ધાનપુરના કાંટુ ગામમાં દીપડાના હુમલામાં 7 વર્ષની બાળકીનું મોત, માનવભક્ષી દીપડાએ 1 મહિનામાં 3 બાળકને શિકાર બનાવ્યા

  • જુલાઇ મહિનામાં ધાનપુર પંથકમાં દીપડાએ 17 હુમલાઓ કર્યાં હતા
  • માનવભક્ષી દીપડાને પકડવા ગ્રામજનોની માંગ, વન વિભાગે પાંજરું મૂક્યું

દિવ્ય ભાસ્કર

Aug 08, 2020, 04:19 PM IST

દાહોદ. દાહોદ જિલ્લાના ધાનપુર પંથકમાં માનવભક્ષી દીપડાએ આતંક મચાવ્યો છે. દીપડાએ છેલ્લા એક મહિનામાં 3 બાળકોને શિકાર બનાવ્યા છે. ધાનપુર તાલુકાના કાંટુ ગામમાં શુક્રવારે મોડી રાત્રે દીપડો 7 વર્ષની બાળકીને જંગલમાં ખેંચી ગયો હતો. ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ સ્થળ ઉપર દોડી ગઇ હતી. જોકે જંગલમાંથી મળેલી બાળકીને તબીબોએ મૃત જાહેર કરી હતી.

26 જુલાઇના રોજ દીપડો 9 વર્ષની બાળકીને ખેંચી ગયો હતો
ગત 26 જુલાઇના રોજ ધાનપુર તાલુકાના ખજુરી ગામના પશુઓ ચરાવતી 9 વર્ષીય બાળકી ડામોર કાજલ સુમલાભાઇને દીપડો ગળાના ભાગે પકડીને જંગલમાં અંદાજે 500 મીટર સુધી ઢસડીને લઇ ગયો હતો. ગોવાળિયાઓની બૂમાબૂમ સાંભળીને લોકો જંગલ તરફ દોડી આવ્યા હતા. ઘટનાની જાણ વન વિભાગની વાસીયાડુગરી રેન્જને થતાં RFO એમ.કે. પરમાર સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા. વનવિભાગ અને ગામલોકોએ જંગલમાં તપાસ કરતા બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો

11 વર્ષના કિશોરનું દીપડાના હુમલામાં મોત થયું હતું
ગત 9 જુલાઇના ધાનપુર તાલુકાના આમલી મેનપુર ગામના 11 વર્ષીય કિશોર પર દીપડાના હુમલો કર્યો હતો. જેને સારવાર માટે અમદાવાદ અને ત્યારબાદ વડોદરા લઇ જવાયો હતો. જોકે વડોદરા ખાતે સારવાર દરમિયાન કિશોરનું મોત નીપજ્યું હતું.

ધાનપુર તાલુકામાં જુલાઈ માસમાં દીપડાના 17 હુમલા થયા હતા
દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકામાં માનવભક્ષી દીપડાના આતંકથી લોકો ત્રસ્ત છે. જુલાઇ મહિનામાં ધાનપુર તાલુકામાં દીપડાએ 17 સ્થળોએ હુમલા કર્યાં હતા.

વન વિભાગે દીપડાને પકડવા પાંજરું મૂક્યું
આ અગાઉ માનવભક્ષી દીપડાને પકડવા માટે વન વિભાગે પાંજરું મૂક્યું હતું, પરંતુ તેમા ઉંમરલાયક દીપડો પાંજરે પુરાયો હતો. હવે વન વિભાગે ફરી કાંટુ ગામ પાસે દીપડાને પકડવા માટે પાંજરું મૂક્યું છે. માનવભક્ષી દીપડાને પકડવા માટે ગ્રામજનો પણ માંગ કરી રહ્યા છે.






Related News

Comments are Closed

%d bloggers like this: