપજયું હતું. ડૂબી જનાર યુવાન ઝઘડિયાના રાણીપુરા ગામનો 22 વર્ષીય દર્પણ પટેલ હોવાનું જાણવા મળી રહ્યું છે. યુવાન તેના મિત્રો સાથે નર્મદા નદીમાં નાહવા ગયો હતો, જે વેળા એકાએક નદીના પાણીમાં તે તણાવા લાગ્યો હતો અને જોતજોતાંમાં તે ડૂબી ગયો હતો. ઘટના બની એ પૂર્વે નર્મદા નદી કિનારે લોકોનો મેળાવડો જામ્યો હતો.

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: